Surat

15મી ઓગસ્ટને લઈને સુરતના તિરંગાની ડિમાન્ડ વધી, આંધ્ર પ્રદેશ અને હૈદરાબાદ સહિતના રાજ્યોમાંથી વિવિધ સાઈઝ પ્રમાણે ઓર્ડર

By GS Team
5 Aug 20263 mins read
TukuTouch Logo
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 15મી ઓગસ્ટને લઈ તિરંગાનું ઉત્પાદન શરૂ થયું છે. સ્થાનિક બજાર ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી સતત ઓર્ડર મળી રહ્યા છે, જેમાં 100થી 150 કરોડનો વેપાર થવાનો અંદાજ છે. સુરતમાં તૈયાર થતાં તિરંગા દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવશે. આ ઉદ્યોગ દ્વારા અનેક લોકોને રોજગારી પણ મળી રહી છે, ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાંથી મોટા ઓર્ડર મળ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

15મી ઓગસ્ટને લઈને સુરતના તિરંગાની ડિમાન્ડ વધી, આંધ્ર પ્રદેશ અને હૈદરાબાદ સહિતના રાજ્યોમાંથી વિવિધ સાઈઝ પ્રમાણે ઓર્ડર

Surat Textile Market Tiranga Orders Independence Day: દેશના સૌથી મોટું ટેક્સટાઇલ હબ સુરતમાં 15મી ઓગસ્ટને લઈને તિરંગા બનવાની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કરીને માર્કેટમાં મેન્યુફેક્ચરર્સને સ્થાનિક બજાર ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી પણ સતત ઓર્ડર મળી રહ્યા છે. જેમાં 100થી 150 કરોડનો વેપાર આ 15મી ઓગસ્ટને લઈને થશે તેવો વેપારીઓનો અંદાજ છે.

સુરતનું કપડા માર્કેટ વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેનું કપડું દેશ વિદેશમાં જાય છે. હાલ 15મી ઓગસ્ટ આવી રહી છે, ત્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને સુરતમાં તિરંગાનું ઉત્પાદન થઈ રહ્યું છે. સુરતમાં તૈયાર થતાં તિરંગા દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવશે, જેના કારણે સ્થાનિક ટેક્સટાઇલ ઉદ્યોગને પણ સારો વેપાર મળી રહ્યો છે. બીજી તરફ, 15મી ઓગસ્ટ માટે જે તિરંગા બનાવવામાં આવી રહ્યા છે તેમાં ઘણા લોકોને રોજગારી મળી રહી છે.

તિરંગા બનાવનારે શું કહ્યું?

આ અંગે તિરંગા બનાવતા પ્રવીણભાઈ ગુપ્તાએ કહ્યું કે, 'આ વર્ષે વધુ ઓર્ડર મળ્યા હોવાથી કેટલાક ગ્રાહકોને મારે ના પાડવાની ફરજ પડી રહી છે. પશ્ચિમ બંગાળમાં સરકાર બદલાયા બાદ પહેલીવાર કોલકાતાથી અંદાજે 16 લાખ તિરંગાનો ઓર્ડર મળ્યો છે. જો કે, ઉત્પાદન ક્ષમતા મર્યાદિત હોવાથી સમગ્ર માંગ સંતોષવી મુશ્કેલ બની છે. આ ઉપરાંત, છત્તીસગઢમાંથી એક કરોડ તિરંગાની માંગ સામે પણ સંપૂર્ણ સપ્લાય થઈ શક્યો નથી. જ્યારે આંધ્ર પ્રદેશ, હૈદરાબાદ, દિલ્હી, ઉત્તરાખંડ અને ગુજરાતમાંથી પણ મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે.'

બીજી તરફ, ફોસ્ટાના ડિરેક્ટર અરવિંદભાઈ લાઠીયાએ કહ્યું કે, 'સ્વતંત્રતા દિવસને પગલે આ વર્ષે સુરતને અંદાજે ત્રણ કરોડ તિરંગાના ઓર્ડર મળ્યા છે. તેના કારણે આશરે રૂ.100 કરોડથી વધુનો વેપાર થવાની શક્યતા છે. સુરતમાં 25થી 30 જેટલાં એવા મુખ્ય ઉત્પાદકો કાર્યરત છે, જેઓ માત્ર રાષ્ટ્રધ્વજના ઉત્પાદન માટે વિશેષતા ધરાવે છે. અન્ય રાજ્યમાં પણ તિરંગા ઉત્પાદન થાય છે, પરંતુ સુરતના કપડાની ક્વોલિટી સારી હોવાથી સુરતથી લોકો મંગાવે છે.'

ચોક્કસ સાઈઝના તિરંગાની ડિમાન્ડ

તિરંગા પ્રમાણે ડિમાન્ડ જોવા મળી છે. અંદાજે 90થી 95 ટકા માંગ બે ચોક્કસ સાઇઝમાં કેન્દ્રિત છે. તેમાં સૌથી વધુ આશરે 80 ટકા ઓર્ડર 20x30 ઇંચના તિરંગાના મળી રહ્યા છે, જ્યારે બીજા ક્રમે 6x9 ઇંચની નાની સાઇઝની માંગ છે. તેની સરખામણીએ મોટી સાઇઝના તિરંગાના ઓર્ડર ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં મળી રહ્યા છે. સ્વતંત્રતા દિવસ નજીક આવતાં આગામી એક સપ્તાહ દરમિયાન ઓર્ડરમાં વધુ વધારો થવાની વેપારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: રાજ્યમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર આવતીકાલથી સંપૂર્ણ પ્રતિબંધ, વિતરણ અને ઉત્પાદન કરનાર સામે થશે કાર્યવાહી

બીજી તરફ, 15મી ઓગસ્ટને લઈને તેની નીચે ઘણા લોકો અને રોજગાર મળી રહ્યો છે. તેમાં પણ હાલમાં જે રીતે ડીંડોલી, પાંડેસરામાં વસાહતોમાં પાણી ભરાયા તેવા લોકોને હાલ રાષ્ટ્રધ્વજ બનાવી રોજગારી મેળવી રહ્યા છે. સુશીલા બહેને કહ્યું કે, 'હું પાંડેસરા ગણેશ નગરથી આવું છું. અમારા ઘર બાજુ પણ કમર સુધીના પાણી હતા. લોકોને ઘણું નુકશાન થયું હતું. પરંતુ હવે આ રીતે અમે તિરંગા બનાવી રોજગાર મેળવી રહ્યા છે. મારા જેવી ઘણી મહિલાઓ તિરંગા બનાવવાનું, પેકિંગ, કટિંગ કરીને હાલ રોજગાર મેળવી રહી છે.'