એક જ આવાસ યોજનામાં તમામ ઝોનની ટીમો સાથે તપાસ થશે, મકાન ભાડે આપ્યું કે વેચી દીધું હશે તો નોટિસ બાદ સીલિંગ સુધીની કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC EWS Housing Scheme Mega Inspection Drive Ahmedabad: અમદાવાદમાં આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે હેતુથી ફાળવાયેલા આવાસના મકાનોનો વાસ્તવિક લાભાર્થી જ ઉપયોગ કરે છે કે નહીં તેની હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) તપાસ કરશે. છેલ્લા સાત વર્ષ દરમિયાન મુખ્યમંત્રી આવાસ યોજના અને EWS હેઠળ ફાળવાયેલા મકાનોની ચેકિંગ માટે એકસાથે મોટા પાયે કામગીરી હાથ ધરવાની તૈયારી કરવામાં આવી છે.
એક જ આવાસ યોજનામાં તમામ ઝોનની ટીમો સાથે તપાસ થશે
હાલ અલગ-અલગ ઝોનની ટીમો દ્વારા થતી તપાસમાં ઘણી વખત પૂરતા પ્રમાણમાં મકાનો તપાસી શકાતા નથી. કેટલાક મકાનો બંધ મળી આવતા હોવાના કારણે લાભાર્થી ખરેખર ત્યાં રહે છે કે નહીં તે ચકાસવામાં મુશ્કેલી પડતી હતી. હવે આ સમસ્યાને દૂર કરવા માટે એક જ આવાસ યોજનામાં તમામ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમોને એકસાથે મોકલીને ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. આ કામગીરી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં થશે. ચેકિંગ દરમિયાન એસઆરપીનો બંદોબસ્ત રાખવામાં આવશે અને જરૂર જણાય તો સ્થાનિક પોલીસની મદદ પણ લેવામાં આવશે.
મકાન ભાડે આપ્યું હશે તો નોટિસ અપાશે
ચેકિંગ દરમિયાન ફાળવાયેલું મકાન લાભાર્થી પોતે ઉપયોગમાં લેતો ન હોવાનું સામે આવે અથવા મકાન અન્ય વ્યક્તિને ભાડે આપ્યું હોવાનું જણાય તો સંબંધિત માલિકને નોટિસ આપવામાં આવશે. આવાસનું વેચાણ કરી દેવાયું હોવાની બાબત સામે આવશે તો પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ગંભીર કિસ્સામાં મકાન સીલ કરવાની કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
ચેકિંગ દરમિયાન વીડિયોગ્રાફી કરાશે
હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના ચેરમેનના જણાવ્યા મુજબ, આવાસ યોજનાનો હેતુ જરૂરિયાતમંદ પરિવારોને ઘર આપવાનો છે. તેથી ફાળવાયેલા મકાનોનો ઉપયોગ ખરેખર લાભાર્થી દ્વારા જ થાય છે કે નહીં તે ચકાસવું જરૂરી બન્યું છે. ચેકિંગ દરમિયાન એસઆરપીની ટીમ સાથે રાખવામાં આવશે. ઉપરાંત વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.
બીજી તરફ, કોર્પોરેશન દ્વારા આવાસની ફાળવણી પ્રક્રિયામાં અરજદારોની કેટેગરી અંગે પણ નવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વર્ષ 2010થી ઈડબ્લ્યુએસ અને એલઆઈજી પ્રકારના મકાનો માટે ડ્રો મારફતે ફાળવણી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં જાતિની કેટેગરીની ખોટી પસંદગીના કારણે આશરે 10 ટકા અરજીઓ પ્રક્રિયામાંથી બહાર થઈ જતી હોવાનું જણાવાયું છે. હવે અરજીમાં પસંદ કરેલી કેટેગરી અંગે અરજદારોને એસએમએસ અને વોટ્સએપ મારફતે જાણ કરવામાં આવશે. જો કોઈ અરજદારે જાતિની કેટેગરી ખોટી પસંદ કરી હોય તો મેસેજ મળ્યાના 10 દિવસની અંદર હાઉસિંગ એન્ડ એસ્ટેટ સેલમાં અરજી કરીને તેમાં ફેરફાર કરાવી શકશે. લગભગ 7,825 મકાનો માટે 97,102 અરજીઓ મળી છે. તેમાં આશરે 52 હજાર અરજીઓ અનામત કેટેગરીની હોવાનું જણાવાયું છે. કેટેગરીની ભૂલના કારણે પાત્ર અરજદારનું ફોર્મ બહાર ન થાય અને તેને આવાસની ફાળવણીની તક મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા આ પ્રકારની વ્યવસ્થા પ્રથમ વખત કરવામાં આવી રહી છે.









