ખેડૂતોના વિરોધ સામે સરકાર ઝૂકી: વીજ ટાવર અને લાઇન મુદ્દે જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણાં દરે ચૂકવાશે વળતર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Farmer Electricity Tower Lines Compensation News: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વીજ ટાવર લાઈનને લઈને ચાલી રહેલા ખેડૂતોના વિરોધ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઈનના વળતરમાં વધારો કરાયો છે.
ખેડૂતોના વિરોધ સામે સરકાર ઝૂકી
રાજ્યમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખેતરોમાંથી પસાર થતાં વીજ ટાવર લાઈનના યોગ્ય વળતરને લઈને સતત રજૂઆત અને વિરોધ નોંધાવી રહ્યા હતા. તેવામાં ખેડૂતોના વિરોધ સામે હવે સરકાર ઝૂકી છે. આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, 'વીજ પોલમાં હવે જંત્રીને બદલે જમીનના વર્તમાન બજારભાવના બમણા દરે ખેડૂતોને વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આ ભાવ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટીની રચના કરાશે. જેમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, જિલ્લા કલેકટર સહિતના વ્યક્તિનો કમિટીમાં સમાવેશ કરાશે.'
જંત્રીને બદલે બજાર ભાવના બમણા દરે વળતર આપવાની વાત
ગુજરાત સરકારે વીજ ટાવર અને લાઇન પસાર થવા બદલ ખેડૂતોને અપાતા વળતરમાં વધારો કરવાની જાહેરાત તો કરી છે, પરંતુ આ નિર્ણય પાછળ ખેડૂત સંગઠનોના લાંબા સમયના આક્રોશ અને આગામી રાજકીય ગણતરીઓ છુપાયેલી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જંત્રીને બદલે બજાર ભાવના બમણા દરે વળતર આપવાની વાત પ્રથમ દ્રષ્ટિએ આકર્ષક લાગે છે, પરંતુ વાસ્તવમાં આ નિર્ણય સરકારે પોતાની અગાઉની અન્યાયી નીતિઓનો સ્વીકાર કર્યો હોવાનું સાબિત કરે છે. વર્ષોથી જંત્રીના નામે ખેડૂતોની કિંમતી જમીનો નજીવા ભાવે પડાવી લેનાર સરકાર હવે ઉદારતાનો સ્વાંગ રચી રહી છે, જ્યારે હકીકત એ છે કે જમીનની કાયમી બરબાદી સામે આ વળતર ખૂબ ઓછું છે.
જમીનની બજાર કિંમત નક્કી કરવા 'માર્કેટ રેટ કમિટી'ની રચના કરાશે
જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માટે 'માર્કેટ રેટ કમિટી' (MRC)ની રચના કરવાની જાહેરાત માત્ર કાગળ પરનો વાઘ સાબિત થઈ શકે છે. આ સમિતિમાં કલેક્ટર અને ટ્રાન્સમીશન સર્વિસ પ્રોવાઈડર (વીજ કંપનીઓ)ના પ્રતિનિધિઓનો દબદબો રહેશે, જેના કારણે સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ વચ્ચે ખેડૂતોનો અવાજ દબાઈ જવાની પૂરી સંભાવના છે. સમિતિમાં ખેડૂત પ્રતિનિધિઓને માત્ર દેખાડા ખાતર જ સ્થાન આપવામાં આવ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વીજ કંપનીઓ પોતાના ફાયદા માટે જમીનનો બજાર ભાવ નીચો રાખવા દબાણ કરશે, જેનાથી પારદર્શિતાના દાવાઓ પોકળ સાબિત થઈ શકે છે.
સરકારે ગર્વભેર જાહેરાત કરી છે કે, 765 કે.વી. લાઇનમાં 625 ચોરસ મીટરના બદલે હવે 729 ચોરસ મીટરનું વળતર ચૂકવાશે. પરંતુ આ માત્ર એક ગણિતની માયાજાળ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વાસ્તવમાં, ખેતરમાં એકવાર મોટો વીજ ટાવર ઉભો થઈ જાય એટલે તેની આસપાસની એક એકર જમીન ખેતી માટે નકામી બની જાય છે. ત્યાં મોટા ટ્રેક્ટર કે આધુનિક સાધનો ચલાવી શકાતા નથી, જમીનની બજાર કિંમત કાયમ માટે ઝીરો થઈ જાય છે અને ભવિષ્યમાં તે જમીન વેચી શકાતી નથી. થોડા ચોરસ મીટરનો વધારો આપીને સરકાર ખેડૂતોને થતા કાયમી આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકે નહીં તેવી પણ ફરીયાદ ઉઠી રહી છે.
ગ્રામિણ, નગરપાલિકા અને મનપા પ્રમાણે વળતરના દરો
ગામડાંના ખેડૂતો સાથે અન્યાય સમાન સરકારની આ નવી નીતિમાં 'રાઇટ ઓફ વે કોરિડોર' માટે વળતરના દરોમાં ભારે અસમાનતા રાખવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના માત્ર 30% વળતર અપાશે, જ્યારે નગરપાલિકામાં 45% અને મહાનગરપાલિકા વિસ્તારમાં 60% વળતર અપાશે. સવાલ એ ઉભો થાય છે કે શું ગ્રામ્ય વિસ્તારના ખેડૂતની જમીનનું મૂલ્ય ઓછું છે? વીજ લાઇનનો સૌથી વધુ ભોગ ગામડાના ખેડૂતો જ બને છે, છતાં તેમને સૌથી ઓછું (માત્ર 30%) વળતર આપીને સરકારે પોતાની ગ્રામવિરોધી માનસિકતા છતી કરી છે.
અગાઉ ફાઉન્ડેશન, ઇરેક્શન અને વાયરિંગ એમ ત્રણ તબક્કામાં વળતર અપાતું હતું, જેને બદલે હવે શરૂઆતમાં જ 100% ચૂકવણું કરવાનો દાવો કરાયો છે. પરંતુ સરકારી કચેરીઓની ઢીલી નીતિ અને ભ્રષ્ટાચારથી સભર વહીવટી પ્રક્રિયા જોતા, આ વળતર સમયસર ખેડૂતોના હાથમાં આવશે કે કેમ તે મોટો સવાલ છે. જે ખેડૂતોના કામ ચાલુ છે તેમને જૂની નીતિ અંતર્ગત લાભ આપવાની વાત હજુ અસ્પષ્ટ છે, જેના કારણે ભવિષ્યમાં વહીવટી ગૂંચવાડા અને કોર્ટ-કચેરીના ચક્કર વધવાની પૂરી સંભાવના છે. એકંદરે, આ નિર્ણય ખેડૂતોના લાંબા ગાળાના પ્રશ્નોનું કાયમી નિવારણ લાવવાને બદલે માત્ર વચગાળાનો મલમ લગાવવાનો પ્રયાસ છે તેવો દાવો કરાઈ રહ્યો છે.









