Get The App

બોક્સ ઓફિસ પર 'ધુરંધર 2'ની સુનામી, અડધા દિવસમાં જ 'બોર્ડર 2'નો રેકોર્ડ તોડ્યો

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
બોક્સ ઓફિસ પર 'ધુરંધર 2'ની સુનામી, અડધા દિવસમાં જ 'બોર્ડર 2'નો રેકોર્ડ તોડ્યો 1 - image

Dhurandhar 2 Box Office Collection: રિલીઝના પહેલા જ દિવસે 'ધુરંધર 2' ફિલ્મે બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. આદિત્ય ધરની ફિલ્મ અડધા દિવસમાં જ કમાણીમાં પણ 'એક્શન મોડ'માં આવી ગઈ છે. આજે ગુરુવાર બપોરથી જ 'ધુરંધર 2' એ એક કલાકમાં એક લાખ ટિકિટ વેચવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ નક્કી થઈ ગયું છે કે 'ધુરંધર 2' પહેલા જ દિવસથી અનેક મોટા રેકોર્ડ્સ તોડવા જઈ રહી છે, બોક્સ ઓફિસ પર ફિલ્મની મોટી કમાણીનું મિશન શરૂ થઈ ચૂક્યું છે.

'ધુરંધર 2' ની ધમાકેદાર શરૂઆત

રણવીર સિંહની આ ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ એટલું દમદાર હતું કે અડધા રેકોર્ડ તો તેનાથી જ તૂટવા લાગ્યા હતા. ઓપનિંગ ડે માટે 50 કરોડથી વધુનું એડવાન્સ ગ્રોસ કલેક્શન કરી ચૂકેલી 'ધુરંધર 2' પાસેથી પ્રથમ દિવસે 100 કરોડ નેટ કલેક્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગુરુવાર બપોર સુધી આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન આ રેકોર્ડ માટે તૈયાર દેખાઈ રહ્યું છે.

અડધા દિવસમાં 33 કરોડની કમાણી

'ધુરંધર 2'એ આજે 19 માર્ચે અડધા દિવસમાં જ 30 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને ત્રણ મહિના પહેલા આવેલી 'ધુરંધર'ના ઓપનિંગ કલેક્શન (28.60 કરોડ નેટ) કરતા વધુ કમાણી કરી લીધી છે. સેકનિલ્કના દાવા પ્રમાણે 'ધુરંધર 2' એ અડધા દિવસમાં જ અંદાજે 33 કરોડનું નેટ કલેક્શન કરી લીધું છે.

અડધા દિવસમાં તૂટ્યો 'બોર્ડર 2' નો રેકોર્ડ

ગણતંત્ર દિવસે રિલીઝ થયેલી સની દેઓલની 'બોર્ડર 2' અત્યાર સુધી 2026ની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ હતી. તેનું ફર્સ્ટ ડે કલેક્શન 32.10 કરોડ હતું. 'ધુરંધર 2' એ રિલીઝ થતાની સાથે જ માત્ર અડધા દિવસમાં 'બોર્ડર 2' ને પાછળ છોડી દીધી છે. રણવીર સિંહની ફિલ્મ હવે વર્ષની સૌથી મોટી ઓપનિંગ વાળી ફિલ્મ બની ગઈ છે, એ પણ પ્રથમ દિવસ પૂરો થાય તે પહેલા જ. રિલીઝ પહેલા બુધવારે થયેલા પ્રિવ્યુઝથી 'ધુરંધર 2' એ 43 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. એટલે કે કુલ મળીને 'ધુરંધર 2' એ અત્યાર સુધીમાં 75 કરોડથી વધુનું નેટ કલેક્શન કરી લીધું છે. હજુ કમાણીની અડધી રાત બાકી છે.


ફિલ્મની કહાની શું છે?

ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવન્જ’ ની વાર્તા ત્યાંથી શરૂ થાય છે ફ્લેશબેકથી. અહીં આપણને હમઝાનો એ ચહેરો જોવા મળે છે, જેને દુનિયા નથી જાણતી. કેવી રીતે એક સીધો-સાદો, પોતાના પિતા અને દાદાની જેમ ફોજી બનવાનું સપનું જોતો ‘જસકીરત’ જાસૂસીની દુનિયાનો માહેર ખેલાડી ‘હમઝા’ બની ગયો, પડદા પર આ સફર જોવી કોઈ થ્રિલર રાઈડથી ઓછી નથી. વાર્તા ત્યારે રોમાંચક બને છે જ્યારે રહેમાન ડકેતના ખાતમા બાદ હમઝા પોતાને ‘લિયારીનો કિંગ’ જાહેર કરે છે. હવે ભાઈ સાહેબ, કિંગ બનવું તો સહેલું છે, પણ એ તાજને સંભાળવો અને દુશ્મનોની ફોજ સામે લડવું એ જ અસલી ખેલ છે. લિયારીની સાંકડી ગલીઓથી લઈને સત્તાની ગલીઓ સુધી, હમઝાનો આ બદલો કયા વળાંક પર જઈને અટકે છે અને તેણે આ માટે શું કિંમત ચૂકવવી પડે છે, તે જાણવા માટે તમારે થિયેટરમાં જઈને ધુરંધર 2 જોવી પડશે.

કેવી છે ફિલ્મ?

હવે વાત કરીએ એ પ્રથમ રિવ્યૂની, જેના માટે તમે ટિકિટના પૈસા ખર્ચો છો, એટલે કે આ ફિલ્મ એવો કમાલ કરે છે કે નહીં. ‘ધુરંધર 1’ જો શાનદાર હતી, તો ‘ધુરંધર રિવન્જ’ ને તમે ‘સુપરથી ઉપર’ ની કેટેગરીમાં મૂકી શકો છો. પહેલી ફિલ્મમાં એક્શન અને થોડો રોમાન્સનો તડકો તો હતો જ, પરંતુ જે ઈમોશનની ઉણપ રહી ગઈ હતી, તેને આ વખતે આદિત્ય ધરે ખૂબ જ સુંદર રીતે પૂરી કરી છે. સીધી વાત એ છે કે આ ફિલ્મમાં જાનદાર એક્ટિંગ છે, હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તા છે અને સંગીત એવું છે જે થિયેટરની બહાર નીકળ્યા પછી પણ તમારા મગજમાં ગુંજતું રહેશે. મતલબ એ કે મેકર્સે આ વખતે માત્ર કહાની સારી નથી બતાવી પણ દર્શકોના દિલના તાર પણ છેડ્યા છે. જો પાર્ટ વન માત્ર એક ટ્રેલર હતું, તો આ ફિલ્મ ફૂલ ઓફ એન્ટરટેઇન્મેન્ટ છે.

આ પણ વાંચો: બોક્સ ઓફિસ પર 'ધુરંધર 2'ની સુનામી: પ્રિવ્યૂ શૉમાં જ કરોડોની કમાણી, જૂના તમામ રેકોર્ડ ધ્વસ્ત

'ધુરંધર 2 એક માસ્ટરપીસ છે'

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે 'ધુરંધર 2' નો રિવ્યૂ  જાહેર કરતાં લખ્યું છે કે, 'ધુરંધર 2 એક માસ્ટરપીસ છે. આને મારી તરફથી સાડા ચાર રેટિંગ આપવામાં આવશે. ધુરંધર 2 સિનેમાનું સર્વશ્રેષ્ઠ છે. સ્કેલ, ડ્રામા, ઇમોશન, એક્શન, પરફોર્મન્સ અને ઇમ્પેક્ટ દરેક મોરચે ફિલ્મ શાનદાર છે. આદિત્ય ધરની પ્રશંસા થવી જોઈએ. એપિક બ્લોકબસ્ટર.'

ધુરંધર પાર્ટ 1નો રેકોર્ડ તોડશે?

રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 275 કરોડના બજેટમાં બની છે અને સમાચાર છે કે રણવીર સિંહે ફિલ્મ માટે 50 કરોડ ફી લીધી છે.  જણાવી દઈએ કે આ ફિલ્મ ધુરંધરની સિક્વલ છે. ધુરંધર ડિસેમ્બર 2025માં રિલીઝ થઈ હતી. ફિલ્મ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર હતી અને વિશ્વભરમાં 1300 કરોડની કમાણી કરી હતી.