Get The App

NEET રિ-એક્ઝામ: ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- 'કાતરથી ખિસ્સા કપાશે, પછી WhatsApp પણ બંધ થશે?'

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
NEET રિ-એક્ઝામ: ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- 'કાતરથી ખિસ્સા કપાશે, પછી WhatsApp પણ બંધ થશે?' 1 - image

Rahul Gandhi On Telegram Ban : કેન્દ્ર સરકારે NEETની રિ-એક્ઝામ યોજાય તે પહેલા સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારના આ નિર્ણય પર લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગુસ્સે થયા છે. તેમણે આ પ્રતિબંધને આકરા શબ્દોમાં વખોડતા જણાવ્યું કે, ટેલિગ્રામ બેન એ મોદી સરકારનો પેપર લીક રોકવાનો એક નવો નુસ્ખો છે, જેનો અર્થ એ થયો કે ચોરને પકડવાના બદલે પીડિતના ઘર પર તાળું મારી દેવું.

પેપર લીક રોકવાનો આ કોઈ ઉકેલ નથી : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સરકાર સામે સવાલો ઉઠાવતા લખ્યું છે કે, ‘લાખો વિદ્યાર્થીઓ વર્ષોથી ટેલિગ્રામ પર અભ્યાસ કરે છે, જેમાં તેઓ નોટ્સ, ટેસ્ટ સિરીઝ, ડિસ્કશન અને પરીક્ષાની તૈયારીઓ કરે છે. વિદ્યાર્થીઓ પાસેથી આ સુવિધા છીનવી લેવી તે પેપર લીકનો ઉકેલ કેવી રીતે હોઈ શકે? આ કોઈ ફૂલપ્રૂફ પ્લાન નથી, આ વાત દેશનો દરેક વિદ્યાર્થી અને પેપર લીક માફિયા પણ સારી રીતે જાણે છે. સરકાર આગામી પ્રતિબંધ કોની પર લગાવશે, WhatsApp પર?’

આ પણ વાંચો : મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો... 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો

‘કાતરથી વિદ્યાર્થીઓના ખિસ્સા કપાશે’

સરકારની આકરી ટીકા કરતા કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, ‘પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓની કડક તપાસ કરવામાં આવશે, કાતરથી તેમના ખિસ્સા કાપવામાં આવશે અને પ્રશ્નપત્રો વાયુસેના દ્વારા મોકલવામાં આવશે. દેશમાં આવા દેખાડા કરવાની કોઈ કમી રાખવામાં આવશે નહીં, અસલી મૂળ પર એક પણ પ્રહાર કરવામાં આવશે નહીં. તેનું કારણ એ છે કે, પેપર લીક માફિયા આ સરકારની દેખરેખ હેઠળ જ ફૂલીફાલી રહ્યો છે અને દેશના યુવાનોને લોહીના આંસુ રડાવી રહ્યો છે.’

પીએમ મોદીને દેખાડો બંધ કરવાની સલાહ

રાહુલ ગાંધીએ સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ‘મોદીજી હવે આવા દેખાડા કરવાનું છોડી દો. જો વાર કરવો જ હોય તો માફિયાઓ પર કરો, નિર્દોષ વિદ્યાર્થીઓ પર નહીં. દેશના વિદ્યાર્થીઓનો અવાજ સાંભળો, નહીંતર દેશનો યુવાન પોતાનો હક કેવી રીતે મેળવવો તે સારી રીતે જાણે છે.’

આ પણ વાંચો : ‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો...’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ

15 કરોડ યુઝર્સને સજા મળી રહી છે: ટેલિગ્રામ ફાઉન્ડર

બીજી તરફ, સરકારના આ આદેશ પર ટેલિગ્રામના ફાઉન્ડરે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, ભારત સરકારે ટેલિગ્રામ પર 1 અઠવાડિયા માટે પ્રતિબંધ મૂક્યો છે કારણ કે કેટલાક યુઝર્સે આ પ્લેટફોર્મ પર લીક થયેલા પરીક્ષાના પેપર શેર કર્યા હતા. આ નિર્ણયથી પેપર લીક કરનારા મુખ્ય દોષિતોના બદલે દેશના 15 કરોડથી વધુ ટેલિગ્રામ યુઝર્સને સજા આપવામાં આવી રહી છે. આ બેન પછી પણ કશું અટક્યું નથી અને હવે અન્ય એપ્સ દ્વારા પેપર લીકની ઘટનાઓ સામે આવી રહી છે.

ટેલિગ્રામના સીઈઓનો મોટો ખુલાસો

આ વિવાદ વચ્ચે ટેલિગ્રામના CEO એ સ્પષ્ટતા કરતા કહ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં અમે એવા સેંકડો ચેનલ્સને પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે, જે પરીક્ષાનું મટિરિયલ અને તેને લગતા કૌભાંડો શેર કરી રહ્યા હતા. અમે એડિટેડ લેબલને પણ વધુ વિઝિબલ બનાવી રહ્યા છીએ જેથી બેકડેટીંગ સ્કેમને અટકાવી શકાય. ટેલિગ્રામને આ રીતે બેન કરવો, ભલે તે ટૂંકા સમય માટે હોય, તે સંપૂર્ણપણે ખોટો નિર્ણય છે.

આ પણ વાંચો : VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉત બળવાખોર સાંસદોને અપશબ્દો બોલ્યા