World

Explainer: ઈરાન યુદ્ધમાં અમેરિકાને પહેલા અઠવાડિયાનો ખર્ચ કેટલો થયો? પેન્ટાગોને જાહેર કર્યા આંકડા

By GS TEAM
12 Mar 20263 mins read
TukuTouch Logo
અમેરિકન સંરક્ષણ વિભાગ પેન્ટાગોને હાલમાં જ ઈરાન સામે ચાલી રહેલા સૈન્ય અભિયાનનો પ્રારંભિક ખર્ચ જાહેર કર્યો છે. આ અંદાજ મુજબ યુદ્ધ શરૂ થયાના પહેલા જ સપ્તાહમાં અમેરિકાને લગભગ 1 લાખ કરોડ રૂપિયા ($11.3 બિલિયન) જેટલો ખર્ચ થઈ ગયો છે. આ આંકડો આશ્ચર્યજનક છે કારણ કે, યુદ્ધની શરૂઆતને હજુ થોડો સમય જ થયો છે. આમ છતાં, ખર્ચ અબજો ડૉલર સુધી પહોંચી ગયો છે. આ ખર્ચમાં સૈન્ય કામગીરી, મિસાઇલો, વિસ્ફોટકો, ડ્રોન અને ગુપ્તચર તંત્રને લગતો ખર્ચ સામેલ છે

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: ઈરાન યુદ્ધમાં અમેરિકાને પહેલા અઠવાડિયાનો ખર્ચ કેટલો થયો? પેન્ટાગોને જાહેર કર્યા આંકડા

US-Iran War Cost : અમેરિકન સંરક્ષણ વિભાગ પેન્ટાગોને હાલમાં જ ઈરાન સામે ચાલી રહેલા સૈન્ય અભિયાનનો પ્રારંભિક ખર્ચ જાહેર કર્યો છે. આ અંદાજ મુજબ યુદ્ધ શરૂ થયાના પહેલા જ સપ્તાહમાં અમેરિકાને લગભગ 1 લાખ કરોડ રૂપિયા ($11.3 બિલિયન) જેટલો ખર્ચ થઈ ગયો છે. આ આંકડો આશ્ચર્યજનક છે કારણ કે, યુદ્ધની શરૂઆતને હજુ થોડો સમય જ થયો છે. આમ છતાં, ખર્ચ અબજો ડૉલર સુધી પહોંચી ગયો છે. આ ખર્ચમાં સૈન્ય કામગીરી, મિસાઇલો, વિસ્ફોટકો, ડ્રોન અને ગુપ્તચર તંત્રને લગતો ખર્ચ સામેલ છે. 

યુદ્ધની શરૂઆત અને સૈન્ય કાર્યવાહી

ઈરાન સાથે અમેરિકાનું લગભગ એકતરફી યુદ્ધ 28 ફેબ્રુઆરીના રોજ શરૂ થયું હતું. અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના કેટલાક લક્ષ્યો પર સંયુક્ત રીતે હુમલા કર્યા હતા, જેને અમેરિકાએ ‘ઓપરેશન એપિક ફ્યુરી’ નામ આપ્યું છે. જ્યારે ઈઝરાયલે તેની કાર્યવાહી માટે ‘ઓપરેશન લાયન્સ રોર’ નામ આપ્યું છે. આ હુમલાને અમેરિકાએ ‘pre-emptive strikes’ એટલે કે સંભાવિત જોખમને પહેલાંથી અટકાવવા માટેના હુમલા તરીકે વર્ણવ્યા છે.

