અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ 1416 ખાડા નોંધાયા, 1310 પોટહોલ્સનું રીપેરિંગ પૂર્ણ, 106 કામગીરી પ્રગતિમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(ACM)ના ચોપડે કુલ 1416 પોટહોલ્સ (ખાડા) નોંધાયા છે. જેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ પશ્ચિમ અને ઉત્તર ઝોનની જોવા મળી છે. તંત્રના દાવા મુજબ, નોંધાયેલા કુલ ખાડાઓમાંથી 1310 પોટહોલ્સનું રીપેરિંગ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે બાકી રહેલા 106 ખાડા પૂરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે.
અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ 1416 ખાડા નોંધાયા
AMCના મોનસુન કંટ્રોલ રૂમના સત્તાવાર અહેવાલ મુજબ, શહેરમાં નોંધાયેલા 1416 ખાડાઓમાંથી સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 477 અને ઉત્તર ઝોનમાં 377 ખાડા નોંધાયા છે. આ સિવાય પૂર્વ ઝોનમાં 216, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 215, દક્ષિણ ઝોનમાં 73, મધ્ય ઝોનમાં 32 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 24 ખાડા નોંધાયા છે, જ્યારે બ્રિજ ઉપર 2 પોટહોલ્સ જોવા મળ્યા છે.
તંત્ર દ્વારા આ ખાડાઓને પૂરવા માટે આધુનિક ટૅક્નોલૉજીનો આશરો લેવામાં આવી રહ્યો છે. જેમાં કોલ્ડ ઈમલસન ઈંજેકશન પેચીંગ ટૅક્નોલૉજી આધારિત જેટ પેચર મશીન, વેટ મિક્સ, કોલ્ડ મિક્સ, હોટ મિક્સ અને ઈન્ફ્રારેડ ટૅક્નોલૉજી વડે પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે ઘટનાસ્થળે જ વેટ મિક્સ અને કોલ્ડ મિક્સ મટીરીયલ્સ પહોંચાડીને તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પશ્ચિમ અમદાવાદમાં વરસાદી ઝાપટા
અમદાવાદ શહેરમાં 2 જુલાઈ સાંજે 4 વાગ્યાથી 3 જુલાઈ સવારે 10 વાગ્યા સુધીમાં પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 20.14 મિ.મી. અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2.57 મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે પશ્ચિમ ઝોનમાં 0.14 મિ.મી. જેટલા છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. તેની સામે પૂર્વ ઝોનમાં બિલકુલ વરસાદ પડ્યો ન હતો.
ચોમાસા પૂર્વે 2699 જેટલા વૃક્ષોનું ટ્રિમિંગ કરાયું
બગીચા વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે 2699 જેટલા ઘટાદાર અને સૂકા વૃક્ષોના ટ્રિમિંગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત બગીચા વિભાગ દ્વારા 28 ટ્રિમિંગ-વાન અને કટર મશીનો સહિતની જરૂરી સાધન-સામગ્રીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.









