Get The App

Explainer: અમેરિકા વિશ્વને 150 વાર નષ્ટ કરી શકે એટલા પરમાણુ શસ્ત્રોનું માલિક, જાણો ટ્રમ્પના દાવાનું સત્ય

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
Explainer: અમેરિકા વિશ્વને 150 વાર નષ્ટ કરી શકે એટલા પરમાણુ શસ્ત્રોનું માલિક, જાણો ટ્રમ્પના દાવાનું સત્ય 1 - image

World Most Powerful Nuclear Bomb : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમના દેશ પાસે સમગ્ર વિશ્વને 150 વાર નષ્ટ કરી શકાય એટલા પરમાણુ શસ્ત્રો છે. આ વિધાનમાં કેટલું સત્ય છે? શું ખરેખર અમેરિકા પાસે એટલો વિશાળ પરમાણુ શસ્ત્રભંડાર છે કે પછી ટ્રમ્પના અન્ય દાવાઓની જેમ આ દાવામાં પણ અતિશયોક્તિ રહેલી છે? 

અમેરિકાના દાવામાં કેટલું સત્ય છે?

અમેરિકા પાસે આશરે 3,700 પરમાણુ શસ્ત્રોનો ભંડાર છે, જેમાંથી લગભગ 1,400 શસ્ત્રો વિવિધ મિસાઇલો, વિમાનો અને સબમરીનો પર તૈનાત કરવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે માત્ર 100થી 400 પરમાણુ બોમ્બ પણ 'પરમાણુ શિયાળો' લાવવા માટે પૂરતા છે. જો આપણે ઓછામાં ઓછા એટલે કે 100 શસ્ત્રો લઈએ, તો અમેરિકા પાસેના 3,700 શસ્ત્રો વિશ્વને 37 વાર નષ્ટ કરવા માટે પૂરતા છે. અને જો આપણે 250 શસ્ત્રોની સરેરાશ મર્યાદા લઈએ, તો અમેરિકાની ક્ષમતા વિશ્વને 15થી 20 વાર નષ્ટ કરવા જેટલી બને છે. તેથી એમ કહી શકાય કે વિશ્વને '150 વાર' ખતમ કરવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો સાચો નથી. 

અમેરિકા ધરતીને નર્ક બનાવી શકે છે

જો અમેરિકા તેના સંપૂર્ણ પરમાણુ શસ્ત્રાગારનો ઉપયોગ કરે, તો તેના પરિણામો અકલ્પનીય હશે. વિશ્વની 50%થી વધુ વસ્તી તાત્કાલિક વિસ્ફોટ, ગરમી અને કિરણોત્સર્ગથી મૃત્યુ પામશે. બાકીની વસ્તી એક એવી દુનિયામાં જીવીત રહેશે જે પ્રબળ ઠંડી, અંધારાથી છવાયેલી, વિકિરણથી દૂષિત અને ખોરાક વગરની હશે. આવી પરિસ્થિતિમાં, માનવજાતિનું ભવિષ્ય અત્યંત અંધકારમય બની જશે.

વર્તમાન જગતનું સૌથી શક્તિશાળી સક્રિય પરમાણુ શસ્ત્ર: B-83 

વર્તમાન સમયમાં વિશ્વનો સૌથી વધુ શક્તિશાળી પરમાણુ બોમ્બ અમેરિકાનો B-83 છે. આ એક પ્રકારનો થર્મોન્યુક્લિયર બોમ્બ છે. તે સક્રિય સ્થિતિમાં હોવાથી કોઈપણ ક્ષણે ઉપયોગમાં લઈ શકાય એમ છે. 

  • B-83ની શક્તિ - 1.2 મેગાટન TNT 
  • 1 મેગાટન એટલે 10 લાખ ટન TNT થતું હોવાથી B-83 માં 12 લાખ ટન TNT જેટલી વિનાશક શક્તિ સમાયેલી છે. 
  • 1945માં જાપાનના હિરોશિમા શહેર પર ફેંકવામાં આવેલ 'લિટલ બોય' બોમ્બ કરતાં B-83 લગભગ 80 ગણો વધારે શક્તિશાળી છે.

B-83 કેવો વિનાશ સર્જી શકે એમ છે? 

