Get The App

વેનેઝુએલાના પ્રમુખ માદુરોને બચાવવા ક્યુબાએ મોકલી હતી સેના! અમેરિકાના હુમલામાં ગુમાવ્યા 32 જવાન

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
વેનેઝુએલાના પ્રમુખ માદુરોને બચાવવા ક્યુબાએ મોકલી હતી સેના! અમેરિકાના હુમલામાં ગુમાવ્યા 32 જવાન 1 - image


Cuban Soldiers Lost Their Lives Protecting Maduro : વેનેઝુએલામાં રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરવા માટે જ્યારે અમેરિકન સેનાએ રાષ્ટ્રપ્રમુખ ભવન પર હુમલો કર્યો, ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઓપરેશન દરમિયાન વેનેઝુએલાના સૈનિકો સિવાય અન્ય એક સામ્યવાદી દેશ ક્યુબાની સેના પણ ત્યાં હાજર હતી. ક્યુબાની સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, અમેરિકન સેના સાથેના આ સંઘર્ષમાં તેમના 32 સૈનિકો માર્યા ગયા છે.

માદુરોને બચાવવા ક્યુબાના સૈનિકોએ લગાવી જાનની બાજી

અહેવાલો અનુસાર, જ્યારે અમેરિકન સુરક્ષા દળોએ રાષ્ટ્રપ્રમુખ ભવનને ઘેર્યું ત્યારે ત્યાં તહેનાત ક્યુબાના સૈનિકોએ નિકોલસ માદુરો (Venezuelan President Nicolas Maduro) અને તેમની પત્નીને બચાવવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો. જોકે, અમેરિકન સેનાની આધુનિક તાકાત સામે તેઓ ટકી શક્યા નહોતા. આ જંગમાં ક્યુબાના 32 સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. ક્યુબાના પૂર્વ પ્રમુખ રાઉલ કાસ્ટ્રો અને વર્તમાન પ્રમુખ મિગુએલ ડિયાઝ-કેનેલે આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને મૃતક સૈનિકોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.

વેનેઝુએલામાં શું કરી રહ્યા હતા ક્યુબન સૈનિકો?

ક્યુબાના સરકારી ટીવી પર આપવામાં આવેલા નિવેદન મુજબ, વેનેઝુએલા સરકારની વિનંતી પર જ ક્યુબાના સૈન્ય અને પોલીસ અધિકારીઓ ત્યાં તહેનાત હતા. હકીકતમાં, ક્યુબા વર્ષોથી વેનેઝુએલાનું નજીકનો સાથીદાર રહ્યું છે અને સુરક્ષા દળોને તાલીમ તેમજ આંતરિક સુરક્ષામાં મદદ કરવા માટે પોતાની સેના મોકલતું રહ્યું છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ અગાઉ પણ દાવો કર્યો હતો કે, માદુરોની સુરક્ષા એજન્સીઓ અને જાસૂસી તંત્રમાં ક્યુબાના લોકોનો મોટો દબદબો છે.

આ પણ વાંચો : ઈરાનમાં લોકો બળવો કરશે, ખામેનેઈ ક્યાં જશે? જાણો 'સિક્રેટ પ્લાન'

અમેરિકાના સૈનિકો સુરક્ષિત : ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) પણ આ ઓપરેશનમાં ક્યુબન સૈનિકોના મોતની પુષ્ટિ કરી છે. ફ્લોરિડાથી વોશિંગ્ટન પરત ફરતી વખતે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘ગઈકાલે મોટી સંખ્યામાં ક્યુબન સૈનિકો માર્યા ગયા છે. સામી બાજુએ ઘણું નુકસાન થયું છે, પરંતુ રાહતની વાત એ છે કે આ ઓપરેશનમાં અમેરિકા તરફથી કોઈ સૈનિકનું મોત થયું નથી.’

ક્યુબામાં બે દિવસનો રાષ્ટ્રીય શોક

32 જવાનો ગુમાવ્યા બાદ ક્યુબા સરકારે દેશમાં બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. ક્યુબાએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે, જોકે હજુ સુધી માર્યા ગયેલા અધિકારીઓના નામ કે તેમના પદની વિગતો જાહેર કરવામાં આવી નથી. આ ઘટના બાદ લેટિન અમેરિકામાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને સામ્યવાદી દેશોમાં અમેરિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : અમેરિકાના લિસ્ટમાં વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ માદુરોના પુત્રનું પણ નામ