Surat

22 વર્ષની ખાડીપૂરની પીડા હવે આંદોલનમાં પરિવર્તિત : સોશિયલ મીડિયાથી શરૂ થયેલી ચળવળ હવે જનઆંદોલન તરફ, પીડિતો લડી લેવાના મૂડમાં

By GS Team
3 Aug 20264 mins read
TukuTouch Logo
સુરતમાં 22 વર્ષથી ખાડીપૂરથી ત્રસ્ત મગોબ-મીઠી ખાડી વિસ્તારના લોકો કાયમી ઉકેલ માટે આરપારની લડતનો મૂડમાં છે. 2 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર અપીલ બાદ, રવિવારે બેઠકો યોજાઈ હતી. જેમાં PIL સહિત સંગઠિત જનઆંદોલન દ્વારા સરકારના ઉચ્ચ નેતાઓ સમક્ષ રજૂઆત કરવાની વ્યૂહરચના ઘડાઈ. સ્થાનિકોએ હવે "માંગ નહીં, અધિકાર"ના સૂત્ર સાથે લડત ચલાવવાનો નિર્ણય કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

22 વર્ષની ખાડીપૂરની પીડા હવે આંદોલનમાં પરિવર્તિત : સોશિયલ મીડિયાથી શરૂ થયેલી ચળવળ હવે જનઆંદોલન તરફ, પીડિતો લડી લેવાના મૂડમાં

