અમદાવાદ મનપાના સ્વિમિંગ પુલોની સફાઈમાં 4 વર્ષથી ટેન્ડર પ્રક્રિયા ઠપ, ક્વોટેશનથી 1 કરોડથી વધુ ચૂકવણી કરાયાનો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Swimming Pool Tender Controversy: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત સ્વિમિંગ પૂલોની સફાઈ કામગીરીમાં છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ ન હોવાના આક્ષેપો સાથે વિવાદ ઊભો થયો છે. 2022માં અગાઉનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ નવું ટેન્ડર બહાર પાડવાને બદલે ક્વોટેશનના આધારે સતત કામ સોંપાઈ રહ્યું હોવાનો ખુલાસો ગુજરાત લઘુમતી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ એડવોકેટ દ્વારા કરાયેલી RTIમાં થયો છે. આ પ્રકારે છેલ્લા 3 થી 4 વર્ષમાં ક્વોટેશનના આધારે રૂ. 1 કરોડથી વધુની ચૂકવણી થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ક્વોટેશનના આધારે સફાઈ ચાલુ રખાઈ
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ એડવોકેટ અતિક સૈયદના જણાવ્યા મુજબ, વર્ષ 2020થી ઓક્ટોબર 2022 દરમિયાન વાસણા, સાબરમતી, કાંકરિયા, રાણીપ અને અસારવા સ્વિમિંગ પૂલમાં સફાઈ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તેમાં 16 સફાઈ કામદારોની મંજૂરી સાથે પ્રતિ કામદાર રૂ. 487ના દરે 'સૌમ્ય એન્ટરપ્રાઇઝ'ને કામ સોંપાયું હતું. ઓક્ટોબર 2022માં આ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ નવેમ્બર 2022થી ઓક્ટોબર 2025 સુધી નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નહોતા. તેના બદલે ક્વોટેશનના આધારે સફાઈ ચાલુ રખાઈ અને આ સમયગાળા દરમિયાન રૂ. 1 કરોડથી વધુ રકમ ચૂકવાઈ હોવાનો દાવો કરાયો છે.
ટેન્ડર વિના ક્વોટેશન, 30 લાખથી વધુની ચૂકવણી
આ ઉપરાંત, ડિસેમ્બર 2025થી રાણીપ, સાબરમતી, વાડજ, સ્ટેડિયમ, CTM, કાંકરિયા, ઓઢવ અને વાસણા સ્વિમિંગ પૂલની સફાઈ માટે દર મહિને 24 સફાઈ કામદારોના નામે 'અખંડ ભારત સેનેટરી માર્ટ' અને 'જીલ ફાઉન્ડેશન'ને ટેન્ડર વિના ક્વોટેશનથી કામ અપાયું છે. આ સમયગાળામાં રૂ. 30 લાખથી વધુની ચૂકવણી થઈ હોવાનો દાવો કરાયો છે.
સફાઈ કામદારોની વાસ્તવિક હાજરી અંગે તપાસની માગ
તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, ક્વોટેશન સામાન્ય રીતે ટૂંકા ગાળાની કે કટોકટીની વ્યવસ્થા માટે ઉપયોગમાં લેવાતું હોય ત્યારે સતત 3થી 4 વર્ષ સુધી તેના આધારે કામ આપવાનું કારણ શું છે? સફાઈ કામગીરી નિયમિત ધોરણે કરવાની હોય તો ખુલ્લી ટેન્ડર પ્રક્રિયા કેમ હાથ ધરવામાં આવી નહીં તે અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે. સાથે જ કાગળ પર દર્શાવાતા 24 સફાઈ કામદારોની સામે વાસ્તવમાં કેટલા કામદારો પૂલમાં ફરજ બજાવે છે તેની તપાસની માગ કરાઈ છે.
કમિશનખોરીના આક્ષેપ અને તપાસની માગ
ચોક્કસ કોન્ટ્રાક્ટરોને જ વારંવાર કામ આપવાના આક્ષેપ સાથે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની સાંઠગાંઠ તથા કમિશનની સંભાવના અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સૈયદે સમગ્ર મામલે તપાસ કમિટી બનાવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. ક્વોટેશનથી થયેલી ચૂકવણીનું તટસ્થ નાણાકીય ઓડિટ કરાવવા તથા ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી રકમ વસૂલ કરવાની માગ કરાઈ છે. તેમણે તાત્કાલિક પારદર્શક ઈ-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા માગ કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં કોર્પોરેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવાની તેમજ વિજિલન્સ વિભાગમાં ફરિયાદ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
અધિકારીએ આક્ષેપો નકાર્યા
સ્વિમિંગ પૂલ ખાતાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિલેશ પટેલે જણાવ્યું કે, 'હાલમાં આપણી પાસે 30 સફાઈ કામદારો છે. નિયમ મુજબ કામદારોની અછત હોય ત્યારે મંડળી પાસેથી હાલના વેજીસના નિયમ મુજબ કામદારો લઈએ છીએ.'તેમણે ગુજરાત લઘુમતી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ એડવોકેટના કમિશનખોરીના આક્ષેપોને નકારી કાઢ્યા છે.









