Ahmedabad

અમદાવાદ: કાલુપુર સ્ટેશને કોન્સ્ટેબલને ધમકાવનાર નકલી IPS ઝડપાયો, 'મને સેલ્યુટ કેમ ન મારી?' કહી માથાકૂટ કરી હતી

By GS TEAM
25 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી IPS અધિકારી જોન ડેનિયલ ઝડપાયો છે. તેણે પોલીસકર્મી સાથે ગેરવર્તન કરી, સેલ્યુટ ન મારવા બદલ ધક્કામુક્કી કરી હતી. આ શખ્સ અગાઉ SPC સાથે સંકળાયેલો હતો અને IPS અધિકારીઓના વર્ચસ્વથી પ્રભાવિત થઈને પોતે પણ IPS હોવાનો રોફ જમાવતો હતો. રેલવે પોલીસે ગુનો નોંધી તેને જેલભેગો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: કાલુપુર સ્ટેશને કોન્સ્ટેબલને ધમકાવનાર નકલી IPS ઝડપાયો, 'મને સેલ્યુટ કેમ ન મારી?' કહી માથાકૂટ કરી હતી
Fake IPS Arrested From Kalupur Railway Station

Fake IPS Arrested From Kalupur Railway Station: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પોતે IPS અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને લોકો પર રોફ જમાવતો પ્રહલાદનગરનો જોન ડેનિયલ નામનો શખ્સ રેલવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આ નકલી IPSએ સ્ટેશન પર ફરજ બજાવતા અસલી પોલીસકર્મી સાથે ગેરવર્તન અને ધક્કામુક્કી કરી હતી. તેણે 'મને સેલ્યુટ કેમ નથી માર્યો?' તેમ કહીને પોલીસકર્મી સાથે ઉગ્ર માથાકૂટ કરી હતી અને તેની ટ્રાન્સફર કરાવી દેવાની ધમકી પણ આપી હતી. પોલીસકર્મીની વરદી સાથે ખેંચતાણ કરી અપશબ્દો બોલતા મામલો બિચક્યો હતો, કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પોલીસે નકલી IPSને ઝડપી પાડ્યો છે.

અધિકારીઓના વર્ચસ્વથી પ્રભાવિત થઈ કરતૂત કરી
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી જોન ડેનિયલ કોઈ IPS અધિકારી નથી. તે અગાઉ SPC(સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ) કાર્યક્રમ સાથે સંકળાયેલો હતો, જ્યાં તે ઉચ્ચ IPS અધિકારીઓના સંપર્કમાં આવ્યો હતો. અધિકારીઓના વર્ચસ્વથી પ્રભાવિત થઈને તેણે પોતે પણ IPS હોવાનો ખોટો રોફ જમાવવાનું શરૂ કર્યું હતું. સરકારી કર્મચારીની ચાલુ ફરજમાં રૂકાવટ ઊભી કરવા તેમજ પોલીસની ખોટી ઓળખ આપવા બદલ રેલવે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને જેલહવાલે કર્યો છે.

શું હતો સમગ્ર મામલો?
મૂળ સાબરકાંઠાના અને હાલ કાલુપુર રેલવે પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અજય દેસાઈ સ્ટેશન બહાર બંદોબસ્તમાં હતા. તેજસ એક્સપ્રેસનો સમય હોવાથી અને આસપાસ વિકાસના કામો ચાલતા હોવાથી ત્યાં ટ્રાફિક સર્જાયો હતો. આ દરમિયાન કારમાં આવેલા શખસે ટ્રાફિક જામ અંગે સવાલ કરતા કોન્સ્ટેબલે યોગ્ય કારણ જણાવ્યું હતું. જો કે, સાચો જવાબ સાંભળતા જ તે શખસ અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને 'તે મને સેલ્યુટ કેમ ન માર્યું?' તેમ કહીને કોન્સ્ટેબલને ધક્કો મારી વર્દી ખેંચવાનો પ્રયાસ કરી ગેરવર્તન કર્યું હતું.

'મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…'
મામલો ગરમાતા અન્ય પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, છતાં આ યુવકે પોતાનો રોફ ઝાડતા ધમકી આપી હતી કે, 'હું IPS જોન ડેનિયલ છું, તારી વર્દી ખાઈ જઈશ અને ડીજી સાહેબને કહીને તારું બહુ દૂર ટ્રાન્સફર કરાવી દઈશ.' ત્યારબાદ તેણે પોતાના મોબાઈલમાં ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની ચીમકી આપીને ત્યાંથી ચાલતી પકડી હતી. કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પોલીસે આ નકલી જોન ડેનિયલ સામે ગુનો દાખલ કરી, તેની અસલી ઓળખ મેળવવા તપાસ શરૂ કરાઇ હતી, જે બાદ આરોપી નકલી IPS હોવાનું ખૂલતાં તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.