Ahmedabad

અમદાવાદ એરપોર્ટ પર 4 કરોડનો ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલો મુસાફર ફૂડ પેકેટ્સની આડમાં કરતો હતો હેરાફેરી

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ AIUએ ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી આવેલ એક મુસાફર પાસેથી રૂ. 4 કરોડનો 4.276 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરાયો. ફૂડ પેકેટ્સમાં છુપાવેલી 22 પોટલીઓ મળી આવી. કસ્ટમ્સ વિભાગે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી, જે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સાથે જોડાયેલ હોવાની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ એરપોર્ટ પર 4 કરોડનો ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલો મુસાફર ફૂડ પેકેટ્સની આડમાં કરતો હતો હેરાફેરી

Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ(AIU)ને ડ્રગ્સની હેરાફેરી મામલે મોટી સફળતા મળી છે. બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી રૂ.4 કરોડની કિંમતનો 4.276 કિલો શંકાસ્પદ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. કસ્ટમ્સ વિભાગે આ મામલે NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી આરોપી મુસાફરની ધરપકડ કરી છે.

કસ્ટમ્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 1 જુલાઈના રોજ ઇન્ટરનેશનલ અરાઇવલ ટર્મિનલ પર મુસાફરોના પ્રોફાઇલિંગ દરમિયાન એક શંકાસ્પદ મુસાફર પર નજર રાખવામાં આવી હતી. આ મુસાફર બેંગકોકથી થાઈ એરવેઝની ફ્લાઈટ નંબર TG-343 દ્વારા અમદાવાદ આવ્યો હતો. ઇન્ટેલિજન્સ આધારિત પ્રોફાઇલિંગના આધારે અધિકારીઓએ તેને અટકાવી સઘન તપાસ હાથ ધરી હતી.

ફૂડ પેકેટ્સમાં છુપાવી હતી ડ્રગ્સની 22 પોટલીઓ

તપાસ દરમિયાન જ્યારે મુસાફરની ચેક-ઇન ટ્રોલી બેગની તલાશી લેવામાં આવી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બેગની અંદર રાખેલા ફૂડ પેકેટ્સમાં છુપાવીને રાખવામાં આવેલી 22 પારદર્શક સફેદ પોલીથીન બેગ મળી આવી હતી. આ તમામ પેકેટ્સમાં લીલાશ પડતો શંકાસ્પદ પદાર્થ ભરેલો હતો.

શું છે હાઇડ્રોપોનિક ગાંજો?

અધિકારીઓએ જણાવ્યું કે, ઝડપાયેલા પદાર્થનો સ્થળ પર જ ફિલ્ડ ટેસ્ટ કરવામાં આવતા તે ‘હાઈડ્રોપોનિક મેરિજુઆના’ હોવાનું સામે આવ્યું હતું. આ સામાન્ય ગાંજા કરતા વધુ નશીલો અને ઘાતક હોય છે, જેને માટી વગર માત્ર પાણી અને ખાસ પોષક તત્વો (હાઈડ્રોપોનિક ટેકનિક) દ્વારા ઉગાડવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની આશંકા

કસ્ટમ્સ વિભાગે આશરે રૂ.4 કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતો 4.276 કિલો પ્રતિબંધિત નશીલો પદાર્થ જપ્ત કરી લીધો છે અને મુસાફરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તપાસ પ્રાથમિક તબક્કામાં હોવાથી સુરક્ષાના કારણોસર આરોપીની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘ મલ્હાર: 4 જિલ્લામાં રેડ ઍલર્ટ, આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અધિકારીઓ હવે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે, ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેને કયા શહેરમાં સપ્લાય કરવાનો હતો અને પકડાયેલો મુસાફર કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક સાથે જોડાયેલો છે કે કેમ. આ સ્મગલિંગ પાછળ કોઈ મોટી આંતરરાષ્ટ્રીય ગેંગ સક્રિય છે કે પછી મુસાફર પોતે જ વ્યક્તિગત રીતે આ હેરાફેરી કરી રહ્યો હતો, તે દિશામાં ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.