Gujarat

ભાવનગરમાં નકલી વિદેશી દારૂ કે લઠ્ઠાકાંડ? FSL રિપોર્ટ આવ્યા પહેલાં જ 'લઠ્ઠાકાંડ' જાહેર કરવા સામે ઊઠ્યા સવાલો!

By GS Team
20 Aug 20263 mins read
TukuTouch Logo
ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી 6થી વધુ લોકોના મોત થયા છે અને 21 લોકો હોસ્પિટલમાં છે. આ ઘટનાને ગૃહ વિભાગે સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી છે. જોકે, પોલીસ આને "લઠ્ઠાકાંડ" ગણાવી રહી છે, જ્યારે હકીકતમાં તે બ્રાન્ડેડ બોટલોમાં વેચાતો નકલી વિદેશી દારૂ હોવાનું મનાય છે. FSL રિપોર્ટ પહેલાં 'લઠ્ઠાકાંડ' જાહેર કરવાથી પોલીસની ભૂમિકા સામે સવાલો ઉભા થયા છે, જેનાથી આરોપીઓને કાયદાકીય છટકબારી મળી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં નકલી વિદેશી દારૂ કે લઠ્ઠાકાંડ? FSL રિપોર્ટ આવ્યા પહેલાં જ 'લઠ્ઠાકાંડ' જાહેર કરવા સામે ઊઠ્યા સવાલો!

Bhavnagar Liquor Party Death Case: દારૂબંધી ધરાવતા ગુજરાતમાં વધુ એક વખત ઝેરી દારૂએ તાંડવ મચાવ્યો છે. ભાવનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં ખુલ્લેઆમ વેચાયેલા કેમિકલયુક્ત નકલી દારૂના સેવનથી 6થી વધુ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 21 જેટલા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવથી સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગૃહ વિભાગે તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપી છે. પરંતુ આ સમગ્ર કેસના લઠ્ઠાકાંડમાં ખપાવવાના પ્રયાસ સામે અનેક સવાલ ઊઠી રહ્યા છે.

તપાસના એન્ગલ અને કાનૂની શબ્દપ્રયોગ સામે સવાલો

ભાવનગરમાં FSL (ફોરેન્સિક) રિપોર્ટ આવ્યા પહેલા જ સમગ્ર કેસને 'લઠ્ઠાકાંડ' દર્શાવવા પાછળ પોલીસની ભૂમિકા સામે અનેક આશંકાઓ સેવાઈ રહી છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, જો શહેરમાં બ્રાન્ડેડ બોટલોમાં ડુપ્લિકેટ અને ઝેરી વિદેશી દારૂ વેચાતો હોય, તો તે પ્રોહિબિશન ખાતા અને સ્થાનિક પોલીસની મસમોટી નિષ્ફળતા છતી કરે છે.

'લઠ્ઠાકાંડ' શબ્દ પર ભાર: તપાસ કે માત્ર શબ્દોની રમત?

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન SMCના SP દ્વારા સમગ્ર ઘટનાને વારંવાર 'લઠ્ઠાકાંડ' તરીકે જ વર્ણવવામાં આવી હતી. અધિકારીના આ વલણ બાદ હવે લોકો પણ આ ઘટનાને નકલી વિદેશી દારૂના બદલે 'લઠ્ઠાકાંડ' હોવાનું માની રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ કાયદાકીય દ્રષ્ટિએ આટલી ઉતાવળે આ શબ્દપ્રયોગ કરવા પાછળ પોલીસ તંત્રની કોઈ મોટી ચાલ તો નથી ને? તેવા ગંભીર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો: ભાવનગર નકલી વિદેશી દારૂ કેસ: 6થી વધુના મોત, શહેરમાં જ બનતી હતી ડુપ્લિકેટ બોટલો, આરોપી પોતે પણ બન્યો શિકાર!

નકલી વિદેશી દારૂનું નેટવર્ક છુપાવવાનો પ્રયાસ?

જો પોલીસ સ્વીકારે કે શહેરમાં બ્રાન્ડેડ બોટલોમાં નકલી વિદેશી દારૂ ભરીને વેચવાનું મોટું રેકેટ ચાલી રહ્યું હતું, તો તેનો સીધો અર્થ એ થાય કે સ્થાનિક પોલીસ, એજન્સીઓ અને પ્રોહિબિશન ખાતાની છત્રછાયા હેઠળ આ ગોરખધંધો ધમધમતો હતો. આ સીધી નિષ્ફળતામાંથી બચવા માટે જ સમગ્ર ઘટનાને 'દેશી કેમિકલ યુક્ત લઠ્ઠાકાંડ'નું રૂપ આપીને સિસ્ટમ પોતાની ચામડી બચાવવાનો પ્રયાસ કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

આરોપીઓને મળશે કાનૂની છટકબારી?