દારૂગોળા પર અબજો ડૉલરનો ખર્ચ

પશ્ચિમ એશિયામાં શરૂ થયેલા આ યુદ્ધના પહેલા સપ્તાહમાં અમેરિકાનો સૌથી મોટો ખર્ચ સૈન્ય દારૂગોળા અને મિસાઇલ સિસ્ટમ પર થયો હતો. અહેવાલો સૂચવે છે કે માત્ર દારૂગોળા પર જ લગભગ $5 બિલિયન (₹45,000 કરોડ) જેટલો ખર્ચ થયો હતો. તેમાં ક્રૂઝ મિસાઇલ, પ્રિસીઝન ગાઇડેડ બોમ્બ, એરસ્ટ્રાઇક મ્યુનિશન અને અન્ય સૈન્ય સાધનોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ

પેન્ટાગોનના ગુપ્ત બ્રીફિંગમાં બહાર આવેલી વિગતો 

એપી ન્યૂઝના અહેવાલો મુજબ આ ખર્ચનો આંકડો પેન્ટાગોને એક બંધ બારણે યોજાયેલા બ્રીફિંગ દરમિયાન આપ્યો હતો. આ સ્થિતિની જાણકારી ધરાવતા એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે $11.3 બિલિયનનો આ આંકડો માત્ર પ્રારંભિક અંદાજ છે.

ઈરાન પરના હુમલાને 13 દિવસ થઈ ગયા 

આ માહિતી બહાર આવી ત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ 13મા દિવસમાં પ્રવેશી ગયો હતો. અમેરિકાના ઘણાં નીતિ ઘડવૈયા યુદ્ધના ખર્ચ અને તેની વ્યૂહરચના અંગે વધુ માહિતી માંગતા પેન્ટાગોન પર દબાણ બનાવ્યું હતું. ત્યારબાદ તેમને આ પ્રાથમિક અંદાજ અપાયો હતો.

કોંગ્રેસ પાસેથી વધુ ભંડોળ માગવાની તૈયારી

સમાચાર એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસ ટૂંક સમયમાં યુદ્ધ માટે વધારાનું નાણાકીય સહાય પેકેજ માંગવાની તૈયારીમાં છે. અમેરિકન કોંગ્રેસના સૂત્રોના જણાવ્યાનુસાર, સરકાર યુદ્ધ ખર્ચ માટે સપ્લિમેન્ટલ ફન્ડિંગ એટલે કે વધારાનું ભંડોળ માગી શકે છે.

આ પણ વાંચો : ‘ઈરાન ખાડી દેશો પર હુમલા બંધ કરે’ UNમાં પ્રસ્તાવને ભારત સહિત 135 દેશોનું સમર્થન, રશિયા-ચીન ગેરહાજર

$50 બિલિયન એટલે કે 4.5 લાખ કરોડની માંગ

ટ્રમ્પ વહીવટી તંત્રના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ સંકેત આપ્યો છે કે સરકાર કોંગ્રેસ પાસે મોટું નાણાંકીય પેકેજ માગી શકે છે. કેટલાક અંદાજ મુજબ આ વિનંતી લગભગ 4.5 લાખ કરોડ રૂપિયા એટલે કે $50 બિલિયન સુધી હોઈ શકે છે. 

આધુનિક યુદ્ધનો સતત વધતો ખર્ચ

ઈરાન સામેના આ સંઘર્ષે ફરી એકવાર સાબિત કર્યું છે કે આજના સમયમાં યુદ્ધ ચલાવવું અત્યંત ખર્ચાળ છે. મિસાઇલ સિસ્ટમ્સ, અદ્યતન વિમાનો, ડ્રોન ટૅક્નોલૉજી અને સેટેલાઇટ આધારિત સૈન્ય કામગીરીના કારણે થોડા દિવસોમાં જ અબજો ડૉલરનો ખર્ચ થઈ જાય છે. આ કારણે યુદ્ધનો આર્થિક બોજ માત્ર સૈન્ય સુધી મર્યાદિત રહેતો નથી, પરંતુ તે દેશના અર્થતંત્ર અને રાજકારણ પર પણ લાંબા ગાળે અસર કરી શકે છે.

આ પણ વાંચો : ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સડક માર્ગે બહાર કઢાશે, પડોશી માંગી રહ્યા છે ડીઝલ: વિદેશ મંત્રાલય