ચીનમાં AI એન્ગ્ઝાઈટી : ડ્રાઈવરથી લઈ ફિલ્મમેકરને નોકરી ગુમાવવાનો ડર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એઆઈને કારણે જોબ માર્કેટમાં બદલાવ
- દરેક સેક્ટરમાં ઓટોમેશન વધ્યું, ૪૪ ટકા વર્કફોર્સ ગિગ ઈકોનોમી સાથે જોડાયેલી હોવાથી સરકાર ચિંતિંત
બેઈજિંગ : વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે કામ કરવાની રીતમાં બદલાવ આવી રહ્યો છે. તેની અસર ચીનમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. એક તરફ, સરકાર એઆઈ ટેકનોલોજીને દેશના વિકાસનું સાધન માની રહી છે અને બીજી તરફ, કામદારોને ડર છે કે, આ ટેકનોલોજી તેમની નોકરી છીનવી શકે છે. એઆઈથી ટેક્સી ડ્રાઈવરો, ડિલિવરી વર્કર, ઓફિસ કર્મચારી અને ક્રિએટિવ સેક્ટરના લોકોમાં અનિશ્ચિતતા વધી છે.
ચીનના વુહાન સિટીમાં એપોલો ગો નામની ડ્રાઈવરલેસ ટેક્સીઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. તેના કારણે ટ્રેડિશનલ ટેક્સી ડ્રાઈવરોની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડ્રાઈવરોનું કહેવું છે કે, એઆઈથી ચાલતી ટેક્સીઓની રાઈડ સસ્તી હોવાથી મુસાફરો તેમની તરફ વળી રહ્યા છે. થોડા સમય માટે એપોલો ગોની સર્વિસ ટેકનીકલ ખામીને કારણે બંધ થતા ટેક્સી ડ્રાઈવરોની આવક વધી હતી. પરંતુ, તે ફરી શરૂ થતા તેમની ચિંતામાં વધારો થયો છે.
એઆઈની અસર હવે ડ્રાઈવિંગ કે ફેક્ટરીના કામ સુધી મર્યાદિત નથી રહી. ફિલ્મમેકર, ગ્રાફિક ડિઝાઈનર, કન્ટેન્ટ ક્રિએટર અને અન્ય ક્રિએટિવ સેક્ટરના લોકો માને છે કે, એઆઈ ટૂલ્સ તેમની ઘણી કામગીરી સ્પીડથી અને ઓછા ખર્ચે કરી શકે છે. કેટલાક બિઝનેસનું માનવું છે કે, કલાયન્ટ પહેલા કરતા ઓછા સમયમાં કામ પૂરું કરવા માંગે છે ત્યારે એઆઈથી સમય અને ખર્ચ બંને બચે છે. દેશમાં મોટી કંપનીઓએ ઓટોમેશન વધાર્યું છે. ચીનની ૪૪ વર્કફોર્સ ગિગ ઈકોનોમી સાથે જોડાયેલી હોવાથી ગિગ વર્કર્સની સાથે સરકારની પણ ચિંતામાં વધારો થયો છે.









