સુરતમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે બે મગર દેખાયા, તાપી કિનારે દહેશતનો માહોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Tapi River Crocodile : સુરતમાં ખાડી પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે હવે તાપી નદીમાં વધુ એક ચિંતાજનક ઘટના બહાર આવી છે. તાપી નદીમાં ઉપરવાસમાંથી છોડાયેલા પાણી સાથે મગરો પણ તાપીના કિનારે પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. અમરોલી-છાપરાભાઠા વિસ્તારમાં મગરનું બચ્ચું માછીમારીની જાળમાં ફસાયા બાદ હવે ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે આવેલા બાપુનગર ટેકરા પાસે એકસાથે બે પુખ્ત મગર જોવા મળ્યા છે. માછીમારી કરવા ગયેલા યુવાનોએ બનાવેલો વીડિયો સામે આવતા ઘટનાની પુષ્ટિ થઈ છે અને માછીમારોમાં ભયનો માહોલ સર્જાયો છે.
તાપી નદીમાં ઉપરવાસમાંથી સતત આવી રહેલા પાણી વચ્ચે હવે મગરોની હાજરી પણ ચિંતાનો વિષય બની રહી છે. ગત શનિવારે અમરોલી-છાપરા ભાઠા વિસ્તારમાં માછીમારીની જાળમાં મગરનું બચ્ચું ફસાયું હતું. આ ઘટનાના એક જ દિવસ બાદ રવિવારે ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે આવેલા બાપુનગરના ટેકરા પાસે એક સાથે બે પુખ્ત મગર દેખાતા નદીમાં માછીમારી કરતા લોકોમાં દહેશત વ્યાપી ગઈ છે. સ્થાનિક નાવિક નિલેશ સેલર પોતાના ભત્રીજા મોન્ટુ સાથે નાવડીમાં માછીમારી કરવા ગયા હતા ત્યારે તેમની નજર આ બે મગર પર પડી હતી. બંનેએ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો, જે બાદ તાપીમાં મગરોની હાજરીની હકીકત સામે આવી છે.
નિલેશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી તાપી નદીના આ વિસ્તારમાં વારંવાર મગર જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી કોઈ વ્યક્તિ પર હુમલાની ઘટના બની નથી, છતાં નદીમાં રોજીરોટી માટે ઉતરતા માછીમારો હવે વધુ સાવચેતી રાખી રહ્યા છે. નદીકાંઠે અવરજવર કરતા સ્થાનિકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. વન વિભાગ માટે પણ આ ઘટના ધ્યાન ખેંચનારી છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા તેજ પ્રવાહ સાથે મગરો નીચાણવાળા વિસ્તારોમાં આવી જતા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી તાપી કિનારે રહેતા લોકો, માછીમારો તેમજ નદીમાં નાવડી લઈને જનારાઓને સાવચેતી રાખવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2006ના વિનાશક પૂર બાદ પણ તાપી નદીમાં મગરો જોવા મળ્યા હતા. લગભગ બે દાયકા બાદ ફરી આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં જૂની યાદો તાજી થઈ છે. હવે વન વિભાગ દ્વારા મગરોની હિલચાલ પર નજર રાખી જરૂરી પગલાં ભરવામાં આવે અને નદીકાંઠાના વિસ્તારમાં ચેતવણી જાહેર કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.









