Surat

સુરતમાં ઉધનાની ખાડીની સફાઈ કરીને કચરો ઓપન પ્લોટમાં ઠાલવ્યો, મનપા ઑફિસ અને સ્કૂલો નજીક ગંદકીનું સામ્રાજ્ય

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતના ઉધના વિસ્તારમાં SMC ઓફિસ અને 2 શાળાઓ નજીક ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. પાલિકાએ ખાડી સફાઈ બાદ કચરો ડિસ્પોઝલ સાઇટને બદલે ખુલ્લા પ્લોટમાં ઠાલવ્યો હતો. વરસાદને કારણે આ કચરો રોડ પર ફેલાતા દુર્ગંધ અને લપસણા રસ્તાથી વાહનચાલકો જોખમમાં મુકાયા છે. બાળકોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. સ્થાનિકોમાં આક્રોશ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ઉધનાની ખાડીની સફાઈ કરીને કચરો ઓપન પ્લોટમાં ઠાલવ્યો, મનપા ઑફિસ અને સ્કૂલો નજીક ગંદકીનું સામ્રાજ્ય

Surat Garbage Issue: સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી દેશભરમાં સ્વચ્છતાનો એવોર્ડ મેળવીને ડંકો વગાડનાર સ્માર્ટ સિટી સુરતની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. એક તરફ શહેરમાં છેલ્લા 3 દિવસથી અલગ-અલગ જગ્યાએ રોડ બેસી જવાની (ભૂવા પડવાની) ઘટનાઓ સામે આવી રહી છે, ત્યાં બીજી તરફ શહેરના ઉધના વિસ્તારમાં ગંદકીનું મોટું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આ ગંદકી બીજે ક્યાંય નહીં, પરંતુ ખુદ સુરત મહાનગરપાલિકા(SMC)ની ઑફિસ અને બે શાળાઓની બિલકુલ નજીક જોવા મળતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ખાડી સાફ કરી, પણ કચરો રોડ પર જ છોડી દીધો!

મળતી માહિતી મુજબ, તાજેતરમાં જ સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના વિસ્તારમાં ખાડીની સાફ-સફાઈ કરવામાં આવી હતી. નિયમ મુજબ ખાડીમાંથી કાઢવામાં આવેલો ગંદો વેસ્ટેજ કચરો અને કાદવ સીધો ખજૂર ડિસ્પોઝલ સાઇટ પર મોકલવાનો હોય છે. પરંતુ પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે આ સમગ્ર ગંદો કચરો બાજુમાં આવેલા એક ઓપન પ્લોટમાં જ ઠાલવી દેવામાં આવ્યો.

હવે સવાલ એ થાય છે કે જ્યારે આખા સુરતનો કચરો ખજોદ સાઇટ પર નિકાલ કરવામાં આવે છે, તો પછી ઉધનાનો આ ગંદો કચરો અને કાદવ વચગાળાના પ્લોટમાં શા માટે નાખવામાં આવ્યો?

વરસાદે વધારી આફત: રોડ બન્યા લપસણા, વાહનચાલકો જોખમમાં

હાલમાં પડી રહેલા વરસાદના કારણે ઓપન પ્લોટમાં નાખેલો આ તમામ કાદવ અને ગંદો કચરો વરસાદી પાણી સાથે તણાઈને મુખ્ય રોડ પર આવી ગયો છે. જેના કારણે સમગ્ર રોડ પર દુર્ગંધ અને ગંદકી ફેલાઈ ગઈ છે. રસ્તા પર કાદવ પથરાઈ જવાને કારણે વાહનચાલકોના વાહનો લપસી જવાનો મોટો ભય ઊભો થયો છે, જેનાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

SMC ઑફિસ અને 2 સ્કૂલો પાસે જ નરકાગાર: બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યાં આ ગંદકી અને કચરાના ઢગલા ખડકાયા છે, તેની બિલકુલ બાજુમાં જ સુરત મહાનગરપાલિકાની પોતાની ઑફિસ આવેલી છે. પોતાના નાક નીચે જ ફેલાયેલી આ ગંદકી તંત્રને દેખાતી નથી તે આશ્ચર્યની વાત છે.

આ ઉપરાંત, આ એક ગીચ રહેણાક વિસ્તાર છે અને અહીં 2 મોટી શાળાઓ પણ આવેલી છે. દરરોજ શાળાએ જતાં નાના-નાના માસૂમ બાળકોને આ જ ગંદકી અને દુર્ગંધ વચ્ચેથી પસાર થવું પડે છે. સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ છે કે આ ગંદકીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અસાધારણ રીતે વધી ગયો છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત છે.

સ્વચ્છતાના મોટા-મોટા દાવા કરતી સુરત મહાનગરપાલિકા શું આ ગંદકી હટાવીને બાળકો અને સ્થાનિક લોકોને રોગચાળાના ભયમાંથી મુક્ત કરશે ખરી? તે હવે જોવાનું રહ્યું.