Ahmedabad

ચોમાસાની વિધિવત એન્ટ્રી છતાં અમદાવાદમાં ઠેર-ઠેર ભયજનક ખોદકામ અને અધૂરા રોડ, કોર્પોરેશનના પાપે જનતા પરેશાન

By GS Team
3 Jul 20264 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ચોમાસાના આગમન સાથે જ AMCના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે. 15 જૂન સુધીમાં તમામ પ્રોજેક્ટ્સ પૂરા કરવાના આદેશ છતાં, ગોતા, ન્યુ રાણીપ, નવા વાડજ અને ઓઢવમાં તંત્રની કામગીરી અધૂરી જોવા મળી છે. જેમાં ઓઢવમાં જર્જરિત પાણીની ટાંકી પણ ઉતારાઈ નથી. કરોડોનો પ્લાન માત્ર કાગળ પર રહી જતા, અમદાવાદીઓને હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસાની વિધિવત એન્ટ્રી છતાં અમદાવાદમાં ઠેર-ઠેર ભયજનક ખોદકામ અને અધૂરા રોડ, કોર્પોરેશનના પાપે જનતા પરેશાન

AMC Pre Monsoon Plan Fails: ચોમાસાના આગમન સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની પ્રિ-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓ ફરી એકવાર ખુલ્લા પડી ગયા છે. તંત્ર દ્વારા 15 જૂન સુધીમાં શહેરના તમામ પ્રિ-મોન્સૂન પ્રોજેક્ટ્સ આટોપી લેવા, નવા ખોદકામ ન કરવા અને રસ્તાના ખાડા પૂરી દેવાની કડક સત્તાવાર સૂચનાઓ જારી કરવામાં આવી હતી. આ આદેશને એક પખવાડિયાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં અને ચોમાસાનું સત્ર સક્રિય થઈ ચૂક્યું હોવા છતાં, તંત્રના પેટનું પાણી હલ્યું નથી.

અમદાવાદમાં ઠેર-ઠેર ભયજનક ખોદકામ અને અધૂરા રોડ

ચોમાસાની વિધિવત એન્ટ્રી છતાં અમદાવાદના ગોતાની વૃંદાવન હાઇટ્સ, ન્યુ રાણીપ ખોડીયાર મંદિર, નવા વાડજ વાસુકીનગર પાસે રોડની કામગીરી અધુરી છે. ઓઢવ વિસ્તારમાં જર્જરીત ટાંકી હોવા છતાં પણ તેને ઉતારી લેવાની કામગીરી કરાઈ નથી. લગભગ પંદર દિવસ પહેલાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તમામ ડેડલાઇનનું પાલન કરવા અને કામગીરી તાત્કાલિક બંધ કરવા કડક આદેશો આપ્યા હતા. તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની આડોડાઈને કારણે ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ જ ફરક પડ્યો નથી. તંત્રની કથિત લાપરવાહીને પગલે ચોમાસાના પહેલા જ વરસાદમાં અમદાવાદીઓને બિસ્માર રસ્તાઓ અને અધૂરા પ્રોજેક્ટ્સના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ કરોડો રૂપિયાનો પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન માત્ર કાગળ પર જ સીમિત રહ્યો હોય તેવી સ્પષ્ટ સ્થિતિ દેખાઈ રહી છે.

Gujarat Samachar - 2026-07-03T201405.085.jpg

ઓઢવનું આદિનાથ નગર: મ્યુનિસિપલ સ્કૂલની બિલકુલ બાજુમાં જ મોતની ટાંકી

નિયમ મુજબ, ચોમાસા પૂર્વે તમામ જર્જરિત અને ખતરનાક મિલકતોને જમીનદોસ્ત કરવાની હોય છે. જોકે, ઓઢવના આદિનાથ નગરમાં પંચાયત કાળની વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી કોઈ પણ ક્ષણે તૂટી પડે તેવી ભયજનક સ્થિતિમાં ઊભી છે. આ ટાંકીની તદ્દન નજીકમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક સ્કૂલ આવેલી છે. વરસાદના કારણે આ જર્જરિત માળખું જો ધરાશાયી થાય, તો નિર્દોષ બાળકોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે, છતાં સત્તાધીશો મૌન સાધીને બેઠા છે.

