Entertainment

અભિનેતા રાજપાલ યાદવની ધરપકડના એંધાણ ! હાઈકોર્ટે ચેક બાઉન્સ કેસમાં સરેન્ડરનો આપ્યો આદેશ

By GS Team
4 Feb 20262 mins read
TukuTouch Logo
ચેક બાઉન્સના કેસમાં બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવને સરેન્ડર કરવા માટે સમયસીમા વધારવાનો ઈનકાર કરી દીધો છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે, અભિનેતાએ આજે જ (4 ફેબ્રુઆરી, 2026) જેલ સુપરિન્ટેન્ડન્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અભિનેતા રાજપાલ યાદવની ધરપકડના એંધાણ ! હાઈકોર્ટે ચેક બાઉન્સ કેસમાં સરેન્ડરનો આપ્યો આદેશ

Bollywood Actor Rajpal Yadav Cheque Bounce Case : ચેક બાઉન્સના કેસમાં બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવને સરેન્ડર કરવા માટે સમયસીમા વધારવાનો ઈનકાર કરી દીધો છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે, અભિનેતાએ આજે જ (4 ફેબ્રુઆરી, 2026) જેલ સુપરિન્ટેન્ડન્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે.

કોર્ટે કેમ કડક વલણ અપનાવ્યું?

અદાલતે આદેશ આપતા જણાવ્યું હતું કે, રાજપાલ યાદવને સેટલમેન્ટ અને પેમેન્ટ માટે અગાઉ અનેક તકો આપવામાં આવી હતી, પરંતુ તેમણે કોર્ટમાં આપેલા આશ્વાસનો અને વચનો પૂરા કર્યા નથી. જસ્ટિસ શર્માએ નોંધ્યું હતું કે વારંવાર સમયસીમા વધારવી એ કોર્ટની સહાનુભૂતિનો દુરુપયોગ છે, જે હવે સ્વીકારી શકાય તેમ નથી. અગાઉ જૂન 2024માં હાઈકોર્ટે તેમની સજા સ્થગિત કરી હતી, પરંતુ શરતોનું પાલન ન થતા હવે રક્ષણાત્મક આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 17 શહેરોમાં 20 નવી ટ્રેનો શરૂ, જુઓ તમામ રૂટોની યાદી

શું હતો સમગ્ર મામલો?

આ વિવાદ વર્ષ 2010નો છે, જ્યારે રાજપાલ યાદવે પોતાની ફિલ્મ 'અતા પતા લાપતા' પૂર્ણ કરવા માટે એક કંપની પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. કરાર મુજબ વ્યાજ સાથે 8 કરોડ રૂપિયા પરત કરવાના હતા, પરંતુ રાજપાલ યાદવની કંપની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહી હતી. ત્યારબાદ વિવિધ કરારો થયા અને છેલ્લે રકમ વધીને 11.10 કરોડ સુધી પહોંચી હતી.

દંડ અને સજા

આ કેસમાં કડકડડૂમા કોર્ટે રાજપાલ યાદવને ચેક બાઉન્સના સાત મામલામાં દોષિત જાહેર કરીને 1.60 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત, તેમની પત્ની રાધા પર પણ દરેક કેસ દીઠ 10 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો હતો. જોકે, રાજપાલ યાદવે બચાવમાં દલીલ કરી હતી કે, તેમણે કોઈ ઉધાર લીધું નથી પણ સામેની કંપનીએ ફિલ્મમાં રોકાણ કર્યું હતું. કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી. હાઈકોર્ટે હવે આદેશ આપ્યો છે કે, અગાઉ જમા કરવામાં આવેલી રકમ ફરિયાદ કરનાર કંપનીને આપી દેવામાં આવે. આ મામલે આગામી સુનાવણી 5 ફેબ્રુઆરી, 2026ના રોજ થશે, જેમાં સરેન્ડર અંગેનો રિપોર્ટ માંગવામાં આવશે.

આ પણ વાંચો : બલૂચિસ્તાન બળવાખોરો સામે પાકિસ્તાન હારી ગયું ! પાક. સંરક્ષણ મંત્રીએ પોતાની જ સેનાની ફજેતી કરી