India

‘જો CEC જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ આવ્યો તો...’, સ્પીકર ઓમ બિરલાએ નિયમો યાદ અપાવ્યા

By GS Team
22 Oct 20264 mins read
TukuTouch Logo
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મુખ્ય ચૂંટણી અધિકારી (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા સંભવિત મહાભિયોગ પ્રસ્તાવ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, જો કોઈ નવી નોટિસ આવે તો નિયમો મુજબ તેની તપાસ કરાશે. INDIA બ્લોક દ્વારા CEC જ્ઞાનેશ કુમાર સામે 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન'માં અનિયમિતતાના આરોપો સાથે રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અગાઉ, બે વખત CECને હટાવવાના પ્રયાસો ફગાવી દેવાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

‘જો CEC જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ આવ્યો તો...’, સ્પીકર ઓમ બિરલાએ નિયમો યાદ અપાવ્યા

Om Birla On CEC : લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સ્પષ્ટતા કરી છે કે, જો દેશના મુખ્ય ચૂંટણી અધિકારી વિરુદ્ધ વિપક્ષ દ્વારા કોઈ નવો મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવે, તો નિયમો અને નિર્ધારિત પ્રક્રિયાઓ અનુસાર તેની તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે INDIA બ્લોકે CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની સંભાવના વ્યક્ત કરી છે.

વિપક્ષ કેમ કરી રહ્યો છે વિરોધ અને રાજીનામાની માગ?

વિપક્ષ દ્વારા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાં છેલ્લા બે સપ્તાહથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. વિપક્ષનો આરોપ છે કે મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ દરમિયાન અનિયમિતતાઓ આચરવામાં આવી હતી.

અગાઉ બે વાર કરાયો હતો હટાવવાનો પ્રયાસ

CECને પદ પરથી હટાવવા માટે વિપક્ષ અગાઉ બે વખત પ્રયાસ કરી ચૂક્યું છે. 12 માર્ચે લોકસભાના 130 અને રાજ્યસભાના 63 સાંસદોની સહી સાથે નોટિસ આપવામાં આવી હતી, જેને લોકસભા અને રાજ્યસભા બંને દ્વારા ફગાવી દેવામાં આવી હતી. બીજી વખત આપેલી નોટિસ હજુ પણ ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં પેન્ડિંગ (લંબિત) છે.

‘જો કોઈ નવી નોટિસ આવશે, તો…’

CEC વિરુદ્ધ સંભવિત મહાભિયોગ પ્રસ્તાવ સાથે જોડાયેલા એક સવાલનો જવાબ આપતા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, ‘જો કોઈ નવી નોટિસ આવશે, તો અમે નિયમો અને પ્રક્રિયાઓ હેઠળ તેને જોઈશું અને તેની તપાસ કરીશું.’ લોકસભા સ્પીકરે ઉમેર્યું કે, આ અંગેની પ્રક્રિયા એકદમ સ્પષ્ટ છે.

સ્પીકરે એ પણ કહ્યું કે, અગાઉ પણ એવું ઘણી વખત બન્યું છે જ્યારે લાંબા સમય સુધી સત્ર પુરુ ન કરવામાં આવ્યું હોય. નોંધનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 13 ઓગસ્ટે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી સત્રાવસાન થયું નથી.

CECને હટાવવાની બંધારણીય અને કાનૂની પ્રક્રિયા

બંધારણ અને મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય ચૂંટણી કમિશનરોની નિયુક્તિ સાથે જોડાયેલા કાયદા અનુસાર, એક CECને સંસદ દ્વારા માત્ર એ જ રીતે હટાવી શકાય છે, જે રીતે સુપ્રીમ કોર્ટના કોઈ વર્તમાન જજ વિરુદ્ધ મહાભિયોગ ચલાવવામાં આવે છે. 'મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિયુક્તિ, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023' મુજબ, CEC અથવા કોઈ અન્ય ચૂંટણી કમિશનર રાષ્ટ્રપતિને લેખિત રાજીનામું સોંપીને ગમે ત્યારે પોતાનું પદ છોડી શકે છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવાની બંધારણીય પ્રક્રિયા

બંધારણના અનુચ્છેદ 124 (જે સુપ્રીમ કોર્ટ સાથે સંબંધિત છે) મુજબ સુપ્રીમ કોર્ટના કોઈ જજને તેમના પદ પરથી ત્યાં સુધી હટાવી શકાતા નથી, જ્યાં સુધી સંસદના બંને ગૃહ દ્વારા મંજૂર કરાયેલ પ્રસ્તાવ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં ન આવે. આ પ્રસ્તાવને ગૃહના કુલ સભ્યોની બહુમતી અને ગૃહમાં ઉપસ્થિત રહીને મતદાન કરનારા સભ્યોની ઓછામાં ઓછી બે-તૃતીયાંશ બહુમતીનું સમર્થન મળવું જરૂરી છે. આ પ્રસ્તાવ તે જ સત્રમાં રાષ્ટ્રપતિને સોંપવો જોઈએ, અને તેને લાવવાનો આધાર 'સાબિત થયેલી ગેરવર્તણૂક' (proved misbehaviour) અથવા 'અક્ષમતા' (incapacity) હોવો જોઈએ.

ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના

'જજ (તપાસ) અધિનિયમ, 1968' મુજબ, જો કોઈ જજને હટાવવાનો પ્રસ્તાવ સંસદના કોઈ પણ ગૃહમાં સ્વીકારી લેવામાં આવે, તો લોકસભા અધ્યક્ષ અથવા રાજ્યસભાના સભાપતિ (જે કિસ્સો હોય તે) ત્રણ સભ્યોની સમિતિની રચના કરશે. આ સમિતિ એ ગ્રાઉન્ડ્સ (આધારો) ની તપાસ કરશે જેના લીધે જજને હટાવવાની (અથવા સામાન્ય બોલચાલમાં, મહાભિયોગ ચલાવવાની) માંગ કરવામાં આવી છે. આ સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) અથવા સુપ્રીમ કોર્ટના કોઈ જજ, દેશની 25 હાઈકોર્ટમાંથી કોઈ એકના મુખ્ય ન્યાયાધીશ અને એક ‘પ્રખ્યાત કાયદાશાસ્ત્રી’ સામેલ હોય છે.

તપાસ અહેવાલ અને આગળની કાર્યવાહી

તપાસ પૂરી થવા પર, સમિતિ પોતાનો રિપોર્ટ સ્પીકર અથવા સભાપતિને સોંપશે. જો સમિતિની રચના અધ્યક્ષ અને સભાપતિ બંનેએ મળીને કરી હોય, તો રિપોર્ટ તે બંનેને સોંપવામાં આવશે. આ રિપોર્ટમાં દરેક આરોપ પર સમિતિના તારણો અલગ-અલગ દર્શાવવામાં આવશે, સાથે જ સમગ્ર મામલે સમિતિ પોતાની યોગ્ય ટિપ્પણીઓ પણ આપશે.

જો સમિતિના રિપોર્ટમાં એવું તારણ નીકળે કે ન્યાયાધીશે કોઈ ગેરવર્તણૂક કરી નથી અથવા તેમનામાં કોઈ અક્ષમતા નથી, તો સંસદના કોઈ પણ ગૃહમાં આ રિપોર્ટ અંગે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં, અને ગૃહમાં પેન્ડિંગ પ્રસ્તાવ પર પણ કોઈ કાર્યવાહી નહીં થાય.

પરંતુ જો સમિતિના રિપોર્ટમાં એવું તારણ નીકળે કે ન્યાયાધીશે ગેરવર્તણૂક કરી છે કે તેમનામાં અક્ષમતા છે, તો તે પ્રસ્તાવ અને સમિતિના રિપોર્ટને સંસદના તે ગૃહમાં વિચારણા માટે રાખવામાં આવશે જ્યાં પ્રસ્તાવ પેન્ડિંગ છે.

જો સંસદના બંને ગૃહ, બંધારણના અનુચ્છેદ 124ના પ્રાવાધાનો અનુસાર આ પ્રસ્તાવને પસાર કરી દે, તો એવું માનવામાં આવશે કે ન્યાયાધીશની ગેરવર્તણૂક કે અક્ષમતા સાબિત થઈ ગઈ છે.

તે પછી, જે સત્રમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે તે જ સત્રમાં સંસદના બંને ગૃહ નક્કી કરેલી પદ્ધતિ મુજબ રાષ્ટ્રપતિને એક વિનંતી (પ્રસ્તાવ) મોકલશે, જેમાં ન્યાયાધીશને તેમના પદ પરથી હટાવવાની પ્રારંભિક અરજી હશે.

નોંધનીય છે કે CEC ને પણ સંસદ દ્વારા માત્ર એ જ રીતે હટાવી શકાય છે જેમ સુપ્રીમ કોર્ટના કોઈ વર્તમાન જજ વિરુદ્ધ મહાભિયોગ ચલાવવામાં આવે છે. તેથી ઉપર જણાવેલ નિયમો અનુસાર જ CEC ને પણ હટાવી શકાય છે.