ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે અમદાવાદ આવશે PCB ચીફ મોહસીન નકવી? હાઈપ્રોફાઈલ બેઠક યોજશે ICC
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ICC Board Meeting in Ahmedabad : IPL-2026ના ફાઈનલ વીકેન્ડ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની એક હાઈપ્રોફાઈલ બેઠક અમદાવાદમાં યોજાવાની વિગતો સામે આવી છે. 21 મેએ આઈસીસી ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટી (CEC)ની વર્ચ્યુઅલ મીટિંગ થશે, જ્યારે 30 અને 31 મેએ ICC બોર્ડની મુખ્ય બેઠક અમદાવાદમાં જ રૂબરૂ યોજવામાં આવશે.
નકવીની અમદાવાદમાં હાજરી અંગે અનિશ્ચિતતા
આ હાઈપ્રોફાઈલ બેઠક પહેલા સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવી (Mohsin Naqvi) ભારત આવશે કે નહીં? ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ જોતાં મોહસિન નકવીની અમદાવાદમાં હાજરી અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરાઈ રહી છે. સામાન્ય રીતે પીસીબી ચેરમેન આઈસીસી બોર્ડની બેઠકમાં રૂબરૂ ભાગ લેતા હોય છે, જોકે વર્તમાન સ્થિતિમાં નકવી ભારત આવશે કે ઓનલાઈન જોડાશે તે હજુ સ્પષ્ટ થયું નથી.
હજુ સુધી ભારત નથી આવી એશિયા કપ ટ્રોફી
ભારતની ટીમે એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં પાકિસ્તાનને શરમજનક પરાજય આપ્યો હતો. ભારત મેચ જીત્યું હોવા છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ નક્વી ટ્રોફી લઈને ભાગી ગયા હતા, જેના કારણે ભારે વિવાદ ઉભો થયો હતો. હજુ સુધી નક્વીએ ટ્રોફી અને મેડલ BCCIને આપ્યા નથી. અહેવાલો અનુસાર, આ ટ્રોફી હજુ પણ દુબઈ સ્થિત પીસીબીની ઓફિસમાં રાખવામાં આવી છે.
ટ્રોફી મામલે મોહસિન નક્વીની નફ્ફટાઈ
મોહસિન નકવીએ આ મામલે બીસીસીઆઈ પાસે માફી માંગવાનો પણ ઈનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, ભારતીય ટીમ દુબઈ આવીને ટ્રોફી લઈ જાય. આ વિવાદ બાદ બીસીસીઆઈ અને પીસીબી વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ આવી ગયો હતો. જોકે, બીસીસીઆઈએ આ મુદ્દો આઈસીસી સમક્ષ ઉઠાવવાની વાત કરી હતી, પરંતુ હજુ સુધી આ વિવાદનો કોઈ ઉકેલ આવી શક્યો નથી.
નક્વી ભારત આવશે કે નહીં?
ઉલ્લેખનીય છે કે, 26/11ના મુંબઈ આતંકી હુમલા બાદ ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. ભારતે આઈસીસી ટૂર્નામેન્ટ્સ અને એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચો અન્ય દેશો પર જ રમી છે. હવે અમદાવાદમાં યોજાનારી આઈસીસીની આ બેઠક પર સમગ્ર ક્રિકેટ જગતની નજર ટકેલી છે. હવે એ જોવાનું રહ્યું કે, આઈસીસીની હાઈપ્રોફાઈલ બેઠકમાં ભાગ લેવા મોહસિન નકવી ભારત આવશે કે નહીં?









