10 વર્ષ લિવ-ઈનમાં રહી, પણ કોર્ટે ન્યાયના નામે મજાક કરી: રાજેશ ખન્ના સાથે સંબંધો અંગે અનીતા અડવાણીનો બળાપો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anita Advani vs Rajesh Khanna Family: તાજેતરમાં 1 એપ્રિલ, 2026ના રોજ હાઇકોર્ટ દ્વારા દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અનિતા અડવાણીના સંબંધો અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટે અનિતા અડવાણીની એ અરજીને ફગાવી દીધી છે, જેમાં તેમણે રાજેશ ખન્ના સાથેના પોતાના સંબંધોને કાયદેસરના લગ્ન તરીકે માન્યતા આપવાની માંગ કરી હતી. કોર્ટનું માનવું છે કે આ સંબંધ માત્ર 'લિવ-ઇન રિલેશનશિપ'ની શ્રેણીમાં આવે છે અને તે હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળના કાયદાકીય માપદંડો મુજબ લગ્ન ગણી શકાય નહીં. આ ચુકાદા બાદ અનિતા અડવાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ આ કાયદાકીય લડાઈમાં હાર માનશે નહીં અને પોતાનું સન્માન મેળવવા માટે લડત ચાલુ રાખશે.
લગ્ન અને સંબંધો અંગેના દાવા
અનિતા અડવાણીએ જણાવ્યું હતું કે, 'હું વર્ષ 2002થી 2012 સુધી એટલે કે લગભગ એક દાયકા સુધી રાજેશ ખન્ના સાથે રિલેશનશિપમાં હતી. ઘરના મંદિરમાં જ એક ખાનગી સમારોહ યોજાયો હતો, જેમાં રાજેશ ખન્નાએ મને સિંદૂર લગાવ્યું હતું અને મંગળસૂત્ર પહેરાવીને લગ્ન કર્યા હતા.'
જોકે, અભિનેતાના પરિવારના સભ્યો ડિમ્પલ કપાડિયા અને ટ્વિંકલ ખન્નાએ હંમેશા અનિતાના આ દાવાઓને નકારી કાઢ્યા છે. જ્યારે અનિતા અડવાણીનું કહેવું છે કે, તેઓ રાજેશ ખન્નાના પૈસા કે તેમની લોકપ્રિયતા જોઈને નહીં, પરંતુ તેમના પ્રત્યેના સાચા પ્રેમને કારણે જ આટલા વર્ષો સુધી તેમની સાથે રહ્યા હતા.
કાયદાકીય સ્થિતિ અને પત્ની તરીકેનો હક
કોર્ટના નિર્ણય બાદ અનિતાએ સ્પષ્ટતા કરી છે કે તેમણે લગ્ન કરવાના અધિકારને બદલે પત્ની તરીકેનો હક માંગ્યો હતો. તેમના તર્ક મુજબ, ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ જો બે પુખ્ત વ્યક્તિઓ પતિ-પત્નીની જેમ સાથે રહેતા હોય, તો તે સંબંધને લગ્ન સમાન જ માન્યતા મળવી જોઈએ. તેમણે આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું કે, 14 વર્ષ પછી પણ તેમને આ સંબંધ સાબિત કરવાની પૂરતી તક મળી નથી, જે ન્યાયની મજાક સમાન છે.
પરિવાર સામેના આક્ષેપો અને વસીયતનો વિવાદ
અનિતા અડવાણીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, 'રાજેશ ખન્ના જ્યારે હોસ્પિટલમાં હતા, ત્યારે તેમના પરિવારે મને મળવા દીધા નહોતા અને આ બાબતે અનેક જૂઠાણાં ફેલાવ્યા હતા. તેમજ રાજેશ ખન્નાએ એક વસીયત બનાવી હતી, જે હવે રહસ્યમય રીતે ગૂમ થઈ ગઈ છે. અગાઉ આ મામલે સમાધાન માટેના પ્રયત્નો પણ થયા હતા, પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.' અનિતાએ સ્પષ્ટપણે કહ્યું છે કે, 'મારી આ લડાઈ માત્ર આર્થિક લાભ માટે નહીં પણ પોતાના સન્માન માટે છે અને હું અન્યાય સામે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશ.'