જો B-83 કોઈ વિશાળ અને ગીચ વસ્તીવાળા મહાનગર પર ફેંકવામાં આવે, તો તેના પરિણામો અત્યંત ભયાનક હશે. વિસ્ફોટના કેન્દ્રથી 10થી 15 કિલોમીટરના ગોળાકાર દાયરામાં આવેલી તમામ ઇમારતો, રસ્તાઓ, પુલો અને જીવજંતુઓનો સંપૂર્ણ નાશ થઈ જશે. વિસ્ફોટ દરમિયાન ઉત્પન્ન થતું તાપમાન લગભગ 1 લાખ ડિગ્રી સેલ્સિયસ જેટલું પહોંચી શકે છે. આ તાપમાન સૂર્યની સપાટીના તાપમાન કરતાં પણ વધારે છે! એનાથી ઉત્પન્ન થતી થર્મલ વેવ(તાપતરંગ) વિસ્ફોટ કેન્દ્રથી કિલોમીટરો દૂર સુધીના વિસ્તારમાં આગના ગોળા જેવી સ્થિતિ ઊભી કરશે, જે ત્યાંના સજીવોને તત્કાળ ભસ્મ કરી દેશે. વિસ્ફોટ બાદ ફેલાતો કિરણોત્સર્ગી પદાર્થ (રેડિયો એક્ટિવ ફૉલઆઉટ) લાખો લોકોમાં કેન્સર સહિતની અનેક ગંભીર આનુવંશિક બીમારીઓને જન્મ આપશે, જેની અસર ઘણી પેઢીઓ સુધી રહેશે.

આ પણ વાંચો : ચીને અમેરિકા સામેનો 24% ટેરિફ હટાવ્યાની કરી જાહેરાત, શું બંને ધૂરંધર દેશના ટ્રેડ વોરનો અંત?

ભૂતકાળમાં B-83ને બચ્ચું ગણાવે એવો મહા-બોમ્બ બન્યો હતો!

આજે B-83 સૌથી શક્તિશાળી સક્રિય બોમ્બ છે, પણ ભૂતકાળમાં એક એવું પરમાણુ શસ્ત્ર બનાવવામાં આવ્યું હતું, જેની સામે B-83 પણ બચ્ચું લાગે. 1961માં તત્કાલીન સોવિયેત યુનિયન (આજનું રશિયા) દ્વારા 'ઝાર બોમ્બ' નામના એક વિશાળ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેની શક્તિ 50 મેગાટન TNT જેટલી હતી. એ હિરોશિમા બોમ્બ કરતાં 3,333 ગણો વધારે શક્તિશાળી હતો! જોકે, એ ફક્ત પ્રયોગ માટે જ બનાવવામાં આવ્યો હતો. કદ અને વજનમાં ખૂબ જ વિશાળ હોવાથી એને વ્યવહારિક ઉપયોગ માટે તૈનાત નહોતો કરાયો.

પરમાણુ શસ્ત્રોમાં કયો દેશ કેટલો ખમતીધર?

  • હાલમાં વિશ્વના નવ દેશો પાસે પરમાણુ શસ્ત્રોનો જથ્થો છે: અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન, ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા. 
  • રશિયા પાસે સૌથી વધુ સંખ્યામાં (આશરે 4,300) પરમાણુ શસ્ત્રો છે, પરંતુ શક્તિ અને તકનીકી ઉન્નતતાની દૃષ્ટિએ અમેરિકા આગળ છે. 
  • રશિયા પાસે RS-28 સરમાટ નામની એક અત્યાધુનિક આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ છે, જે 5થી 10 મેગાટનની શક્તિ ધરાવે છે અને એક સાથે બહુવિધ સ્વતંત્ર લક્ષ્યભેદક વોરહેડ્સ (MIRV) વહન કરી શકે છે, જેના દ્વારા એક જ હુમલામાં સમગ્ર ખંડને લક્ષ્ય બનાવી શકાય છે. 
  • ચીનની DF-5 મિસાઇલ પણ 3થી 5 મેગાટન શક્તિ ધરાવે છે. તે લિક્વિડ ફ્યુઅલ પર ચાલે છે. તેના વિસ્ફોટથી 50 કિમીના દાયરામાં પૂર્ણ વિનાશ થઈ શકે છે. 
  • ઉત્તર કોરિયાની હવાસોંગ-15 મિસાઇલની શક્તિ અનિશ્ચિત છે, પરંતુ તેના પરીક્ષણો દરમિયાન થયેલા જોરદાર વિસ્ફોટોને લીધે તેની ક્ષમતા વિનાશક હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે.

ભારત અને પાકિસ્તાનની પરમાણુ શક્તિ કેવી છે? 

