Chhota Udaipur

છોટા ઉદેપુર: ઇન્દ્રાલ પાસે ₹1 કરોડના ખર્ચે બનેલો પુલ માત્ર 2 જ મહિનામાં ધોવાયો, નબળી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી-સંખેડા માર્ગ પર ઈન્દ્રાલ ગામ નજીક ₹1 કરોડના ખર્ચે બનેલો નવો પુલ વિવાદમાં સપડાયો છે. નિર્માણના માત્ર 2 મહિનામાં જ સામાન્ય વરસાદમાં પુલનો એપ્રોચ રોડ બેસી ગયો, જેનાથી સરકારી કામકાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકો ઉચ્ચ સ્તરીય તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: ઇન્દ્રાલ પાસે ₹1 કરોડના ખર્ચે બનેલો પુલ માત્ર 2 જ મહિનામાં ધોવાયો, નબળી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ

Naswadi Indral Bridge Poor Construction: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી-સંખેડા માર્ગ પર આવેલ ઇન્દ્રાલ ગામ નજીક નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલો નવો પુલ વિવાદના વંટોળમાં સપડાયો છે. કામગીરી પૂર્ણ થયાને માંડ બે મહિના જેટલો સમય થયો છે ત્યાં સામાન્ય વરસાદમાં જ પુલનો એપ્રોચ રોડ બેસી જતાં સરકારી કામકાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

રસ્તો બંધ અને અસ્થાયી રિપેરિંગ, પ્રજાના નાણાંનો વ્યય

એપ્રોચનો ભાગ બેસી જતાં હાલ ત્યાં પથ્થરો નાખીને કામચલાઉ રસ્તો બનાવવામાં આવ્યો છે. સુરક્ષાના સવાલો ઊભા થતાં આ માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે બનેલો પુલ પ્રથમ વરસાદ પણ સહન ન કરી શકતા સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

ઉચ્ચ સ્તરીય તપાસની સ્થાનિકોની માંગણી

સ્થાનિકોની માગ છે કે, જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ જરૂર પડે રાજ્ય કક્ષાની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે. બાંધકામમાં વપરાયેલી સામગ્રી, ટેકનિકલ ધોરણો, એપ્રોચ રોડનું બાંધકામ અને મંજૂર થયેલા એસ્ટીમેટ મુજબ કામ થયું છે કે નહીં તેની નિષ્પક્ષ તપાસ થાય તેવી માગે જોર પકડ્યું છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: નસવાડી APMCની 10 બેઠકો પર ચૂંટણી, ભાજપ Vs ભાજપ વચ્ચે જંગની સ્થિતિ, 15 વર્ષ બાદ ખેડૂતો કરશે મતદાન

સ્થાનિકોના સણસણતા સવાલો

બે મહિનામાં જ બ્રિજનો એપ્રોચ બેસી જતા લોકોએ સવાલ કર્યા છે કે, ₹1 કરોડના ખર્ચે બનેલો પુલ માત્ર 2 મહિનામાં જ કેમ ક્ષતિગ્રસ્ત થયો? બાંધકામ દરમિયાન ગુણવત્તાના માપદંડોનું પાલન થયું હતું કે કેમ? નબળી કામગીરી અને બેદરકારી માટે જવાબદાર કોન્ટ્રાક્ટર કે તંત્ર સામે પગલાં ક્યારે લેવાશે?

પ્રજાના નાણાંથી થતા વિકાસકામો ટકાઉ હોવા જરૂરી છે. હવે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ અંગે કોઈ કડક તપાસ હાથ ધરી જવાબદારો સામે કાર્યવાહી કરે છે કે કેમ, તે જોવું રહ્યું.