Surat

રૂસ્તમપુરાના રાવણ તાડની વડવાઈમાં અલુણાના હીંચકે ઝૂલતી કુંવારિકાઓએ સુરતના ભૂતકાળને ફરી જીવંત કર્યો

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતમાં સમય બદલાયો છે, પણ જૂની સંસ્કૃતિ જીવંત છે. રૂસ્તમપુરાના રાવણ તાડ પાસે વડની વડવાઈ પર કુંવારિકાઓ અલુણા વ્રત નિમિત્તે હીંચકે ઝૂલી રહી છે. અષાઢી મેઘ મહેર સાથે શરૂ થતા આ વ્રતમાં સારા જીવનસાથીની કામના કરાય છે. આ દ્રશ્ય જૂના સુરતના સંસ્કારી અને સાંસ્કૃતિક વારસાને ફરી જીવંત કરી રહ્યું છે, જે શહેરીકરણ વચ્ચે પણ તેની પરંપરા જાળવી રાખે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રૂસ્તમપુરાના રાવણ તાડની વડવાઈમાં અલુણાના હીંચકે ઝૂલતી કુંવારિકાઓએ સુરતના ભૂતકાળને ફરી જીવંત કર્યો

Surat : સમયની સાથે સુરતનો ચહેરો ધરખમ બદલાયો છે. એક સમયે કોટ વિસ્તાર અને તેની આસપાસની પોળો-શેરીઓમાં સીમિત રહેલું શહેર આજે વિસ્તરીને ચારે દિશામાં ફેલાયું છે અને તેની વસ્તીમાં પણ અનેકગણો વધારો થયો છે. વિકાસની સાથે રહેણીકરણી, જીવનશૈલી અને મનોરંજનની રીતો પણ બદલાઈ ગઈ છે, પરંતુ સુરતના જૂના શહેર એટલે કે કોટ વિસ્તારની ગલીઓમાં શહેરની પુરાણી સંસ્કૃતિનો રંગ આજે પણ એટલો જ જીવંત જોવા મળે છે. અષાઢી મેઘ મહેર સાથે શરૂ થતા કુંવારિકાઓના પ્રિય અલુણાના દિવસો તેનું જીવંત ઉદાહરણ છે. અલુણા વ્રત સાથે જોડાયેલી વર્ષો જૂની હીંચકે ઝૂલવાની પરંપરા આજે પણ રૂસ્તમપુરાના રાવણ તાડ પાસે વડની વડવાઈ પર જોવા મળે છે. વડવાઈ પર બંધાયેલા હીંચકે ઝૂલતી કુંવારિકાઓનું દૃશ્ય જાણે બદલાઈ ગયેલા સુરતની વચ્ચે તેના જૂના સંસ્કારી અને સાંસ્કૃતિક વારસાને ફરી જીવંત કરી રહ્યું છે.
 અષાઢ મહિનો શરૂ થાય એટલે કુંવારિકાઓમાં અલુણાને લઈને ઉત્સાહ જોવા મળે છે. અલુણા વ્રત સાથે શ્રદ્ધા, સંસ્કાર અને અનેક લોકપરંપરાઓ જોડાયેલી છે. સારા જીવનસાથી અને સુખી દાંપત્યજીવનની મનોકામના સાથે કુંવારિકાઓ અલુણા વ્રત કરે છે. વ્રત દરમિયાન મીઠું ન લેવાની પરંપરાને કારણે તેને ‘અલુણા’ તરીકે ઓળખવામાં આવે છે. વ્રતની ધાર્મિક માન્યતાઓ સાથે અષાઢી માહોલમાં હીંચકે ઝૂલવાની પરંપરા પણ કુંવારિકાઓ માટે આનંદ અને ઉત્સાહનો વિષય બની રહે છે. સમયની સાથે શહેરમાં ખુલ્લી જગ્યાઓ ઘટી, મકાનો અને વસાહતો વધ્યાં અને જીવનશૈલી બદલાઈ. પરિણામે કુદરતી વડવાઈ પર હીંચકો બાંધવાની પરંપરા શહેરના અનેક વિસ્તારોમાંથી લગભગ અદૃશ્ય થતી ગઈ. પરંતુ સુરતના કોટ વિસ્તારમાં આજે પણ આ પરંપરાનો એક જીવંત અંશ જોવા મળે છે. રૂસ્તમપુરામાં રાવણ તાડ પાસે આવેલા વડના ઝાડની મજબૂત વડવાઈ પર હીંચકો બાંધી કુંવારિકાઓ ઝૂલે છે. વડવાઈ પર ઝૂલતી કુંવારિકાઓનું આ દૃશ્ય માત્ર મનોરંજન પૂરતું નથી. તેમાં જૂના સુરતના લોકજીવનની એક આખી તસવીર છુપાયેલી છે.
હીંચકાની ગતિ સાથે કુંવારિકાઓનો આનંદ, આસપાસનું વરસાદી વાતાવરણ અને વડના ઝાડની છાંયડો મળીને કોટ વિસ્તારની પુરાણી સંસ્કૃતિને આંખો સામે જીવંત કરી દે છે. આજની પેઢી માટે હીંચકો આનંદની એક ક્ષણ હોઈ શકે, પરંતુ જૂની પેઢી માટે આ પરંપરા સાથે બાળપણની અનેક યાદો જોડાયેલી છે. એક સમય હતો જ્યારે અષાઢી વરસાદ શરૂ થતાં જ મહોલ્લા અને શેરીઓમાં હીંચકા બંધાવા લાગતા. કુંવારિકાઓ સખીઓ સાથે ભેગી થઈને હીંચકે ઝૂલતી અને વરસાદી ઋતુ નો આનંદ માણતી. સુરત ભલે કેટલુંય આધુનિક બને, તેની ઓળખ તેની ઐતિહાસિક ધરતી અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. અષાઢી વરસાદમાં વડવાઈ પર ઝૂલતો હીંચકો આ જ જૂની ઓળખને નવી પેઢી સુધી પહોંચાડતો એક સુંદર માધ્યમ બની રહ્યો છે.