Get The App

'એ ગાળો બોલતો હતો...', અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
Akshay Kumar


(IMAGE - IANS)

Akshay Kumar News: બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર હાલમાં તેના નવા રિયાલિટી શૉ 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન'ને લઈને સતત ચર્ચામાં છે. આ શૉના આગામી સ્પેશિયલ એપિસોડમાં 'શાર્ક ટેન્ક ઈન્ડિયા'ના જાણીતા જજ અમન ગુપ્તા, નમિતા થાપર અને અનુપમ મિત્તલ મહેમાન બનશે. શૉ દરમિયાન જ્યારે અમન ગુપ્તાએ અક્ષયને તેની જિંદગીની સૌથી વધુ શરમજનક ક્ષણ(Embarrassing Moment) વિશે પૂછ્યું, ત્યારે અભિનેતાએ એક જૂનો અને ચોંકાવનારો કિસ્સો શેર કર્યો હતો. અક્ષયે જણાવ્યું કે કેવી રીતે એક પાર્ટીમાં ગુસ્સામાં આવીને તેમણે એક વ્યક્તિને થપ્પડ મારી દીધી હતી અને ત્યારબાદ જે થયું તેનાથી તેઓ અત્યંત ગભરાઈ ગયા હતા.

અક્ષય કુમારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન

અક્ષયે આ કિસ્સો યાદ કરતા જણાવ્યું કે, એક પાર્ટીમાં એક વ્યક્તિ તેના મિત્રને સતત ગાળો આપી રહ્યો હતો. અક્ષયે તેને વારંવાર રોકવાનો પ્રયત્ન કર્યો અને ચેતવણી પણ આપી, પરંતુ પેલો વ્યક્તિ માનવા તૈયાર નહોતો. અંતે ગુસ્સો કાબૂમાં ન રહેતા અક્ષયે તેને જોરદાર થપ્પડ મારી દીધી. થપ્પડ વાગતા જ તે વ્યક્તિ બેભાન થઈને જમીન પર પડી ગયો, જેના કારણે આખી પાર્ટીમાં અફરાતફરી મચી ગઈ હતી. અક્ષયે કબૂલ્યું કે તે ક્ષણે તે એટલો ગભરાઈ ગયો હતો કે તેને લાગ્યું કે હવે તેની કારકિર્દી ખતમ થઈ જશે. તે ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યો કે તે વ્યક્તિ ભાનમાં આવી જાય.

આ પણ વાંચો: એ.આર.રહેમાન ફરી વિવાદોમાં, ગીત ચોરી કરવાનો આરોપ, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો મામલો

અભિનેતા માટે સૌથી શરમજનક ક્ષણ 

આ ઘટના બાદ જ્યારે તે વ્યક્તિ ભાનમાં આવ્યો ત્યારે અક્ષયે રાહતનો શ્વાસ લીધો હતો. અક્ષયના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિને મારવો એ તેની જિંદગીની મોટી ભૂલ હતી અને તે સમયે તેને ભારે શરમ અનુભવાઈ હતી. અભિનેતાએ વધુમાં કહ્યું કે હવે સમયની સાથે તે બદલાઈ ગયો છે અને જો આજે આવું કંઈ થાય, તો તે કોઈ પ્રતિક્રિયા આપવાને બદલે ત્યાંથી શાંતિથી નીકળી જવાનું પસંદ કરશે. અક્ષય કુમાર અને શાર્ક ટેન્કના જજ વચ્ચેની આ મજેદાર અને લાગણીસભર વાતચીત ધરાવતો આ એપિસોડ 16 ફેબ્રુઆરીએ પ્રસારિત થશે.

'એ ગાળો બોલતો હતો...', અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો 2 - image