Gold-Silver Price : સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, 3 કારણોસર સર્જાઈ વેચવાલી, જુઓ લેટેસ્ટ ભાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Today Gold-Silver Price : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ગુરુવારે સોના અને ચાંદીના વાયદા ભાવમાં અચાનક મોટો કડાકો બોલી ગયો છે. સામાન્ય દિવસોમાં જોવા ન મળે તેવી રીતે ડિસેમ્બર ફ્યુચર્સમાં રાત્રે ટ્રેડિંગ દરમિયાન ચાંદીમાં આશરે 8,800 રૂપિયાથી વધુ અને સોનામાં આશરે 2,479 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો હતો. વાયદા બજારમાં આવેલા આ જોરદાર ઘટાડાની સીધી અસર શુક્રવારે ભારતના સ્થાનિક હાજર બજારો પર પણ જોવા મળી શકે છે.
દિવસ દરમિયાન સોનામાં રૂ.2,479 નો ઘટાડો
MCX પર 4 ડિસેમ્બર 2026ના સોનાના વાયદામાં 22 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 10 વાગ્યા સુધીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સોનું તેના અગાઉના બંધ ભાવ 146,079.00ની સરખામણીએ ઘટીને 143,600ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. આજના ટ્રેડિંગ સેશનમાં સોનું 144,992.00ના ભાવે ખૂલ્યું હતું અને દિવસ દરમિયાન ઉપરમાં 145,120.00 તેમજ નીચામાં 143,040.00ની સપાટી સુધી પહોંચ્યું હતું. આમ, અગાઉના બંધ ભાવ સામે દિવસ દરમિયાન સોનામાં 2,479 રૂપિયાનો સીધો ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે પણ સોનું 1.82 ટકા ઘટીને 4,074.37 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
દિવસ દરમિયાન ચાંદીમાં રૂ.8,868 નો તોતિંગ કડાકો
ચાંદીના ડિસેમ્બર વાયદામાં પણ ભારે વેચવાલી વચ્ચે મોટો ઘટાડો બોલાયો છે. 22 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 10 વાગ્યા સુધીમાં MCX પર ચાંદી 200,300 ના સ્તરે કારોબાર કરી રહી છે, જે તેના અગાઉના બંધ ભાવ 209,168.00થી સીધી 8,868 રૂપિયા ઘટી ગઈ છે. આજના કારોબારમાં ચાંદી 206,000.00ના ભાવે ખૂલી હતી, જે તેનો દિવસનો સર્વોચ્ચ ભાવ પણ રહ્યો હતો, જ્યારે નીચામાં ભાવ 198,816.00 સુધી ગગડી ગયો હતો. દિવસ દરમિયાન ચાંદીમાં અંદાજે 7,184 રૂપિયાની ભારે વધ-ઘટ નોંધાઈ હતી. વૈશ્વિક બજારમાં પણ ચાંદી 4 ટકાથી વધુ તૂટીને 55.408 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ હતી.
1... ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો
સોના-ચાંદીમાં આ અચાનક ઘટાડા પાછળ કાચા તેલના વધતા ભાવ એક મોટું કારણ છે. હોર્મુઝ પર તણાવ વધ્યા બાદ સંઘર્ષ સાઉદી અરેબિયા સુધી પહોંચ્યો છે અને હુથી વિદ્રોહીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. લાલ સમુદ્રનો માર્ગ બંધ હોવાથી સાઉદીનું તેલ બજાર સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, જેના કારણે કાચા તેલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલને વટાવી ગઈ છે.
2... અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદરની ચિંતા
બજારમાં એવી ધારણા છે કે ઓક્ટોબર બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ કદાચ વ્યાજદરો યથાવત રાખી શકે છે, પરંતુ ડિસેમ્બરમાં વ્યાજદર વધવાની શક્યતાઓ પર સટ્ટો રમાઈ રહ્યો છે. મોંઘવારીના દબાણ વચ્ચે વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેવાની શક્યતાએ બજારના સેન્ટિમેન્ટ પર દબાણ વધાર્યું છે.
3... અમેરિકી ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં વધારો
અમેરિકાના 2 વર્ષના ટ્રેઝરી બોન્ડની યીલ્ડ એક સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. બોન્ડ યીલ્ડ વધવાથી રોકાણકારો માટે વ્યાજ આપતા રોકાણ વિકલ્પો વધુ આકર્ષક બન્યા છે, જેના કારણે રોકાણકારો સોના-ચાંદીમાંથી નાણાં ખેંચીને બોન્ડ તરફ વળ્યા છે અને કિંમતી ધાતુઓ પર વેચવાલીનું દબાણ વધી ગયું છે.