Surat Flood : 22 વર્ષથી વારંવાર ખાડીપૂરની આફત સહન કરી રહેલા મગોબ–મીઠી ખાડી વિસ્તારના લોકો હવે કાયમી ઉકેલ માટે આરપારની લડતના મૂડમાં આવી ગયા છે. 27 જુલાઈએ સોશિયલ મીડિયા પર જનઆંદોલનની અપીલ કરતી પોસ્ટને મર્યાદિત પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ 2 ઓગસ્ટે ફરી કરવામાં આવેલી અપીલ બાદ સમગ્ર વિસ્તારમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. રવિવારે વિવિધ વિસ્તારોમાં યોજાયેલી બેઠકોમાં મોટી સંખ્યામાં રહીશો, સોસાયટીના હોદ્દેદારો, વેપારીઓ અને યુવાનો જોડાયા હતા. બેઠકમાં દર વર્ષે મળતા આશ્વાસનોને બદલે હવે સરકારના ઉચ્ચ નેતાઓ સમક્ષ સીધી રજૂઆત, ખાડીપૂરનો કાયમી ઉકેલ લાવવા માટે સંગઠિત જનઆંદોલન ઊભું કરવું અને જરૂર પડે તો જાહેર હિતની અરજી (PIL) સુધી જવાની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં વધુ વિસ્તારોમાં બેઠકો યોજી સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારને એક મંચ પર લાવવાની કામગીરીને પણ વેગ આપવામાં આવી રહ્યો છે.
છેલ્લા એક મહિના કરતા ઓછા સમયમાં ત્રણ ત્રણ વખત ખાડીના પુર લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસ્યા બાદ છેલ્લા 22 વર્ષથી ખાડી પુર સમસ્યાનો સામનો કરતા અસરગરગ્રસ્તોની ધીરજ ખૂટી છે અને હવે તેઓ ખાડી પુર કાયમી ઉકેલ માટે એક જૂથ થઈ લડી લેવાની તૈયારી કરી રહ્યાં છે. આ માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ ગઈકાલે અસરગ્રસ્ત વિસ્તારમાં એક બેઠક મળી હતી. બેઠકોમાં છેલ્લા 25 દિવસમાં ત્રણ વખત આવેલા ખાડીપૂરના કારણે થયેલા નુકસાન અને વર્ષોથી ચાલતી સમસ્યા અંગે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. લોકોનું કહેવું હતું કે વર્ષો સુધી સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેટરો અને તંત્ર તરફથી માત્ર આશ્વાસનો જ મળ્યા છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. હવે રજૂઆતો અને ખાતરીઓ પર વિશ્વાસ રાખવાને બદલે સંગઠિત રીતે લડત લડવાનો સમય આવી ગયો છે. બેઠક દરમિયાન સરકારના ઉચ્ચ નેતાઓ સમક્ષ સીધી રજૂઆત કરવી, મીઠી ખાડી અને તેની સાથે જોડાયેલી ખાડીઓના વૈજ્ઞાનિક અભ્યાસના આધારે કાયમી ઉકેલ લાવવાની માંગ કરવી, ગેરકાયદે દબાણો દૂર કરવા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવા તેમજ જરૂર પડે તો જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાનૂની નિષ્ણાતોની સલાહ લઈને આગળની કાર્યવાહી કરવાની પણ સહમતી વ્યક્ત કરવામાં આવી હતી.
સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે આ કોઈ રાજકીય આંદોલન નહીં પરંતુ હજારો પરિવારોના જીવન, સુરક્ષા અને હક્કની લડત છે. દર વર્ષે પૂરના કારણે ઘરો, દુકાનો, વાહનો અને રોજગારને નુકસાન સહન કરવું પડે છે. હવે "હવે માંગ નહીં, અમારો અધિકાર"ના સૂત્ર સાથે સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારને એક મંચ પર લાવી જનઆંદોલનને વ્યાપક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં આગામી દિવસોમાં મગોબ–મીઠી ખાડીના પ્રભાવિત તમામ વિસ્તારોમાં બેઠકો યોજવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. દરેક સોસાયટી, વેપારી સંગઠન, મહિલાઓ અને યુવાનોને આ અભિયાન સાથે જોડીને જનઆંદોલનને વધુ મજબૂત બનાવવામાં આવશે. જરૂર પડે તો જિલ્લા અને રાજ્ય સ્તરે પણ કાર્યક્રમો યોજાશે તેમજ સરકાર સમક્ષ કાયમી ઉકેલ માટે દબાણ ઊભું કરવામાં આવશે. અસરગ્રસ્તોનું સ્પષ્ટ કહેવું છે કે છેલ્લા 22 વર્ષથી દર વર્ષે પૂરનો ભોગ બનવું હવે સ્વીકાર્ય નથી. વારંવારની રજૂઆત છતાં પરિણામ ન મળતાં હવે સંગઠિત લડત જ એકમાત્ર રસ્તો હોવાનું લોકો માની રહ્યા છે. સોશિયલ મીડિયાથી શરૂ થયેલી આ ચળવળ હવે મેદાન સુધી પહોંચી ગઈ છે અને આગામી દિવસોમાં વધુ વ્યાપક જનઆંદોલન નું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મીઠી ખાડીનું પાણી ક્યારેક પીવાલાયક હોવાનું સ્થાનિકનો દાવો ; હવે કુદરતી નિકાલ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની માંગ
મગોબ–મીઠી ખાડી વિસ્તારમાં ખાડીપૂર સામે લોકો જનઆંદોલનની તૈયારી કરી રહ્યા છે, ત્યારે વિસ્તારના 68 વર્ષીય એક સ્થાનિકે પોતાના પાંચ દાયકાના અનુભવના આધારે ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો સ્પષ્ટ તફાવત રજૂ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, આજે જે રીતે દર વર્ષે ખાડીનું પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જાય છે, તેવી સ્થિતિ અગાઉ ક્યારેય જોવા મળતી નહોતી.સ્થાનિકના જણાવ્યા અનુસાર, 1970ના દાયકામાં મીઠી ખાડીનું પાણી એટલું સ્વચ્છ હતું કે તેનો ઉપયોગ પીવા માટે પણ થતો હતો.
તેમના કહેવા મુજબ, પાણી ખારું નહીં પરંતુ મીઠું (સ્વચ્છ) અને પીવાલાયક હોવાથી જ આ જળપ્રવાહને મીઠી ખાડી નામ મળ્યું હતું. તે સમયે સુરત અને આસપાસના વિસ્તારમાં સારો વરસાદ પડતો હતો, છતાં ખાડીનું પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશતું નહોતું. તેમણે જણાવ્યું કે અગાઉ ખાડીનો કુદરતી પ્રવાહ અવરોધરહિત હતો અને વરસાદી પાણી સરળતાથી આગળ નીકળી જતું હતું. પરંતુ વર્ષો દરમિયાન ખાડીના કુદરતી સ્વરૂપમાં આવેલા ફેરફારો, દબાણો, અનિયોજિત વિકાસ અને પાણીના નિકાલમાં ઉભા થયેલા અવરોધોના કારણે હવે ભારે વરસાદ પડતાં જ ખાડીનું પાણી વસાહતોમાં ઘૂસી જાય છે. છેલ્લા 22 વર્ષથી વિસ્તારના હજારો પરિવારો દર વર્ષે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. 68 વર્ષીય સ્થાનિકે જણાવ્યું કે વર્ષો સુધી લોકો આશ્વાસનો સાંભળતા રહ્યા, પરંતુ સ્થિતિ વધુ ગંભીર બનતી ગઈ. હવે વિસ્તારના લોકો સંગઠિત બની કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે, તે યોગ્ય દિશામાં લેવાયેલું પગલું છે. તેમના મતે, જો ખાડીના મૂળ સ્વરૂપ અને કુદરતી નિકાલ વ્યવસ્થાને પુનઃજીવિત કરવામાં આવશે તો જ દર વર્ષે સર્જાતી ખાડીપૂરની સમસ્યામાંથી લોકોને કાયમી રાહત મળી શકશે.