Ahmedabad

16 વર્ષના મિથિલેશે ગીતા પર લખ્યું પુસ્તક, 'બંસી'ની કમાણીથી સરહદના બાળકોને ભણાવશે, યુદ્ધ વિશે આપ્યો ચોંકાવનારો વિચાર

By GS Team
1 Jul 20263 mins read
TukuTouch Logo
16 વર્ષના ગુજરાતી કિશોર મિથિલેશ ખાંડવાલાએ ધોરણ 11-12માં અભ્યાસ કરતા યુવાનો માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. તેણે અઢી વર્ષના ઊંડા અભ્યાસ બાદ શ્રીમદ્ ભગવદ્ ગીતા પર આધારિત 'બંસી' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકના વેચાણથી થતી તમામ કમાણી તે ભારતની સરહદ પરના ગામડાઓના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે દાન કરશે. મિથિલેશે 700 શ્લોકોમાંથી 64 પસંદ કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

16 વર્ષના મિથિલેશે ગીતા પર લખ્યું પુસ્તક, 'બંસી'ની કમાણીથી સરહદના બાળકોને ભણાવશે, યુદ્ધ વિશે આપ્યો ચોંકાવનારો વિચાર

Mithilesh Khandwala Bansi Book: ધોરણ 11-12માં ભણતા સામાન્ય યુવાનો જ્યારે સોશિયલ મીડિયાના રીલ્સ, વિડીયો ગેમ્સ અને મોજ-શોખની દુનિયામાં વ્યસ્ત હોય છે, ત્યારે ગુજરાતના 16 વર્ષના એક કિશોરે કંઈક એવું કર્યું છે જે આખા દેશના યુવા ધન માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયું છે.

16 વર્ષના મિથિલેશે ગીતા પર લખ્યું પુસ્તક

ગુજરાત સમાચાર ડિજિટલની ટીમે મિથિલેશ ખાંડવાલા સાથે ખાસ વાતચીત કરી હતી. મિથિલેશે માત્ર 16 વર્ષની ઉંમરે, અઢી વર્ષના ગહન અભ્યાસ બાદ શ્રીમદ્ ભગવદ્ ગીતા પર આધારિત 'બંસી' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકની ખાસિયત માત્ર તેની વિભાવના નથી, પરંતુ એ પણ છે કે આ પુસ્તકના વેચાણમાંથી થનારી તમામ કમાણી તે ભારતની સરહદ પર આવેલા ગામડાઓના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે દાન કરવાનો છે.

ગીતા ધાર્મિક ગ્રંથ નથી, જીવન જીવવાની 'લાઈફ મેન્યુઅલ' છે

જ્યારે મિથિલેશને પૂછવામાં આવ્યું કે આ ઉંમરે ગીતા પર પુસ્તક લખવાનો વિચાર કેમ આવ્યો? ત્યારે તેણે ખૂબ જ પરિપક્વ જવાબ આપતાં કહ્યું-

"મારા જીવનમાં ક્રિકેટ, ગેમિંગ અને મિત્રો સાથે ફરવાનું સામાન્ય રીતે ચાલુ જ છે. પરંતુ મારા મતે ભગવદ્ ગીતા એવો ગ્રંથ નથી જે માત્ર સાધુ-સંતો માટે હોય. ગીતા કોઈ ધર્મની વાત નથી કરતી, તે માણસને જીવન જીવવાનો સાચો રસ્તો બતાવે છે. તે એક 'લાઈફ મેન્યુઅલ' છે જે તમને કટોકટીના સમયે સાચા પ્રશ્નો પૂછતા શીખવે છે."

આજના સમયમાં 'યુદ્ધ' કેટલું યોગ્ય? મિથિલેશનો અદ્ભુત દ્રષ્ટિકોણ

મહાભારતના 18 દિવસના યુદ્ધ અને આજના સમયની પરિસ્થિતિની સરખામણી કરતા મિથિલેશે એક ખૂબ જ મહત્વનો મુદ્દો હાઈલાઈટ કર્યો. તેણે જણાવ્યું કે-

