છોટા ઉદેપુરની પુનિયાવાટ મોડલ સ્કૂલના શિક્ષકની બદલી સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ, કચેરીએ ઉગ્ર રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Puniyawat Model School Teacher Transfer: છોટા ઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ સ્કૂલમાં શિક્ષકની બદલીનો મુદ્દો હવે ગરમાયો છે. શાળાના વિજ્ઞાન પ્રવાહમાં ફરજ બજાવતા વેચાતભાઈ રાઠવા શિક્ષકની અચાનક બદલી કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, શિક્ષકની બદલીના કારણે તેમના શિક્ષણકાર્ય પર સીધી અસર પડી રહી છે અને આગામી અભ્યાસને લઈને પણ વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
છોટા ઉદેપુરની પુનિયાવાટ મોડલ સ્કૂલના શિક્ષકની બદલી સામે વિદ્યાર્થીઓમાં રોષ
શિક્ષકને પુનિયાવાટ શાળામાં જ પરત મૂકવાની માગ સાથે લગભગ 17 જેટલાં વિદ્યાર્થીઓએ લેખિતમાં છોટા ઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાને પત્ર લખ્યો હતો. જો કે, રજૂઆત બાદ પણ શિક્ષકને પરત ન મુકાતા વિદ્યાર્થીઓનો રોષ વધુ ઉગ્ર બન્યો છે.
વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, શાળાનું સંચાલન પ્રાયોજના વહીવટદાર, છોટા ઉદેપુર દ્વારા કરવામાં આવે છે અને શિક્ષકની બદલી અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુશ્કેલીને ધ્યાનમાં લીધા વિના લેવામાં આવ્યો છે.
પ્રાયોજના વહીવટદારની કચેરીએ વિદ્યાર્થીઓની ઉગ્ર રજૂઆત
મહત્ત્વની વાત એ છે કે, હવે વિદ્યાર્થીઓએ માત્ર પત્ર લખીને સંતોષ માન્યો નથી. પુનિયાવાટ ખાતે ચાલી રહેલું શિક્ષણકાર્ય અધૂરું મૂકીને વિદ્યાર્થીઓ સીધા છોટા ઉદેપુર ખાતે પ્રાયોજના વહીવટદારની કચેરીએ પહોંચ્યા અને શિક્ષકને પરત મુકવાની ઉગ્ર રજૂઆત કરી હતી.
વિજ્ઞાન પ્રવાહના શિક્ષકને પરત મૂકવામાં આવે: વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓની માગ સ્પષ્ટ છે કે, વિજ્ઞાન પ્રવાહના શિક્ષક વેચાતભાઈ રાઠવાને તાત્કાલિક પુનિયાવાટ મોડલ સ્કૂલમાં પરત મૂકવામાં આવે, જેથી તેમનું શિક્ષણકાર્ય ખોરવાય નહીં. જો તંત્ર દ્વારા તેમની માંગણી પર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શાળા માંથી એલસી કઢાવાની અને શિક્ષણ કાર્ય છોડવાની ચીમકી પણ આપવામાં આવી છે.
છોટા ઉદેપુર જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની સુવિધા સાથે એકલવ્ય મોડલ સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દે હવે તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.
એક તરફ સરકાર આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાની વાત કરી રહી છે, તો બીજી તરફ શિક્ષકની બદલીને લઈને વિદ્યાર્થીઓને જ શિક્ષણકાર્ય છોડીને અધિકારીઓની કચેરી સુધી પહોંચવાની ફરજ પડે તેવો આક્ષેપ સામે આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે વિદ્યાર્થીઓની ઉગ્ર રજૂઆત બાદ પ્રાયોજના વહીવટદાર અને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકને પુનિયાવાટ પરત મૂકવામાં આવે છે કે નહીં.




