AMCના વિકાસકામોમાં હવે 'ક્વોલિટી કંટ્રોલ'ની સરપ્રાઇઝ ચેકિંગ કરાશે, ખામી મળી તો 7 દિવસમાં સુધારવી પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Quality Control Surprise Inspection Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવતા વિવિધ વિકાસકામોની ગુણવત્તા અંગે હવે વધુ કડક દેખરેખ રાખવામાં આવશે. રોડ-રસ્તા, બ્રિજ અને બિલ્ડિંગથી લઈને પાણી, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને સ્ટ્રીટલાઇટના કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે.
AMCના વિકાસકામોમાં હવે 'ક્વોલિટી કંટ્રોલ'ની સરપ્રાઇઝ ચેકિંગ કરાશે
હવે માત્ર કામ પૂર્ણ થયા બાદ તેની ગુણવત્તા તપાસવામાં નહીં આવે, પરંતુ કામ શરૂ થાય ત્યારથી લઈને તેના પૂર્ણ થવા અને લોકાર્પણ સુધીના વિવિધ તબક્કે અચાનક ચકાસણી કરવામાં આવશે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં વિકાસકામોની ગુણવત્તા અંગે જવાબદારી નક્કી કરવાની સાથે ખામી જણાય તો તેને દૂર કરવા માટેની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે.
નવી વ્યવસ્થા હેઠળ ક્વોલિટી કંટ્રોલ ટીમ કામના સ્થળે કોઈ પૂર્વ જાણ કર્યા વિના પહોંચી શકે તેવી રીતે સરપ્રાઇઝ ચકાસણી કરશે. ટીમ દ્વારા સંબંધિત કામના ક્વોલિટી એસ્યોરન્સ પ્લાન (QAP), ટેન્ડરમાં નક્કી કરવામાં આવેલા ટેકનિકલ સ્પેસિફિકેશન, મંજૂર ડિઝાઇન અને લાગુ પડતા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધોરણો મુજબ કામગીરી થઈ રહી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત કામમાં વપરાતા રો મટીરિયલનો સોર્સ, તેની ગુણવત્તા, જરૂરી લેબોરેટરી ટેસ્ટિંગ અને મંજૂર થયેલા ડ્રોઇંગ મુજબ કામગીરી કરવામાં આવી છે કે નહીં તેની પણ ચકાસણી થશે.
પાણી-ડ્રેનેજના કામ માટે અલગ ટીમ
પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, W.O.E.&M., S.O.E.&M. તથા તેને આનુષંગિક કામોની ગુણવત્તાની તપાસ સંબંધિત ચીફ ઈજનેર (PHW & SMC)ના નિયંત્રણ હેઠળની સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ કરશે. જ્યારે રોડ, બ્રિજ, બિલ્ડિંગ અને તેને લગતા તમામ સિવિલ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોની સરપ્રાઇઝ ચકાસણી સંબંધિત ચીફ ઈજનેર (રોડ/બ્રિજ/બિલ્ડિંગ)ના નિયંત્રણ હેઠળ કરવામાં આવશે. સ્ટ્રીટલાઇટ, લાઇટિંગ તથા તેને લગતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોની ગુણવત્તા ચકાસણી સંબંધિત એડિશનલ ચીફ ઈજનેરના નિયંત્રણ હેઠળની સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ દ્વારા કરવામાં આવશે.
કામ શરૂ થાય ત્યારથી લોકાર્પણ સુધી ગુણવત્તા તપાસાશે
ક્વોલિટી કંટ્રોલ ટીમ દ્વારા માત્ર અંતિમ કામગીરીની તપાસ નહીં પરંતુ પ્રોજેક્ટના દરેક મહત્વના તબક્કાની ચકાસણી કરવામાં આવશે. કામ શરૂ થયા બાદ જરૂરી ફિલ્ડ ટેસ્ટ, મટીરિયલ ટેસ્ટ અને વર્કમેનશિપની તપાસ કરવામાં આવશે. આ સાથે મંજૂર ટેન્ડર સ્પેસિફિકેશન પ્રમાણે કામ થયું છે કે નહીં, મટીરિયલની ગુણવત્તા યોગ્ય છે કે નહીં અને કામની ટકાઉપણું તથા કાર્યક્ષમતા નિર્ધારિત ધોરણ મુજબ છે કે નહીં તેની પણ ચકાસણી થશે. આ પ્રક્રિયા કામના શરૂઆતના તબક્કાથી લઈને લોકાર્પણ સુધી ચાલુ રહેશે.
