Get The App

સૌથી મોટો મુસ્લિમ દેશ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે, ડીલ ફાઈનલ થયાની ચર્ચા

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
સૌથી મોટો મુસ્લિમ દેશ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે, ડીલ ફાઈનલ થયાની ચર્ચા 1 - image

Brahmos Missile Deal: દક્ષિણ એશિયાના સૌથી ઘાતક શસ્ત્રો પૈકી એક બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં ભારે તબાહી મચાવી હતી. મે મહિનામાં ભારતીય વાયુસેનાએ આ સુપરસોનિક મિસાઇલનો ઉપયોગ પાકિસ્તાની એરબેઝ પર હુમલો કરવા માટે કર્યો હતો, જેનાથી દુશ્મનની હવાઈ શક્તિ નબળી પડી ગઈ હતી. હવે વિશ્વના સૌથી મોટા મુસ્લિમ બહુમતી ધરાવતા રાષ્ટ્ર ઇન્ડોનેશિયાએ આ મિસાઇલ ખરીદવાનો નિર્ણય લીધો છે. આશરે $450 મિલિયનનો આ સોદો ઇન્ડોનેશિયાની નૌકાદળને મજબૂત બનાવવાની સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના આક્રમણનો સામનો કરવા માટે પણ સક્ષમ બનાવશે. આ સોદો ભારતની સંરક્ષણ નિકાસ ક્ષમતાઓને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે તૈયાર છે.

તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ

મીડિયા અહેવાલ મુજબ, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનો ડીલ ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે લગભગ તમામ વાટાઘાટો પૂર્ણ થઈ છે, અને ફક્ત રશિયન પક્ષ તરફથી અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે, ત્યારબાદ કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે આ ડીલ લાંબા સમયથી ચર્ચા હેઠળ છે. આ વર્ષે જાન્યુઆરીમાં ઇન્ડોનેશિયાના ટોચના રાજકીય અને લશ્કરી નેતૃત્વની નવી દિલ્હી મુલાકાત દરમિયાન આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભારતે પહેલાથી જ ફિલિપાઇન્સને બ્રહ્મોસ મિસાઇલ વેચી દીધી છે અને હવે આ અનોખી શસ્ત્ર પ્રણાલી માટે નવા બજારો શોધી રહ્યું છે.

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે તાજેતરમાં ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતને ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વધતા સંરક્ષણ સહયોગના પ્રતીક તરીકે જોવામાં આવે છે. અગાઉ જાન્યુઆરીમાં ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાંતોની ભારત મુલાકાતે પણ બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને નવો વેગ આપ્યો હતો. 

ફિલિપાઈન્સ સાથે પણ બ્રહ્મોસ મિસાઈલ ડીલ

થોડા વર્ષો પહેલા, ભારતે ફિલિપાઇન્સ સાથે આશરે  રૂ. 3,500 કરોડની બ્રહ્મોસ મિસાઇલ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતે માત્ર મિસાઇલ જ નહીં પરંતુ જરૂરી લોન્ચ અને સપોર્ટ સિસ્ટમ્સ પણ પહોંચાડી હતી. આ ડીલએ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું હતું, કારણ કે ફિલિપાઇન્સ દ્વારા તેના પ્રાદેશિક હિતોનું રક્ષણ કરવા માટે તેને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવતું હતું.

બ્રહ્મોસનો જન્મ: ભારત-રશિયા ભાગીદારીનો ચમત્કાર

બ્રહ્મોસનું નામ ભારતની બ્રહ્મપુત્ર નદી અને રશિયાની મોસ્કો નદી પરથી પડ્યું છે. આ મિસાઇલ બ્રહ્મોસ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવી હતી, જે ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને રશિયાના NPO મશીનોસ્ટ્રોયેનિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે. 1998માં શરૂ કરાયેલ આ પ્રોજેક્ટનો હેતુ એક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ વિકસાવવાનો હતો જે સેકન્ડોમાં દુશ્મન જહાજો અને જમીન લક્ષ્યોને નષ્ટ કરી શકે છે. રશિયાની P-800 ઓનિક્સ મિસાઇલ પર આધારિત, આ હથિયાર 2005 થી ભારતીય સશસ્ત્ર દળો સાથે સેવામાં છે.

બ્રહ્મોસની વિશિષ્ટ વિશેષતાઓમાં જમીન, સમુદ્ર, હવા અને સબમરીનથી લોન્ચ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. તેનું વજન 3,000 કિગ્રા (જહાજ/જમીન સંસ્કરણ), લંબાઈ 8.2 મીટર, અને તેનો વ્યાસ 0.67 મીટર છે. જે દુશ્મનના બખ્તરને ભેદવામાં સક્ષમ છે. તેની સૌથી મોટી તાકાત તેની 'ફાયર એન્ડ ફોરગેટ' ટેકનોલોજી - એક વાર લોન્ચ થયા પછી - કોઈપણ વધારાના માર્ગદર્શન વિના, પોતાના લક્ષ્ય સુધી પહોંચી નષ્ટ કરીને જ ઝંપે છે.


સૌથી મોટો મુસ્લિમ દેશ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે, ડીલ ફાઈનલ થયાની ચર્ચા 2 - image