Son Guerra’s Reaction to Father Nicolas Maduro’s Arrest : વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કર્યા બાદ પુત્ર ગુએરાએ વિરોધીઓને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. ગુએરાએ કહ્યું કે, ‘ઇતિહાસ બતાવશે કે ગદ્દાર કોણ છે. વેનેઝુએલાના કેટલાક લોકોએ દગો આપ્યો છે, જેમને આગામી સમયમાં ખુલ્લો પાડી ન્યાય કરીશું.’
ગુએરાનો ઓડિયો સંદેશ વાયરલ
માદુરોના પુત્ર ગુએરાનો સોશિયલ મીડિયા પર ઓડિયો સંદેશ વાયરલ થયો છે, જેમાં તેણે કહ્યું છે કે, ‘ઇતિહાસ બતાવશે કે, ગદ્દાર કોણ છે. ઇતિહાસ તેનો ખુલાસો કરશે અમે તેને જોઈશું. અમે ઠીક છીએ, શાંત છીએ. અમે રસ્તાઓ પર આવીને વિરોધ કરીશું. વિરોધીઓ અમને નબળા પાડવા માંગે છે. અમે સમ્માન અને ગરિમાના ઝંડા લહેરાવીને રહીશું. આ પરિસ્થિતિના કારણે અમને દુઃખ થયું છે, અમને ગુસ્સો આવ્યો છે, પરંતુ હવે તેઓ ફરી આવું નહીં કરી શકે. આવી કાર્યવાહી સામે ધિક્કાર છે. હું મારું જીવન અને મારી માતાની કસમ ખાઉં છું, હવે તેઓ ફરી આવું નહીં કરી શકે..
પિતાને પરત મોકલવા ગુએરાની અમેરિકાને માંગ
માદુરોના પુત્રએ કહ્યું કે, તેમણે એકતા મજબૂત કરવા માટે તેમના સમર્થકોને ચાર અને પાંચમી જાન્યુઆરીએ જાહેર આંદોલનમાં ભાગ લેવા આહ્વાહન કર્યું છે. ગુએરાએ અમેરિકાની કાર્યવાહીની નિંદા કરી કહ્યું કે, આપણે બહારના આક્રમણોને જવાબ આપવા માટે રાજકીય અને સૈન્ય વચ્ચે સંકલન ઊભું કરવાની જરૂર છે. તેમણે પિતા મદારોને કસ્ટડીમાંથી મુક્ત કરવા અને તેમને વેનેઝુએલા પરત મોકલવા અમેરિકાની માંગ કરી છે.
અમેરિકાની યાદીમાં માદુરોના પુત્રનું પણ નામ
માદુરો ગુએરા લા ગુએરા રાજ્યના લોમેકર છે અને તેઓ સત્તાધારી યુનાઇટેડ સોશલિસ્ટ પાર્ટી(PSUV)ના સભ્ય પણ છે. અમેરિકાની યાદીમાં ધ પ્રિન્સના નામથી જાણીતા ગુએરાનું નામ સામેલ છે. વેનેઝુએલાના ડ્રગ ઓપરેશનમાં ગુએરાની ભૂમિકા હોવાનો અમેરિકન રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. અમેરિકન ફેડરલ પ્રોસિક્યુટરે માદુરોના પુત્રને મોટા ડ્રગ્સ નેટવર્કનો મુખ્ય આરોપી ગણાવ્યો છે. અમેરિકન રિપોર્ટ મુજબ ગુએરા પર વેનેઝુએલાથી અમેરિકા સુધી કોકેઇન પહોંચાડવા માટે સરકારી સંપત્તિઓ, સેનાના કર્મચારીઓ અને રાજકીય શક્તિનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
માદુરો અને પત્ની સિલિયાની ધરપકડ બાદ વેનેઝુએલામાં ખળભળાટ
ઉલ્લેખની છે કે, 3 જાન્યુઆરી, 2025ની રાતે અમેરિકન સૈન્ય દળોએ માદુરો અને એમના પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરી લીધી હતી. માદુરો પર નાર્કો-ટેરરિઝમ અને ડ્રગ્સ તસ્કરીનું ષડયંત્ર રચવાનો આક્ષેપ કરાયો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને ધરપકડની પુષ્ટિ કરીને તેને 'મોટી સફળતા' જાહેર કરી હતી. માદુરોને ન્યુયોર્ક ખાતે ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. હવે તેમણે કોર્ટ કેસનો સામનો કરવો પડશે. તેમને આજીવન કેદની સજા થવાની શક્યતા છે.
આ પણ વાંચો : વેનેઝુએલાને પાયમાલ કરનાર માદુરોની કહાની, જાણો એક બસ ડ્રાઇવર સરમુખત્યાર કેવી રીતે બન્યો