ભારતની અગ્નિ-5 મિસાઇલ અને પાકિસ્તાનની શાહીન-3 મિસાઇલ અન્ય દેશોના શસ્ત્રો કરતાં ઓછી શક્તિશાળી છે, પરંતુ તેમની વિનાશક ક્ષમતા ઊંચી છે. અગ્નિ-5 મિસાઇલ 0.05થી 0.2 મેગાટન (50થી 200 કિલોટન) શક્તિ ધરાવે છે અને તે લક્ષ્યથી 5 કિમીના દાયરામાં વિનાશ કરી શકે છે. પાકિસ્તાનની શાહીન-3 મિસાઇલ 0.05 મેગાટન (50 કિલોટન) જેટલી શક્તિ ધરાવે છે, જે મુખ્યત્વે સરહદી વિસ્તારોમાં નુકસાન કરવા માટે સક્ષમ છે. 

પરમાણુ હુમલાના બહુમુખી ભીષણ પરિણામો

પરમાણુ બોમ્બના વિસ્ફોટથી થતાં તાત્કાલિક વિનાશ ઉપરાંત તેના ઘણા બધા દૂરગામી પરિણામો હોય છે, જે વર્ષો અને દાયકાઓ સુધી માનવજાતિને પીડા આપતા રહે છે.

1.    બ્લાસ્ટ વેવ (હવાનો જોરદાર ધક્કો): વિસ્ફોટથી ઉત્પન્ન થતો હવાનો પ્રચંડ ધક્કો તેના માર્ગમાં આવતી દરેક વસ્તુને નષ્ટ કરી દે છે. હિરોશિમામાં વિસ્ફોટ કેન્દ્રથી 1 કિમી દૂર સુધીના દાયરામાં રહેલા લોકો હવામાં ફેંકાઈ ગયા હતા. B-83 જેવા મોટા બોમ્બના કેસમાં આવી અસર 20 થી 50 કિમી દૂર સુધીના વિસ્તારને પ્રભાવિત કરી શકે છે.

2.    થર્મલ રેડિયેશન (ઉષ્મા વિકિરણ): વિસ્ફોટ થતાં જ અત્યંત તીવ્ર પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમી લોખંડને પણ પીગાળી દે એવી હોય છે. B-83 બોમ્બના કિસ્સામાં વિસ્ફોટ કેન્દ્રથી 10 કિમી દૂર સુધીના લોકો ‘થર્ડ ડિગ્રી બર્ન’ પામીને મોતને ભેટી શકે છે.

3.    આયોનાઇઝિંગ રેડિયેશન (કિરણોત્સર્ગ): આ એક અદૃશ્ય, સુગંધહીન અને સ્વાદહીન ખતરો છે, જે માનવ શરીરના કોષોને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. તે તાત્કાલિક ઉલટી, અતિસાર, તાવ અને વાળ ખરવાનું કારણ બની શકે છે. લાંબા ગાળે તે કેન્સર, હૃદય રોગ અને આનુવંશિક વિકૃતિઓનું કારણ બને છે.

4.    ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ (EMP): વિસ્ફોટથી ઉત્પન્ન થતો એક શક્તિશાળી EMP (વિદ્યુતચુંબકીય ઝાટકો) હજારો કિલોમીટરના દાયરામાં બધી જ ઈલેક્ટ્રોનિક ઉપકરણો, પાવર ગ્રીડ, કમ્પ્યુટર્સ અને સંચાર વ્યવસ્થાનો નાશ કરી શકે છે. તેથી સમગ્ર શહેર અથવા દેશ અંધારામાં ડૂબી જઈ અત્યાધુનિક તકનીકથી વંચિત થઈ જાય છે.

5.    ન્યુક્લિયર વિન્ટર (પરમાણુ શિયાળો): પરમાણુ યુદ્ધનું સૌથી વિશ્વવ્યાપી અને ભયાનક પરિણામ છે ન્યુક્લિયર વિન્ટર. જો સેંકડો પરમાણુ બોમ્બનો વિસ્ફોટ થાય તો તેમાંથી વિશાળ માત્રામાં ઉડતી ધૂળ અને રાખ વાતાવરણમાં છવાઈ જશે અને સૂર્યપ્રકાશને પૃથ્વી પર આવતો અવરોધશે. આના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન ઘણું જ ઘટી જશે (કેટલાક અંદાજો મુજબ -20 ડિગ્રી સેલ્સિયસ સુધી), ખેતપેદાશો નિષ્ફળ થશે, ફૂડ-ચેઇન તૂટી જશે અને અબજો લોકો ભૂખમરાને ભોગ બનશે. આ પરિસ્થિતિ માનવ સંસ્કૃતિના અસ્તિત્વ પર જ પ્રશ્નચિહ્ન લગાવી શકે છે.

આ પણ વાંચો : સૌથી મોટો મુસ્લિમ દેશ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે, ડીલ ફાઈનલ થયાની ચર્ચા