Get The App

ફિલ્મમાં હિંસા અને ગાળો મુદ્દે રણવીર સિંહનો ફરહાન અખ્તર સાથે ડખો! ડોન-3 વિવાદમાં નવો ઘટસ્ફોટ

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
Don 3 Dispute
(IMAGE - IANS)

Don 3 Dispute: બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અને ડિરેક્ટર ફરહાન અખ્તર વચ્ચે 'ડોન 3' ફિલ્મને લઈને સર્જાયેલો વિવાદ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટ હવે મુશ્કેલીમાં મુકાયો હોય તેમ જણાય છે. એક અહેવાલ અનુસાર, રણવીર સિંહ ઈચ્છતો હતો કે 'ડોન 3'માં તેનો નેગેટિવ રોલ આજના સમયના ટ્રેન્ડ મુજબ વધુ હિંસક અને 'ડાર્ક' હોય. રણવીરનું માનવું હતું કે પ્રેક્ષકોને અત્યારે પડદા પર લોહીલુહાણ દ્રશ્યો અને ગાળાગાળીવાળી ભાષા વધુ પસંદ આવી રહી છે. તેણે આગ્રહ રાખ્યો હતો કે ડોનના ડાયલોગ્સમાં ગાળોનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ ફરહાન અખ્તર આ વિચારના સખત વિરોધમાં હતો.

ગાળાગાળી અને હિંસાના મુદ્દે સર્જાયો વિવાદ

ફરહાન અખ્તરે રણવીરને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે 'ડોન' ફ્રેન્ચાઇઝીની એક આગવી પ્રતિષ્ઠા અને ગરિમા છે. અગાઉ અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાને આ પાત્રને ક્યારેય ગાળો કે બિનજરૂરી હિંસા દ્વારા રજૂ કર્યું નથી. ફરહાનના મતે 'ડોન' એક અત્યંત સ્ટાઇલિશ અને શાતિર ગુનેગાર છે, કોઈ 'સડકછાપ ગુંડો' નથી. આ મૂળભૂત વિચારધારા પર સમજૂતી ન થવાને કારણે બંને વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ અને અંતે રણવીરે ફિલ્મ છોડવાનો નિર્ણય કર્યો.

રણવીરના એક્ઝિટથી 40 કરોડનું નુકસાન

રણવીર અને ફરહાન વચ્ચેના સંબંધોમાં ખટાશ ડિસેમ્બર 2025માં ફિલ્મ 'ધુરંધર'ની રિલીઝ બાદ આવી હતી. રણવીરે અચાનક 'ડોન 3'માંથી વોકઆઉટ કરતા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ આ મામલો 'પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા' સમક્ષ રજૂ કર્યો છે. પ્રોડક્શન હાઉસના જણાવ્યા અનુસાર, ફિલ્મના પ્રી-પ્રોડક્શન પાછળ અગાઉથી જ 40 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો હતો અને રણવીરે દરેક તબક્કે સ્ક્રિપ્ટને પોતાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: સિદ્ધાર્થ અને કિયારા સાથે એક પ્રોજેક્ટ કરી રહ્યાની અટકળો

પ્રોડક્શન હાઉસે માગ્યું વળતર

ફિલ્મ અધવચ્ચે છોડી દેવાને કારણે 'એક્સેલ એન્ટરટેઈનમેન્ટ' કંપનીએ રણવીર સિંહ પાસે 40 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. પ્રોડક્શન હાઉસનું કહેવું છે કે શૂટિંગ શેડ્યૂલમાં ફેરફાર અને પ્રી-પ્રોડક્શનના ખર્ચને કારણે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. જોકે, લેટેસ્ટ અપડેટ મુજબ રણવીર સિંહ હાલમાં તેની 10 કરોડ રૂપિયાની સાઇનિંગ અમાઉન્ટ પરત કરવા માટે સહમત થયો છે. આ વિવાદને કારણે લગભગ ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાલ અધ્ધરતાલ લટકી ગયો છે.

ફિલ્મમાં હિંસા અને ગાળો મુદ્દે રણવીર સિંહનો ફરહાન અખ્તર સાથે ડખો! ડોન-3 વિવાદમાં નવો ઘટસ્ફોટ 2 - image