સુરત: ધો. 11 પાસ યુવકે યુટ્યુબ પરથી શીખી APK ફાઈલ બનાવી સાયબર ઠગોને વેચી, 64 કરોડ રૂપિયાનું ફ્રોડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Cyber Crime: સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વૃદ્ધ વેપારી સાથે વોટ્સએપ મારફતે બેન્કની APK ફાઈલ મોકલી 5 લાખ રૂપિયાની સાયબર ઠગાઈના કેસમાં ઝડપાયેલા ઉત્તર પ્રદેશના યુવકની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. માત્ર ધોરણ-11 પાસ અને 18 વર્ષીય આરોપી અત્યાર સુધીમાં 121 નકલી APK ફાઈલ બનાવી દેશભરના સાયબર ઠગોને વેચી ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે.
વોટ્સએપ પર APK મોકલી વૃદ્ધ વેપારી સહિત અનેક લોકોને શિકાર બનાવ્યા
મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વૃદ્ધ વેપારીને વોટ્સએપ ઉપર બેન્કની એપની એપીકે ફાઈલ મોકલી ફોન હેક કરી સાયબર માફિયાઓએ 5 લાખ રૂપિયા સેરવી લીધાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગત આઠમીના રોજ નોંધાઈ હતી. આ ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસે વૃદ્ધને જે એપીકે ફાઈલ મોકલી મોબાઈલ ફોન હેક કરવામાં આવ્યો હતો તે બનાવનાર માત્ર ધોરણ 11 પાસ એપીકે ફાઈલ ડેવલોપર 18 વર્ષીય રોહિત સાક્ય (રહે.નાગલા પટવારીયન, તા.પટયાલી, જી.કાસગંજ, ઉત્તર પ્રદેશ)ની ગત 14મી જુલાઈના રાજ સાંજે ધરપકડ કરી તેના ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે તેણે જુદી જુદી 121 ફાઈલ બનાવી જામતારા ગેંગને વેચતા તેમણે 21672 મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી 2998 મોબાઈલ ફોનનો એક્સેસ મેળવી 64,38,78,837 રૂપિયા સેરવી લેવાયા હતા. તેની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે એક એપીકે ફાઈલ બનાવી સાયબર માફિયાઓને 10થી 15 હજાર રૂપિયામાં માત્ર એક મહિના માટે આપતો હતો અને મહિના પછી તેના ઉપયોગ માટે રીન્યુઅલ ચાર્જ લેતો હતો.
રોહિતે બનાવેલી 21 પ્રકારની 121 APK ફાઈલમાં સર્વાધિક RTO ચલણની હતી
રોહિતે આરટીઓ ચલણ, એસબીઆઈ, પીએનબી, એક્સિસ, અમેરિકન એક્સપ્રેસ, બિગબાસ્કેટ, કસ્ટમર સપોર્ટ, યુકો બેન્ક, એચએસબીસી, હોસ્પિટલ, પીએમ કિસાન, ડીમાર્ટ, બંધન બેન્ક, પેન્શન, યુનિયન બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઝેપ્ટો, સીટી યુનિયન બેન્ક, કેમ્પા, ફેડરલના નામે કુલ 121 એપીકે ફાઈલ બનાવી હતી.
તેમાં સર્વાધિક 27 એપીકે ફાઈલ તેણે આરટીઓ ચલણના નામની જ્યારે ત્યાર બાદ 19 એપીકે ફાઈલ કસ્ટમર સપોર્ટ, 14 એપીકે ફાઈલ પીએનબી, 13 એપીકે ફાઈલ એસબીઆઈના નામની બનાવી હતી. તેમાંથી આરટીઓ ચલણની એપીકે ફાઈલ 5308, કસ્ટમર સપોર્ટની એપીકે ફાઈલ 3701, પીએનબીની એપીકે ફાઈલ 3392 અને એસબીઆઈની એપીકે ફાઈલ 2465 મોબાઈલ ફોનમાં ઈન્સ્ટોલ થઈ હતી. તેમાંથી આરટીઓ ચલણની એપીકે ફાઈલથી મોબાઈલ હેક કરી 27,82,33,752, કસ્ટમર સપોર્ટની એપીકે ફાઈલથી મોબાઈલ હેક કરી 1,64,46,983.25, પીએનબીની એપીકે ફાઈલથી મોબાઈલ ફોન હેક કરી 7,16,42,269.07 રૂપિયા અને એસબીઆઈની એપીકે ફાઈલથી મોબાઈલ ફોન હેક કરી 14,34,18,298.40 રૂપિયા સેરવી લેવાયા હતા.
રોહિતે કેમ્પા અને ફેડરલના નામે બનાવીને આપેલી બે ફાઈલ એકેય મોબાઈલ ફોનમાં ઈન્સ્ટોલ નહીં કરાતા કોઈ સાયબર ફ્રોડ થયું નહોતું.
જામતારા ગેંગની જરૂરીયાત મુજબ બે એન્ડ્રોઈડ APK ફાઈલ બનાવતો હતો
સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે રોહિત જામતારા ગેંગની જરૂરીયાત મુજબ બે એન્ડ્રોઈડ એપીકે ફાઈલ બનાવતો હતો. તે પૈકી એક વાઈરલ કરી મોબાઈલ ફોન હેક કરાતો હતો, જ્યારે બીજી મારફતે ગેંગ મોબાઈલ ફોનનો એક્સેસ મેળવતા હતા.
ગેંગનો મુખ્ય વ્યક્તિ રોહિત પાસેથી એપીકે ફાઈલ મેળવી પોતાના માણસોને તેને ટેલીગ્રામ કે વોટ્સએપ મારફતે વાયરલ કરવાની ટ્રેનીંગ આપે છે. બાદમાં કોઈ તે ફાઈલ ઉપર ક્લીક કરી ડાઉનલોડ કરે અને તે ઈન્સ્ટોલ થાય ત્યારે તેના મોબાઈલ ફોનનો એક્સેસ મેળવી તેના બેન્ક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ, બેન્કની કે પેમેન્ટ એપની મદદથી પૈસા સાયબર માફિયાઓએ કમિશનથી મેળવેલા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બાદમાં ગેંગ પોતાના અન્ય સાગરીતોની મદદથી તે પૈસા ગેંગના મુખ્ય વ્યક્તિના એકાઉન્ટમાં કેશ ડિપોઝીટ મશીન મારફતે જમા કરાવી બધાને કમિશન વહેંચી મેળવી લે છે.
યુટ્યુબ પર જોયા બાદ એઆઈની મદદથી ફાઈલ બનાવતો
રોહિત જે એપીકે ફાઈલ બનાવતો તે યુટ્યુબ ઉપર જોઈને એઆઈની મદદથી બનાવતો હતો.તે બેન્કની જે એપીકે ફાઈલ બનાવતો તેમાં બેન્કના નામનો લોગો, આઈકોન એટલા સરખા રાખતો કે કોઈપણ તેના બેન્કની એપ માનીને પોતાની વિગતો ભરતા હતા.પરિણામે જામતારા ગેંગને તેમની તમામ વિગતો સરળતાથી મળી જતી હતી.સાયબર ક્રાઈમ પોલીસે રોહિત પાસેથી એપીકે ફાઈલ બનાવવા માટે જે બે મોબાઈલ ફોન અને નવ લેપટોપ ઉપયોગમાં લેતો હતો તે પણ કબજે કર્યા છે.









