વલસાડમાં પૂર બાદ હાલાકી: છીપવાડ ગરનાળાનો રસ્તો ધોવાતાં સ્મશાનનો માર્ગ બંધ, અંતિમ વિધિ માટે અન્ય જગ્યાએ જવા સ્વજનો મજબૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad News: વલસાડ શહેરમાં આવેલા વિનાશક પૂરે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યુ હતુ. રસ્તાઓ અને પુલોને થયેલા નુકશાન વચ્ચે એક કરૂણ અને સંવેદન પરિસ્થિતિ સામે આવી છે. પૂરના કારણે શહેરના છીપવાડ ગરનાળા અને સ્મશાન તરફ જતો માર્ગ ધોવાતા છેલ્લા કેટલાક દિવસોથી ગરનાળું બંધ હાલતમાં છે. જેમાં રસ્તો ધોવાતા સ્થાનિકોને મૃતકના અંતિમ સંસ્કાર માટે સ્મશાન ભૂમિ પહોંચવામાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં અંતિમ સંસ્કાર માટે તિથલ સુધી જવું પડે છે. 23મી જુલાઈથી અત્યાર સુધીમાં તિથલ સ્મશાન ભૂમિમાં 23થી વધુ મૃતદેહોની અંતિમ વિધિ કરાઈ છે. આમ, ગરનાળાની ગંભીર હાલતને તંત્ર ધ્યાને લઈને યોગ્ય પગલા લેવાની માગ ઉઠી છે.
પૂરમાં છીપવાડ ગરનાળાનો રસ્તો ધોવાતાં સ્મશાનનો માર્ગ બંધ
વલસાડમાં જળબંબાકારની સ્થિતિમાં અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા. મેઘતાંડવ બાદ અનેક પરિવારો ઘરવિહોણા બન્યા તો અનેક રસ્તાઓ અને પુલો પણ ક્ષતિગ્રસ્ત બન્યા હતા. વલસાડ શહેરના મહત્ત્વના ગણાતા છીપવાડ ગરનાળાનો રસ્તો ધોવાઈ જતાં છેલ્લા ઘણા દિવસોથી વાહન વ્યવહાર બંધ હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ, સ્મશાનભૂમિ સુધીનો માર્ગ બંધ હોવાને કારણે મૃતદેહને અંતિમ વિધિ માટે લઈ જવા માટે સ્વજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં શોકગ્રસ્ત પરિવારોએ નાછૂટકે તિથલ સ્મશાનભૂમિ સુધી ફેરો ખાવો પડી રહ્યો છે.
ઘોડાપૂરને કારણે છીપવાડના ગરનાળાનો રસ્તો ધોવાઈ જતાં ગત 23 જુલાઈથી ગરનાળુ તંત્ર દ્વારા બંધ કરી દેવાયું છે. આમ, 23 જુલાઈથી અત્યાર સુધીમાં તિથલ સ્મશાનભૂમિમાં 25 મૃતદેહોની અંતિમ વિધિ કરવામાં આવી છે. સામાન્ય રીતે આ અંતિમ વિધિઓ છીપવાડના સ્મશાનભૂમિમાં થતી હોવા છતાં પરિસ્થિતિ અને સંજોગોને અનુરૂપ સ્વજનોને સ્થળ બદલવાની ફરજ પડી છે.
સ્થાનિક રહીશો અને આગેવાનોએ છીપવાડ ગરનાળાનો માર્ગ ધોવાઈ જતાં વાહન ચાલકો સહિત લોકોને પડી રહેલી પારાવાર મુશ્કેલી અંગે ગંભીરતા દાખવી તાત્કાલિક મરામતની કામગીરી શરૂ કરવાની માગ કરી છે.









