Iran Political Crisis : ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈ અને રશિયા સાથેના તેમના સંબંધો અંગે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. બ્રિટિશ અખબાર 'ધ ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, જો ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બનશે અને સરકાર પડી ભાંગશે તો ખામેનેઈએ રશિયાના મોસ્કો શહેર ભાગી જવાનો એક સિક્રેટ એસ્કેપ પ્લાન તૈયાર કર્યો છે.
શું છે ખામેનેઈનો મોસ્કો એસ્કેપ પ્લાન?
અહેવાલો અનુસાર, 86 વર્ષીય આયાતોલ્લા ખામેનેઈએ રશિયાને સુરક્ષિત આશ્રય સ્થાન તરીકે પસંદ કર્યું છે. આ યોજના મુજબ, જો ઈરાનના સુરક્ષા દળો અને સેના આંદોલનકારીઓને રોકવામાં નિષ્ફળ જશે કે બળવો હિંસક બની જશે, તો ખામેનેઈ તેમના પરિવાર અને અંદાજે 20 જેટલા નજીકના સાથીદારો સાથે તેહરાન છોડી રશિયામાં શરણ લેશે. આ યાદીમાં તેમના પુત્ર મોજતબાનું નામ પણ સામેલ હોવાનું મનાય છે, જેમને તેમના અનુગામી માનવામાં આવે છે.
ખામેનેઈની સંપત્તિને પણ સુરક્ષિત કરવાનો પણ પ્લાન
ખામેનેઈ (Ayatollah Ali Khamenei) પાસે અંદાજે 95 અબજ ડૉલરની સંપત્તિ હોવાનું મનાય છે, જેને સુરક્ષિત રીતે બીજા દેશમાં ખસેડવાની યોજના પણ તેમાં સામેલ છે. આ પ્લાન સીરિયાના પૂર્વ શાસક બશર અલ-અસદના વ્યૂહ જેવો જ છે. હાલમાં જ સીરિયાના સત્તાપલટા બાદ તેઓ રશિયામાં આશ્રય લઈ રહ્યા છે. એવું કહેવાય છે કે, બશરે પણ સંપત્તિ જપ્ત થઈ જવાના તેમજ બૅંક ખાતા ફ્રીઝ થઈ જવાના ડરથી તમામ સંપત્તિ ભેગી કરીને સુરક્ષિત સ્થળે ખસેડી દીધી છે.
ઈરાન અને રશિયાના ઐતિહાસિક સમીકરણો
ઐતિહાસિક રીતે જોઈએ તો ઈરાન અને રશિયાના સંબંધ હંમેશા ઉતાર-ચઢાવવાળા રહ્યા છે. આ બંને દેશના સંબંધ વૈશ્વિક સ્તરે બદલાતા સમીકરણો પર પણ નિર્ભર રહ્યા છે. 18મી અને 19મી સદીમાં રશિયાએ ઈરાનના ઘણાં પ્રદેશો પડાવી લીધા હતા, જેના કારણે ઈરાની પ્રજામાં રશિયા પ્રત્યે અવિશ્વાસ રહ્યો છે. જો કે, હાલના સમયમાં પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને અમેરિકા સામેના વિરોધે બંને દેશને નજીક લાવી દીધા છે.
ઈરાન અને રશિયાના સંઘર્ષ-સહકારના મુખ્ય મુદ્દા
1. લશ્કરી ભાગીદારી: યુક્રેન યુદ્ધમાં ઈરાને રશિયાને 'શાહેદ' ડ્રોન અને મિસાઇલ પૂરી પાડીને મદદ કરી છે. તેના બદલામાં રશિયાએ ઈરાનને અત્યાધુનિક ફાઇટર જેટ્સ (Su-35) અને એર ડિફેન્સ સિસ્ટમ આપવાનું વચન આપ્યું છે.
2. વર્ચસ્વની લડાઈ: મધ્ય-પૂર્વ(Middle East)માં રશિયા તેનો પ્રભાવ જાળવી રાખવા માંગે છે, જ્યારે ઈરાન ઈઝરાયલ અને અમેરિકાને હંફાવવા માંગે છે. સીરિયામાં બંનેએ મળીને બશર અલ-અસદ સરકારને બચાવી હતી.
3. આંતરિક અસ્થિરતા: મોંઘવારી અને કડક ઇસ્લામિક નિયમો સામે ઈરાનમાં ભારે રોષ છે. આ જ કારણસર ઈરાનના હજારો લોકો 'ડેથ ટુ ધ ડિક્ટેટર'ના નારા સાથે ખામેનેઈનું શાસન ઉથલાવી દેવા રસ્તા પર ઉતર્યા છે.
નોંધનીય છે કે, ઈરાનના શાસકો માટે રશિયા એક 'સેફ હાઉસ' છે કારણ કે પશ્ચિમી દેશોમાં તેમને આશ્રય મળવો અશક્ય છે. જે રીતે બશર અલ-અસદ રશિયામાં સુરક્ષિત છે, તેમ ખામેનેઈ પણ મુશ્કેલ સમયમાં રશિયન પ્રમુખ પુતિનની મિત્રતા પર ભરોસો રાખી રહ્યા છે. જો કે, ઈરાનના લોકોનો આક્રોશ જોતાં એ જોવું રહ્યું કે શું ખામેનેઈ રશિયા પહોંચવામાં સફળ થાય છે કે પછી ઇતિહાસ કંઈક અલગ જ વળાંક લેશે.
આ પણ વાંચો : અમેરિકા-વેનેઝુએલાની ઘમસાણની અસર સોના-ચાંદી પર પડી, રૉકેટ ગતિએ ઉછળ્યા ભાવ


