ચીને અમેરિકા સામેનો 24% ટેરિફ હટાવ્યાની કરી જાહેરાત, શું બંને ધૂરંધર દેશના ટ્રેડ વોરનો અંત?

China Suspends Tariff On US: ચીને અમેરિકન સામાન પર લગાવેલો 24% ટેરિફ હટાવી દીધો છે અને તેને એક વર્ષ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં દક્ષિણ કોરિયામાં થયેલી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક બાદ જ્યાં US એ ચીન ટેરિફમાં 10%નો ઘટાડો કર્યો હતો, ત્યાં હવે ડ્રેગને પણ મોટો નિર્ણય લેતા અમેરિકાને રાહત આપી છે.
US-Chinaમાં વેપાર તણાવ ઓછો થવાના સંકેત
ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાતની મોટી અસર હવે જોવા મળી રહી છે અને US-China વેપાર યુદ્ધ લગભગ અટકી ગયું છે. ચીને બુધવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે તે ચીનમાં આવતી તમામ અમેરિકન વસ્તુઓ પરનો પોતાનો 24% ટેરિફ એક વર્ષ માટે ટાળી દેશે. જોકે, 10% ટેરિફ લાગુ રહેવાનો છે. ચીન તરફથી લેવાયેલો આ નિર્ણય, વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના વેપાર તણાવમાં ઘટાડો થવાનો સંકેત આપે છે.
કૃષિ ઉત્પાદનો પરથી પણ ટેરિફ હટાવાશે
ચીનના સ્ટેટ કાઉન્સિલ ટેરિફ કમિશન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં, એક વર્ષ માટે 24% ટેરિફ સ્થગિત કરવા અને તેને તાત્કાલિક અસરથી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. તો બીજી તરફ, એ પણ જાહેરાત કરવામાં આવી છે કે વિશ્વનો સૌથી મોટો કૃષિ આયાતકાર ચીન આ મહિને 10 નવેમ્બરથી અમેરિકન કૃષિ ઉત્પાદનો પર લાગુ પોતાના 15% સુધીના ટેરિફને પણ હટાવી દેશે.
સોયાબીન સહિત અમેરિકન કૃષિ નિકાસકારોને મોટી રાહત
કૃષિ ઉત્પાદનો પર લાગેલા ટેરિફને સંપૂર્ણપણે હટાવવાના આ નિર્ણયથી અમેરિકન સોયાબીન, મકાઈ, ઘઉં જેવા ઉત્પાદનોના નિકાસકારોને મોટી રાહત મળશે. ખાસ કરીને સોયાબીનના ખેડૂતો માટે, જેમની માટે ચીન હંમેશાથી સૌથી મોટું બજાર રહ્યું છે. બંને દેશો વચ્ચે ટેરિફ તણાવને કારણે લાગેલા પ્રતિબંધોના કારણે તેમને લગભગ 12 અબજ ડૉલરનું મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું અને આ સોયાબીન ટ્રમ્પ માટે સૌથી મોટી ચિંતાનું કારણ બન્યું હતું.

