Surat

સુરતના ANTM માર્કેટ બહાર વરસાદી પાણીનો દરિયો, પાણીને રોકીને કરોડોનો માલસામાન બચાવવાનો વેપારીઓનો પ્રયાસ

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતમાં ધોધમાર વરસાદે ગોડાદરાની ANTM માર્કેટને જળબંબાકાર કરી. રસ્તા પર પાણી ભરાતા કરોડોનો માલસામાન બચાવવા વેપારીઓએ દુકાનો આગળ આડશ ઊભી કરી. ટ્રક સહિત અનેક વાહનો પાણીમાં ફસાયા. સતત બીજા દિવસે જનજીવન અને વેપાર-ધંધા પર અસર પડી. પાલિકાના પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ પર પ્રશ્નો ઉભા થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના ANTM માર્કેટ બહાર વરસાદી પાણીનો દરિયો, પાણીને રોકીને કરોડોનો માલસામાન બચાવવાનો વેપારીઓનો પ્રયાસ

Surat Rain Update : સુરતમાં ધોધમાર વરસાદે ગોડાદરા વિસ્તારની ANTM માર્કેટને જળબંબાકાર બનાવી દીધી હતી. માર્કેટ બહાર રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીના કારણે કરોડો રૂપિયાના માલસામાન પર સંકટ તોળાતાં વેપારીઓએ દુકાનોના દરવાજા આગળ લાકડાં અને અન્ય સામગ્રીની આડાશ ઊભી કરીને પાણી અંદર ઘૂસતું અટકાવવાનો યુદ્ધના ધોરણે પ્રયાસ કર્યો હતો. રસ્તા પર એટલું પાણી ભરાયું કે ટ્રક સહિત અનેક વાહનો વચ્ચે રસ્તામાં જ બંધ પડી ગયા અને વાહનો અડધા સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
સુરતમાં સતત બીજા દિવસે દે માર વરસાદના કારણે જનજીવન પર અસર પડી હતી તો બીજી તરફ આ વરસાદના કારણે લોકોના વેપાર ધંધા પર અસર પડી હતી. સુરતના મુખ્ય ઉદ્યોગમાંનો એક કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટેક્સટાઇલ માર્કેટ પર વરસાદની માઠી અસર જોવા મળી હતી. માર્કેટ બહાર મુખ્ય માર્ગ પર પાણીનો સ્તર એટલો વધી ગયો હતો કે એક ટ્રક વચ્ચે રસ્તામાં જ બંધ પડી ગયો હતો. અનેક કાર, ટેમ્પો અને અન્ય વાહનોના પૈડાં જ નહીં, પરંતુ અડધો ભાગ સુધી પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના ભરાવાને કારણે વાહનવ્યવહાર પણ થંભી ગયો હતો.
માર્કેટના પાર્કિંગ અને ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં રહેલા કરોડો રૂપિયાનો માલસામાન વરસાદી પાણીમાં બગડી ન જાય તે માટે વેપારીઓ અને કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામગીરીમાં લાગી ગયા હતા. કેટલાક વેપારીઓ પાણી બહાર કાઢતા જોવા મળ્યા હતા, તો કેટલાક દરવાજા પર અસ્થાયી બેરિકેડ બનાવી પાણી રોકવાના પ્રયાસો કરી રહ્યા હતા. ભારે વરસાદ વચ્ચે માલસામાન બચાવવા માટે વેપારીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
શહેરમાં ઠેરઠેર સર્જાયેલી પાણી ભરાવાની સ્થિતિએ ફરી એક વખત સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીનો દાવાઓ સામે પ્રશ્નો ઉભા કર્યા છે. દર વર્ષે વરસાદ પૂર્વે ડ્રેનેજ સફાઈ અને પાણીના ઝડપી નિકાલના દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રથમ જ ભારે વરસાદમાં ગોડાદરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તંત્ર કહે છે કે, પાલિકા તંત્ર કામગીરી કરી રહ્યું છે પરંતુ વરસાદની તીવ્રતા કારણે પાણીનો ભરાવો થઈ રહ્યો છે.