"ભગવાન શ્રીકૃષ્ણે ક્યારેય એવું નથી કહ્યું કે યુદ્ધ ન કરવું જોઈએ. જ્યારે અર્જુન બધું છોડીને ભાગવા માંગતો હતો, ત્યારે ભગવાને જ તેને શસ્ત્ર ઉપાડવા પ્રેર્યો હતો. હા, આજના સમયમાં કોઈ યુદ્ધ અંગત ગુસ્સા, ઈર્ષ્યા કે ભૌતિક સ્વાર્થ માટે ન થવું જોઈએ. પરંતુ, જો સમાજમાં 'ધર્મ' અને ન્યાયની સ્થાપના માટે શસ્ત્ર ઉપાડવા પડે, તો તે યુદ્ધ ચોક્કસપણે અનિવાર્ય અને યોગ્ય છે."

700 શ્લોકોમાંથી શોધ્યા આજના યુવાનોને સ્પર્શતા 64 શ્લોક

મિથિલેશે જણાવ્યું કે જ્યારે તે 9મા ધોરણમાં હતો ત્યારથી તેણે આ પુસ્તક લખવાની શરૂઆત કરી હતી. ક્યારેક દિવસો સુધી કંઈ ન લખાતું તો ક્યારેક એકસાથે ઘણા શ્લોકો લખાઈ જતા. તેણે ગીતાના 700 શ્લોકોમાંથી આજના યુવાનો અને આધુનિક સમય સાથે સુસંગત હોય તેવા 64 શ્લોકો ખાસ પસંદ કર્યા છે. તેને સૌથી વધુ પ્રેરણા આપતો શ્લોક 6.5 (અધ્યાય 6, શ્લોક 5) છે, જે નિષ્કામ કર્મ અને આત્મનિર્ભરતા શીખવે છે. "લિફ્ટ યોર સેલ્ફ અપ બાય યોર સેલ્ફ" એટલે કે, પરિણામની ચિંતા છોડીને પોતાનો ઉદ્ધાર જાતે જ કરો.

સેલિબ્રિટીઝના ઉદાહરણો સાથે 'બંસી' બનશે યુવાનોની દોસ્ત

પુસ્તકનું નામ 'બંસી' એટલે કે શ્રીકૃષ્ણની વાંસળી રાખવા પાછળનો હેતુ એ છે કે જેમ વાંસળીનો નાદ સાંભળી લોકો બધું ભૂલીને ખેંચાઈ આવતા, તેમ યુવાનો આ પુસ્તક તરફ આકર્ષાય. મિથિલેશે આ પુસ્તકમાં શ્લોકોના અંગ્રેજી અનુવાદ સાથે એવા સામાન્ય માણસોના રિયલ લાઈફ ઉદાહરણો આપ્યા છે, જેઓ ગીતાના સિદ્ધાંતો અપનાવીને આજે મોટી સેલિબ્રિટી કે સફળ વ્યક્તિ બન્યા છે. મિથિલેશ કહે છે, "હું કોઈ લેખક તરીકે નહીં, પણ એક મિત્ર તરીકે આજના યુવાનો સાથે સોશિયલ મીડિયા છોડી પુસ્તક વાંચવા સંવાદ કરવા માંગું છું."

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘ મલ્હાર: 4 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

પુસ્તકની કમાણીથી સરહદના ગામડાઓમાં બનશે કમ્પ્યુટર લેબ

મિથિલેશની માતા રાષ્ટ્ર સેવિકા સમિતિ સાથે જોડાયેલા છે, જ્યાંથી તેને સમાજ સેવાના સંસ્કાર મળ્યા. મિથિલેશ પોતે ગુજરાતની બોર્ડર પર આવેલા મહુવા જેવા અંતરિયાળ ગામડાઓની મુલાકાત લઈ ચૂક્યો છે. આ પુસ્તકના વેચાણથી જે પણ આવક થશે, તેનાથી તે બોર્ડરના ગામડાઓની શાળાઓમાં કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ બુક્સ વસાવીને ગરીબ બાળકોના શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માંગે છે.

કોવિડના સમયમાં જ્ઞાનવત્સલ સ્વામી, સ્વામી મુકુંદાનંદના વિડીયો અને પોતાની શાળાના પ્રિન્સિપાલના માર્ગદર્શનથી શરૂ થયેલી મિથિલેશની આ સફર આજે દેશના લાખો યુવાનો માટે એક આદર્શ બની ગઈ છે.