Surat

સુરતમાં ખાડી પૂરનો કહેર યથાવત્: અનેક વિસ્તારોમાં ફરી પાણી ઘૂસ્યા, 100થી વધુ લોકો ઘરોમાં કેદ

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતમાં જુલાઈમાં ભારે વરસાદ બાદ ખાડી પૂરનો ખતરો હજુ યથાવત છે. કુંભારિયા, કમરુનગર અને મીઠીખાડી જેવા વિસ્તારોમાં 26 દિવસમાં ત્રીજી વખત ખાડીના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયા છે. અંદાજે 100થી વધુ ઘરોમાં પાણી ભરાતાં લોકોની ઘરવખરી અને અનાજને નુકસાન થયું છે. સ્થાનિકોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળ્યો હતો, ફાયર વિભાગે ફૂડ પેકેટનું વિતરણ કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ખાડી પૂરનો કહેર યથાવત્: અનેક વિસ્તારોમાં ફરી પાણી ઘૂસ્યા, 100થી વધુ લોકો ઘરોમાં કેદ

Surat Floods: જુલાઈ મહિનામાં સતત વરસેલા ભારે વરસાદ બાદ સુરતમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ ખાડી પૂરનો ખતરો હજુ પણ ટળ્યો નથી. ખાસ કરીને કુંભારિયા, કમરુનગર અને મીઠીખાડી જેવા વિસ્તારોમાં છેલ્લા 26 દિવસમાં ત્રીજી વખત ખાડીના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જતાં સ્થાનિક જનજીવન ફરી એકવાર અસ્તવ્યસ્ત બની ગયું છે. એક જ મહિનામાં ત્રણ-ત્રણ વાર પૂરની સ્થિતિ સર્જાતાં સ્થાનિક રહીશોમાં પાલિકા અને શાસકો સામે ભારે રોષ ફેલાયો છે.

લોકોની ઘરવખરી અને અનાજને નુકસાન

કુંભારિયા ગામમાં રવિવારે (બીજી ઓગસ્ટ) પણ ખાડીના પાણી ભરાયેલા રહ્યા હતા. અંદાજે ૧૦૦થી વધુ ઘરો પાણીમાં ગરકાવ હોવાથી પરિવારો છેલ્લા બે દિવસથી ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે. પાણી ઘૂસી જવાથી ઘરવખરી, અનાજ અને દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ઘરમાં જ દિનચર્યા વિતાવવી પડી રહી છે.

તંત્ર સામે સ્થાનિકોનો આક્રોશ

સ્થાનિકોના જણાવ્યા મુજબ દર ચોમાસે ખાડી પૂરના કારણે આ જ સ્થિતિ સર્જાય છે. પાલિકા અને સંબંધિત વિભાગોમાં અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પાણીના કાયમી નિકાલ માટે કોઈ આયોજન કરાયું નથી.

સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. જોકે, સ્થાનિકોનું કહેવું છે કે, માત્ર ફૂડ પેકેટ આપવાથી મુશ્કેલી દૂર નહીં થાય. વારંવારની રજૂઆતો છતાં તંત્ર માત્ર આશ્વાસન આપે છે, અમારે આ સમસ્યાનો કાયમી ઉકેલ જોઈએ છે.