છોટા ઉદેપુરની કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં બિલ કૌભાંડનો આક્ષેપ: ગોબાચારી ઉજાગર કરનાર મહિલા કર્મચારી સામે જ તંત્રની કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kasturba Gandhi Vidhyalaya Bill Scam In Chhota Udepur: છોટા ઉદેપુર તાલુકાના ઝોઝ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી વિદ્યાલય ફરી એકવાર વિવાદમાં આવી છે. ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે ચાલતી આ હોસ્ટેલમાં હવે શિક્ષણની સાથે-સાથે સરકારી નાણાંના હિસાબ-કિતાબ પર ગંભીર સવાલો ઊભા થયા છે. હોસ્ટેલની વિદ્યાર્થિનીઓના ભોજન અને અન્ય સામગ્રીના જથ્થા માટે વાસ્તવિક કિંમત કરતાં બમણી રકમનું બિલ રજૂ કરી ચુકવણી કરી દેવાયાના આક્ષેપો થયા છે.
₹ 84 હજારનું બિલ ₹ 1.55 લાખ થઈ ગયું!
મળતી માહિતી મુજબ, હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ માટે મંગાવવામાં આવેલા સામાનની વાસ્તવિક કિંમત ₹ 84,204 હતી, જે અંગેની સત્તાવાર રજૂઆત વિદ્યાલયના મહિલા કર્મચારી (નોડલ પર્સન) દ્વારા કરવામાં આવી હતી. જોકે, આ જ સામગ્રી સામે એજન્સી દ્વારા ₹ 1,55,204નું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. એટલે કે સીધેસીધી ₹ 71,000 જેટલી વધારાની રકમનું બિલ બનાવી દેવાયું હતું તેવા આક્ષેપો થયા છે.
વાંધો ઉઠાવ્યો છતાં ચુકવણું થઈ ગયું
આ સમગ્ર પ્રકરણમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વિદ્યાલયના મહિલા કર્મચારીએ બિલમાં વિસંગતતા જોઈને લેખિતમાં વડી કચેરી સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો. આમ છતાં, કર્મચારીની રજૂઆતને કોરાણે મૂકીને એજન્સીને ₹ 1,55,204નું આખું ચુકવણું કરી દેવામાં આવ્યું. જ્યારે આ કૌભાંડની વાત બહાર આવી અને વિવાદ વકર્યો, ત્યારે શિક્ષણ વિભાગે ઉતાવળે એજન્સીને નોટિસ આપીને વધારાની ચૂકવાયેલી ₹ 71,000ની રકમ સરકારી ચોપડે પરત જમા કરાવી લીધી છે.
અવાજ ઉઠાવનાર કર્મચારી સામે જ દંડાત્મક પગલાં?
ગેરરીતિ સામે અવાજ ઉઠાવનાર મહિલા કર્મચારીને પ્રોજેક્ટની કામગીરીમાંથી મુક્ત કરી દેવામાં આવતા હવે તંત્રની નીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
શિક્ષણ અધિકારીનો દાવો: 'કોઈ કૌભાંડ નથી થયું'
આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે બિલમાં કોઈ કૌભાંડ નથી થયું પણ માત્ર 'વિસંગતતા'ના કારણે વધારાની રકમ ચૂકવાઈ ગઈ હતી જે પરત લઈ લેવાઈ છે. સામે પક્ષે તેમણે મહિલા કર્મચારી પર શિસ્તભંગ અને કચેરીને ખોટી રીતે બદનામ કરવાનો આરોપ લગાવી તેમની સામે શિક્ષાત્મક નોટિસ ફટકારી છે.
તંત્ર સામે ઊભા થતા તીખા સવાલો
જો બિલમાં કોઈ ગેરરીતિ નહોતી તો એજન્સી પાસેથી ₹ 71,000 પરત કેમ લેવા પડ્યા? કચેરીના જ કર્મચારીએ અગાઉથી લેખિત વાંધો આપ્યો હતો તો બિલ મંજૂર કરનાર જવાબદાર અધિકારીઓએ તે કેમ ન જોયું? ગેરરીતિ પકડનાર કર્મચારીને સન્માનિત કરવાના બદલે કામગીરીમાંથી મુક્ત કરીને શિક્ષાત્મક કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે?
જનતાના ટેક્સના પૈસાની એક-એક પાઈનો હિસાબ થવો જરૂરી છે. માત્ર વધારાની રકમ પરત મેળવીને મામલો દબાવી દેવાને બદલે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ થાય તે અત્યંત જરૂરી છે.