કોર્ટમાં કેસ પોલીસના નિવેદનો પર નહીં, પણ FSL (ફોરેન્સિક) રિપોર્ટ પર ચાલે છે. જો પોલીસ ચાર્જશીટમાં આને 'લઠ્ઠાકાંડ' દર્શાવે અને કાલ સવારે FSL રિપોર્ટમાં વિદેશી દારૂમાં કેમિકલ ભેળસેળ સાબિત થાય (મિથેનોલ ન મળે), તો આરોપીઓ ટેકનિકલ ગ્રાઉન્ડ પર કોર્ટમાંથી છૂટી જશે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા 'લઠ્ઠાકાંડ' શબ્દ ઘૂસાડીને લોકોનું ધ્યાન ભટકાવવું એ તપાસ પર પણ મોટા સવાલ ઊભા કરે છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા 'લઠ્ઠાકાંડ' શબ્દ પર ભાર મૂકીને તપાસનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કેમ, તે હવે મોટો સવાલ બની ગયો છે.

નકલી વિદેશી દારૂ કે લઠ્ઠાકાંડ? જાણો બંને વચ્ચેનો મુખ્ય તફાવત

ઘટનાને 'લઠ્ઠાકાંડ' કેમ ન કહેવાય તે સમજવા માટે દેશી દારૂ, લઠ્ઠો અને નકલી વિદેશી દારૂ બનાવવાની પ્રક્રિયા અને તેના બંધારણને સમજવું જરૂરી છે.

દેશી દારૂ અને લઠ્ઠો

સામાન્ય રીતે દેશી દારૂ ગોળ, મહુડા, આથો અને પાણીના મિશ્રણને ઉકાળીને બનાવવામાં આવે છે, જેમાં ઈથેનોલ (Ethanol) હોય છે. પરંતુ આ દારૂને વધુ ઝડપથી આથો લાવવા, કડક બનાવવા અને ઓછી મજૂરીએ વધુ કીક આપવા માટે બુટલેગરો તેમાં નવસાર, યુરિયા, બેટરીનું એસિડ કે અત્યંત ઝેરી કેમિકલ 'મિથેનોલ' (Methanol) ઉમેરે છે. મિથેનોલયુક્ત આ ઝેરી મિશ્રણને કાયદાની ભાષામાં 'લઠ્ઠો' કહેવાય છે, જે પીવાથી માણસ આંખોની રોશની ગુમાવે છે અથવા લીવર-કિડની ફેલ થવાથી મોતને ભેટે છે.

નકલી વિદેશી દારૂ

નકલી વિદેશી દારૂ એટલે કે Duplicate IMFL બનાવવા માટે કોઈ આથો લાવવાની કે દેશી પદ્ધતિ વપરાતી નથી. અહીં બ્રાન્ડેડ કાચની બોટલો, ડુપ્લિકેટ સીલ, કેપ અને લેબલનો ઉપયોગ થાય છે. તેની અંદર ઉદ્યોગોમાં વપરાતું સ્પિરિટ (Industrial Alcohol), કલર, એસેન્સ અને પાણીનું મિશ્રણ કરીને તેને હૂબેહૂબ અસલી ઈંગ્લિશ દારૂ જેવો બનાવવામાં આવે છે. જો આ સ્પિરિટની અંદર કેમિકલનું પ્રમાણ વધી જાય કે ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડનું ઝેરી કેમિકલ ભળી જાય, તો તે 'ઝેરી નકલી દારૂ' બને છે, લઠ્ઠો નહીં.

શા માટે આ લઠ્ઠાકાંડ ન હોવાનો દાવો?

ભાવનગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓમાંથી નીકળેલો લઠ્ઠો નહીં, પરંતુ બ્રાન્ડેડ બોટલોમાં પેક થયેલો નકલી વિદેશી દારૂ વેચાયો હોવાના અહેવાલ છે. આથી ટેકનિકલ, વૈજ્ઞાનિક અને કાનૂની વ્યાખ્યા મુજબ આ ઘટના 'નકલી વિદેશી દારૂકાંડ' છે. કેસને લઠ્ઠાકાંડ ખપાવી દેવો એ કાયદાકીય દ્રષ્ટિએ મોટો તફાવત ઊભો કરે છે.