ગોતાની વૃંદાવન હાઇટ્સ: અડધો રોડ ગાયબ, સ્થાનિકો અકસ્માતના ભય નીચે

ગોદરેજ ગાર્ડન સિટી ચાર રસ્તાથી સેવી સ્વરાજ થઈને ગોતા વૃંદાવન હાઇટ્સ તરફ જતા મુખ્ય રસ્તાની 2 મહિના અગાઉ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે, કોન્ટ્રાક્ટરે એક તરફનો રસ્તો તો ચકચકાટ બનાવી દીધો છે, પરંતુ બીજી તરફનો ભાગ કોઈ જ કારણ વિના અધૂરો છોડી દીધો છે. વૃંદાવન હાઇટ્સ નજીક રસ્તા પર એટલા ગંભીર ખાડા પડી ગયા છે કે રોડની સપાટી જ ઓળખાતી નથી. દર ચોમાસામાં આ પટ્ટા પર પાણી ભરાવાની અને જમીન ધસી પડવાની ફરિયાદો ઉઠે છે, તેમ છતાં તંત્રએ જાણી જોઈને આ ગંભીર સ્પોટને નજરઅંદાજ કર્યો છે.

Gujarat Samachar - 2026-07-03T201356.567.jpg

ન્યૂ રાણીપ વિસ્તારના ખોડિયાર મંદિર: 3 મહિનાથી ચાલતી ગોકળગાય ગતિની કામગીરી

ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિર ચાર રસ્તા પાસે છેલ્લા 3 મહિનાથી ખોદકામ અને માર્ગ નિર્માણની કામગીરી ચાલી રહી છે. ચોમાસું બેસી જવા છતાં મુખ્ય ચાર રસ્તા વચ્ચે મોટો ખાડો ખોદીને મૂકી દેવાયો છે. ભયજનક બાબત એ છે કે, ત્યાં વાહનચાલકોની સુરક્ષા માટે કોઈ પ્રોપર બેરિકેડિંગ કરવામાં આવ્યું નથી. ખાડાની અંદર માત્ર માટી નાખીને કામ પૂરું થયાનો સંતોષ માની લેવાયો છે. ન્યૂ રાણીપથી કાળીગામ તરફ જતા માર્ગની બાજુમાં ગટર લાઈન ખુલ્લી હાલતમાં છોડી દેવાતા, રાત્રિના સમયે અકસ્માત સર્જાવાનું મોટું જોખમ ઊભું થયું છે.

Gujarat Samachar - 2026-07-03T201416.220.jpg

નારોલનું રાણીપુર ગામ: મારિયા પાર્કમાં ઉભરાતી ગટરો અને કોર્પોરેટરોની નિષ્ક્રિયતા

નારોલના રાણીપુર ગામમાં આવેલા મારિયા પાર્ક વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી બિસ્માર રસ્તાઓ અને ગટરના ગંદા પાણી બેક મારવાની ગંભીર સમસ્યા છે. લાંભા વોર્ડના ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને હૉસ્પિટલ કમિટીના ચેરમેન ડૉ.ચાંદની પટેલ સહિતના કોર્પોરેટરોની ઘોર નિષ્ક્રિયતા અને ઉદાસીનતાને કારણે આ આખો રહેણાંક વિસ્તાર ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે, જેનાથી ચોમાસા દરમિયાન ભયાનક રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત વર્તાઈ રહી છે.

આ પણ વાંચો: કાલુપુર ₹1.44 કરોડની નકલી નોટોનો કેસ: તપાસમાં ખામીઓ અને વિરોધાભાસના કારણે બંને આરોપીઓ નિર્દોષ

નવા વાડજનું વાસુકીનગર વિસ્તાર: 'વ્હાઇટ ટોપિંગ'ના બહાને નાણાં અને સમયનો વેડફાટ

રેલવે ક્રોસિંગ નજીક આવેલા વાસુકીનગરમાં છેલ્લા 6 મહિનાથી વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓની કથિત મિલીભગતને કારણે આ કામગીરી અત્યંત મંથર ગતિએ ચાલી રહી છે, જેમાં હજુ માંડ એક તરફનો ભાગ પૂર્ણ થયો છે. પ્રોજેક્ટની સમય મર્યાદા લંબાવીને પાછળથી આર્થિક ભાવ વધારો વસૂલવાની બદદાનતને કારણે જ આ કામ સમયસર પૂરું કરવામાં આવતું નથી, જેનો સીધો ભોગ પ્રજાના ટેક્સના નાણાં અને કિંમતી સમય બની રહ્યા છે.