Surat

સુરતમાં શાકભાજીના ભાવ આસમાને: ભારે વરસાદથી પાક ધોવાઈ જતાં અને ટ્રાન્સપોર્ટેશન ખોરવાતાં આવકમાં મોટો ઘટાડો

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું છે, જ્યારે ટ્રાન્સપોર્ટેશન ખોરવાતા બજારમાં શાકભાજીની અછત સર્જાઈ છે. કોબીજ, ટામેટાં જેવા શાકભાજીના ભાવ બમણા થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આગામી દિવસોમાં ભાવ વધુ વધવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં શાકભાજીના ભાવ આસમાને: ભારે વરસાદથી પાક ધોવાઈ જતાં અને ટ્રાન્સપોર્ટેશન ખોરવાતાં આવકમાં મોટો ઘટાડો

Surat Vegetable Prices: દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સુરત, દક્ષિણ ગુજરાત અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે હવે સામાન્ય જનતા પર મોંઘવારીનો બેવડો માર પડ્યો છે. સતત વરસી રહેલા આભના આફતરૂપી પાણીના કારણે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે, જેના લીધે બજારોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

ખેતરો બેટમાં ફેરવાયા, પાકને વ્યાપક નુકસાન

ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને લીધે શાકભાજીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. માર્કેટના સૂત્રોના જણાવ્યાનુસાર, કોબીજ, ફ્લાવર, ટામેટા, રીંગણ, તુવેર સિંગ, ગુવાર અને આદુ જેવા રોજીંદા વપરાશના શાકભાજીનો પાક ખેતરોમાં જ સડી રહ્યો છે. પાક નિષ્ફળ જતાં બજારમાં માલની અછત ઊભી થઈ છે.

ટ્રાન્સપોર્ટેશન ખોરવાતા આવકમાં મોટો ઘટાડો

બીજી તરફ, ભારે વરસાદને કારણે હાઇવે અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જેના લીધે છેલ્લા 2થી 3 દિવસથી વાહનવ્યવહાર (ટ્રાન્સપોર્ટેશન) સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. બહારથી આવતી શાકભાજીની ટ્રકો સમયસર માર્કેટમાં પહોંચી શકી નથી, પરિણામે હોલસેલ અને રિટેલ બજારોમાં શાકભાજીની આવક અડધી થઈ ગઈ છે. સપ્લાય ઘટતાંની સાથે જ ભાવો બમણા થઈ ગયા છે.

ગૃહિણીઓ અને મધ્યમ વર્ગનું બજેટ વેરવિખેર

શાકભાજીના ભાવમાં થયેલા આ અચાનક વધારાની સૌથી માઠી અસર સામાન્ય ગૃહિણીઓ, મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોના ઘરના બજેટ પર પડી છે. રસોડાનો સ્વાદ મોંઘો થતાં લોકો હવે મર્યાદિત માત્રામાં શાકભાજી ખરીદવા મજબૂર બન્યા છે.

આગામી દિવસોમાં તંગી વધુ ઘેરી બનવાની આશંકા

બજારના વેપારીઓનું માનવું છે કે, જો હજુ પણ વરસાદનું જોર આવું જ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. ખેડૂતોને ખેતરોમાંથી પાણી ઓસર્યા બાદ નવી વાવણી કરવાનો સમય નહીં મળે, તો આગામી દિવસોમાં બજારમાં શાકભાજીની અછત વધુ ઘેરી બનશે અને ભાવો હજુ પણ વધી શકે છે.