ખામી મળી તો 7 દિવસમાં સુધારવી પડશે
સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન કોઈ કામમાં ગુણવત્તાની ખામી, ટેન્ડરના સ્પેસિફિકેશનથી વિસંગતતા અથવા નબળી કામગીરી જોવા મળશે તો તેની જાણ તાત્કાલિક સંબંધિત ઝોન અથવા વિભાગના અધિકારીને કરવાની રહેશે. આવી ખામી સામે જરૂરી સુધારાત્મક કામગીરી 7 દિવસની અંદર પૂર્ણ કરાવવાની રહેશે. આ ઉપરાંત, સ્ટ્રક્ચરલ સેફ્ટી, ડ્યુરેબિલિટી, ફંક્શનલિટી અથવા પબ્લિક સેફ્ટીને અસર કરતી ગંભીર ગુણવત્તાની ખામી જણાય તો તેની તાત્કાલિક જાણ સંબંધિત અધિકારીને કરવાની રહેશે.
ઈન્સપેક્શન રિપોર્ટ તૈયાર કરી 15 દિવસમાં ક્વોલિટી કંટ્રોલને રજૂ કરવો
આવી સ્થિતિમાં યોગ્ય સુધારાત્મક કાર્યવાહી અને મંજૂરી ન મળે ત્યાં સુધી સંબંધિત કામગીરી આગળ વધારી શકાશે નહીં. આવી ગંભીર ખામી મહત્તમ 2 દિવસમાં દૂર કરવાની રહેશે. દરેક સ્થળે કરવામાં આવેલી ગુણવત્તા ચકાસણીનો વિગતવાર ક્વોલિટી ઈન્સપેક્શન રિપોર્ટ તૈયાર કરી 15 દિવસમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર–ક્વોલિટી કંટ્રોલને રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત, નોન-કન્ફોર્મન્સ રિપોર્ટ (NCR) રજીસ્ટર જાળવવાનું રહેશે. કોઈપણ કામમાં વારંવાર ડિફેક્ટિવ કામગીરી અથવા નોન-કમ્પ્લાયન્સ જોવા મળે તો સંબંધિત કોન્ટ્રાક્ટર /PMC સામે એગ્રીમેન્ટ/કોન્ટ્રાક્ટ મુજબ દંડનીય કાર્યવાહી કરવાની રહેશે.
દર મહિને કરવામાં આવેલી તમામ ગુણવત્તા ચકાસણીઓ, તેમાં ધ્યાને આવેલી ખામીઓ, કરવામાં આવેલી સુધારાત્મક કાર્યવાહી તથા તેની હાલની સ્થિતિનો મંથલી ક્વોલિટી કંટ્રોલ સમરી તૈયાર કરવાનો રહેશે. આ માસિક અહેવાલ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ દર મહિને સમીક્ષા અર્થે રજૂ કરવાનો રહેશે. સંબંધિત કામના તમામ તબક્કાના ક્વોલિટી ઈન્સપેક્શન રિપોર્ટ્સ તેમજ તેમાં દર્શાવેલી ખામીઓની પૂર્તતા અને સુધારાત્મક કાર્યવાહીના અહેવાલોની ચકાસણી પૂર્ણ થયા બાદ જ સંબંધિત કામના રનિંગ બિલ/ફાઈનલ બિલના પેમેન્ટ માટે પ્રિ-ઓડિટર દ્વારા નાણા વિભાગમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે.









