Surat

સુરતમાં નાના રોપા નહીં, પાલિકા સીધા મોટા વૃક્ષોથી શહેરને હરિયાળું બનાવશે

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
સુરત પાલિકાએ શહેરમાં હરિયાળી વધારવા નવો અભિગમ અપનાવ્યો છે. આવતીકાલે સ્થાયી સમિતિ સમક્ષ 10 ફૂટથી વધુ ઊંચાઈના 5 હજાર વૃક્ષો વાવવાની યોજના રજૂ થશે. બજેટમાં પર્યાવરણને પ્રાધાન્ય આપ્યા બાદ, લીમડા, બોરસલ્લી સહિત 12 જાતના વૃક્ષોનું ચોમાસા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વાવેતર કરાશે. મોટા વૃક્ષોથી તરત જ હરિયાળીનો લાભ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં નાના રોપા નહીં, પાલિકા સીધા મોટા વૃક્ષોથી શહેરને હરિયાળું બનાવશે

Surat Corporation : સુરત પાલિકાના વર્તમાન નાણાકીય વર્ષના બજેટમાં પર્યાવરણ અને ગ્રીન એનર્જીને વિશેષ પ્રાધાન્ય આપ્યા બાદ સુરત પાલિકા હવે હરિયાળી વધારવા નવા અભિગમ સાથે આગળ વધી છે. વર્ષો સુધી નાના રોપા મોટા થવાની રાહ જોવાને બદલે શહેરમાં સીધાં જ 10 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા 5 હજાર વૃક્ષો વાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. 12 જાતનાં મોટા વૃક્ષોની ખરીદી માટેની દરખાસ્ત આવતીકાલે શનિવારે સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ થશે. મંજૂરી મળતાં જ ચોમાસા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષારોપણ શરૂ કરવામાં આવશે.
સુરત મહાનગર પાલિકાના વર્તમાન નાણાકીય વર્ષના બજેટમાં પર્યાવરણ સંરક્ષણ, ગ્રીન એનર્જી અને ગ્રીન કવર વધારવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં ઓક્સિજન પાર્ક વિકસાવવા સાથે વધુ છાંયો અને ઓક્સિજન આપતા વૃક્ષોનું પ્રમાણ વધારવાનો પણ આયોજનનો ભાગ છે.
આ યોજના હેઠળ લીમડાના 1,000, બોરસલ્લીના 1,000 અને તબુચિયાના 1,000 વૃક્ષો ખરીદવામાં આવશે. ઉપરાંત પીપળા (300), કદંબ(300), ગરમાળા(200), સપ્તપર્ણી (200), અર્જુન (200), પંગારા(200), પારસ પીપળી (200), સુલતાન ચંપા (200) અને કરંજ (200) સહિત કુલ 12 જાતનાં 5 હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાના રોપાને મોટા વૃક્ષો બનાવવામાં વર્ષો લાગી જાય છે, જ્યારે મોટા કદનાં વૃક્ષ વાવવાથી હરિયાળીનો લાભ તરત જ મળે છે. સાથે જ આવા વૃક્ષોના જીવંત રહેવાનો દર પણ વધુ હોવાથી શહેરમાં ગ્રીન કવર ઝડપથી વધારવામાં મદદ મળશે.
આ માટે 13.12 લાખના યુનિટ રેટને મંજૂરી આપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે સ્થાયી સમિતિ મંજૂરી બાદ વૃક્ષોની ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે અને ચાલુ ચોમાસામાં શહેરના બગીચાઓ, જાહેર સ્થળો તેમજ ખુલ્લા વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે.