ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયાનો પોલીસે કર્યો સ્વીકાર: 6થી વધુના મોત, શહેરમાં જ બન્યો હતો ઝેરી દારૂ, આરોપી પોતે પણ બન્યો શિકાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhavnagar Liquor Party Death Case: દારૂબંધી ધરાવતા ગુજરાતમાં વધુ એક વખત ઝેરી દારૂએ તાંડવ મચાવ્યો છે. ભાવનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં ખુલ્લેઆમ વેચાયેલા કેમિકલયુક્ત ઝેરી નકલી દારૂના સેવનથી 6થી વધુ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 21 જેટલા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવથી સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગૃહ વિભાગે સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપી દીધી છે.
ભાવનગરમાં જ બન્યો હતો ઝેરી દારૂ, મિથેનોલ અને એસેન્સનો કરાયો ઉપયોગ
બનાવ અંગે માહિતી આપતાં ભાવનગર જિલ્લા પોલીસ વડા (SP) મયુરસિંહ ચાવડાએ રીતે સ્વીકાર કર્યો હતો કે આ એક લઠ્ઠાકાંડ છે. તેમણે જણાવ્યું હતું કે, 'આ ઝેરી દારૂ ક્યાંય બહારથી લાવવામાં નહોતો આવ્યો પરંતુ ભાવનગરમાં જ એનું પ્રોડક્શન કરવામાં આવ્યું હતું. દારૂ બનાવવા માટે જરૂરી મિથેનોલ, ઇથેનોલ અને એસેન્સ સહિતના કેમિકલ્સ અલગ-અલગ જગ્યાએથી લાવવામાં આવ્યા હતા. સરખેજના એક ટ્રાન્સપોર્ટર મારફતે આ રો-મટીરિયલ બીજા સ્ટેટમાંથી લાવીને ભાવનગરમાં ડિલિવર કરવામાં આવ્યું હતું.'
પોલીસ વડા મયુરસિંહ ચાવડાએ ઉમેર્યું હતું કે, 'નરેન્દ્ર નામના શખસે આ દારૂ બનાવ્યો હતો અને તેણે પોતે પણ તેનું સેવન કર્યું હતું, જેના કારણે તેનું પણ મૃત્યુ થયું છે અને તેનું પીએમ મધ્ય પ્રદેશમાં કરવામાં આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રઈસ છે, જેની મધ્ય પ્રદેશથી અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે મોટાભાગનો કાચો અને તૈયાર દારૂનો જથ્થો કબજે કરી લીધો છે.'
21 આરોપીઓ સામે ગુનો નોંધાયો
આ લઠ્ઠાકાંડમાં પોલીસે મુખ્ય આરોપીઓ સહિત 21 શખસો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે, જેમાંથી ઝડપાયેલા 13 આરોપીઓને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસમાં પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ પણ થયો છે, પરંતુ પૂરાવા નાશ કરનાર તમામ સામે કડક કાર્યવાહી કરાશે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સ્થિતિને જોતાં મૃત્યુઆંક હજુ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે સમગ્ર ભાવનગર જિલ્લામાં પોલીસે કડક ચેકિંગ અને દરોડાનો ધમધમાટ શરૂ કર્યો છે.
આરોપીઓના નામ
સંડોવાયેલા મુખ્ય આરોપીઓમાં ગૌતમ સોલંકી, રઈસુદ્દીન, મનોજ, જતીન, ગણેશ, અમન,હર્ષ, નરેન્દ્રસિંહ ઉર્ફે ડોક્ટર (મૃતક), ધર્મેન્દ્રસિંહ ગોહિલ, સારસ સોલંકી, વિવેક સોલંકી, અર્જુનસિંહ, સંજય ચાવડા, જયદીપ મકવાણા, ભાર્ગવ ભટ્ટ, રોહિત ચોહાણ, કેવલ સોલંકી, સુખદેવ સોલંકી અને હાર્દિક બારૈયા સામેલ છે.

પાંચ પોલીસ કર્મચારી સસ્પેન્ડ
•ભાવનગર રેન્જ આઈજીએ વરતેજ પોલીસ મથકના પીઆઈ એ.બી.પઢેરીયાને સસ્પેન્ડ કર્યા
•બીટ જમાદાર ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલ
•ડી સ્ટાફના જયરાજસિંહ પ્રકાશસિંહ
•અનિરૂદ્ધસિંહ જયવંતસિંહ ગોહિલ
•ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલ









