સુરત: વડોલી અને ઉમરાછી વિસ્તાર પૂરથી અસરગ્રસ્ત, 3 નેપાળી નાગરિકોનું સફળ રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Flood News: સુરત જિલ્લામાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે સ્થાનિક વહીવટી તંત્ર અને બચાવ ટુકડીઓ દ્વારા રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વડોલી અને ઉમરાછી ગામોમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આજે બપોરે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકો માટે તંત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ બંને ગામોના અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા.
નેપાળના 3 નાગરિકોન રેસ્ક્યૂ
આ ઉપરાંત, બચાવ કામગીરીના ભાગરૂપે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમો સતત મેદાનમાં ઉતરીને લોકોના જીવ બચાવી રહી છે. આ કામગીરી દરમિયાન નડિયાદ SDRFની 7 ગ્રુપની ટીમે અદભુત સાહસ બતાવીને પૂરના પાણીમાં ફસાયેલા મૂળ નેપાળના 3 નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હજુ પણ નાગરિકોને સતર્ક રહેવા અને પાણીવાળા વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

સારોલી પાસે વન સાઇડનો એક કિલોમીટર રોડ બીજા દિવસે પણ બંધ
બીજી તરફ, સુરતના પ્રવેશદ્વાર સમાન સુરત-કડોદરા મુખ્ય માર્ગ પર ખાડીપૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી. પરિણામે સારોલી નજીક અંદાજે એક કિલોમીટર સુધીનો એક સાઇડનો રોડ ખાડીના પાણીમાં ગરકાવ થતાં તંત્રે સતત બીજા દિવસે પણ વાહનવ્યવહાર માટે બંધ રાખ્યો છે. ખાડીના પાણી રોડ પર ફરી વળતાં સુરત તરફ આવતા અને જતા વાહનચાલકોને લાંબા ચક્કર મારવા પડી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓને પણ અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગનો એક ભાગ બંધ હોવાથી ટ્રાફિકનું ભારણ અન્ય માર્ગો પર વધી ગયું છે અને વાહનોની અવરજવરમાં વિલંબ થઈ રહ્યો છે.
ખાડી પુરથી લોકોની ઘરવખરી અને અનાજને ભારે નુકસાન
જુલાઈ મહિનામાં સતત વરસેલા ભારે વરસાદ બાદ સુરતમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ ખાડી પૂરનો ખતરો હજુ પણ ટળ્યો નથી. ખાસ કરીને કુંભારિયા, કમરુનગર અને મીઠીખાડી જેવા વિસ્તારોમાં છેલ્લા 26 દિવસમાં ત્રીજી વખત ખાડીના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જતાં સ્થાનિક જનજીવન ફરી એકવાર અસ્તવ્યસ્ત બની ગયું છે. એક જ મહિનામાં ત્રણ-ત્રણ વાર પૂરની સ્થિતિ સર્જાતાં સ્થાનિક રહીશોમાં પાલિકા અને શાસકો સામે ભારે રોષ ફેલાયો છે. કુંભારિયા ગામમાં રવિવારે (બીજી ઓગસ્ટ) પણ ખાડીના પાણી ભરાયેલા રહ્યા હતા. અંદાજે ૧૦૦થી વધુ ઘરો પાણીમાં ગરકાવ હોવાથી પરિવારો છેલ્લા બે દિવસથી ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે. પાણી ઘૂસી જવાથી ઘરવખરી, અનાજ અને દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ઘરમાં જ દિનચર્યા વિતાવવી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર ચોમાસે ખાડી પૂરના કારણે આ જ સ્થિતિ સર્જાય છે. પાલિકા અને સંબંધિત વિભાગોમાં અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પાણીના કાયમી નિકાલ માટે કોઈ આયોજન કરાયું નથી.









