શિકારી માટે શિકારની ગોઠવણ! દીપડા શહેરમાં આવતા સુરત વનવિભાગે જંગલમાં 50થી વધુ હરણો છોડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Forest Department Releases Deer Mandvi Forest: છેલ્લા કેટલાક સમયથી સુરતના જંગલોમાંથી દીપડાઓ શહેરની હદ સુધી આવી ચડવાના બનાવો નોંધાયા છે. ખોરાકની શોધમાં દીપડાઓ સુરત શહેરમાં પ્રવેશી રહ્યા છે. આવું ન બને અને દીપડાઓને જંગલમાં જ પૂરતો ખોરાક મળી રહે તે માટે વન વિભાગ દ્વારા પ્રાયોગિક ધોરણે 50થી વધુ હરણોને જંગલમાં છોડવામાં આવ્યા છે.
દીપડાઓ હવે ખોરાકની શોધમાં માનવ વસવાટવાળા વિસ્તારો તરફ આવે છે
સુરતના માંડવીના જંગલોમાં હાલ 104 કરતાં વધુ દીપડાઓ છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં આ દીપડાઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. તેની સરખામણીમાં જંગલ વિસ્તારમાં પૂરતો શિકાર ન મળવાના કારણે દીપડાઓ હવે ખોરાકની શોધમાં માનવ વસવાટવાળા વિસ્તારો તરફ આવી જાય છે, જેના લીધે માનવ અને દીપડા વચ્ચે સંઘર્ષના બનાવો પણ બન્યા છે. આ ઘટનાક્રમ અટકાવવા માટે વન વિભાગ દ્વારા એક પ્રયોગ કરવામાં આવ્યો છે. આ યોજનાના ભાગરૂપે સૌપ્રથમ જંગલી મરઘીઓનું બ્રીડિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 'સ્પોટેડ ડીયર' (ચીતળ હરણ)નું બ્રીડિંગ સેન્ટર શરૂ કરાયા બાદ હવે ત્રીજા તબક્કામાં સુરત વન વિભાગ દ્વારા 50 કરતાં વધુ હરણોને જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે.
આ અંગે સુરત વન વિભાગના નાયબ વન સંરક્ષક (DCF) જણાવ્યું કે,
છેલ્લા કેટલાક સમયથી દીપડાઓ શહેરની સીમ વિસ્તારમાં આવી જવાના કિસ્સા વધ્યા છે. આવું રોકવા માટે અમે દીપડાઓને જંગલમાં જ શિકાર મળી રહે તે હેતુથી હરણ લાવવાનું નક્કી કર્યું હતું.
ગીરના જંગલોમાંથી ત્રણ અલગ-અલગ બેચમાં આ હરણોને સુરતના જંગલોમાં લાવવામાં આવ્યા છે; જેમાં પહેલીવાર 30, બીજીવાર 15 અને ત્રીજીવાર 20 એમ કુલ 50થી વધુ હરણો હાલ જંગલમાં છોડાયા છે. આ હરણોને મુક્ત કર્યા બાદ તેઓ કઈ તરફ જઈ રહ્યા છે તેનું ટ્રેકિંગ પણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. વન વિભાગના આ પ્રયાસથી દીપડાઓને જંગલમાં જ ખોરાક મળી રહેશે, જેથી તેઓ શહેર તરફ નહીં આવે અને માનવ-વન્યજીવ સંઘર્ષમાં મોટો ઘટાડો થશે.









