Surat

પૂરની સામે સુરતવાસીઓ આકરા પાણીએ : સમિતિઓ બહુ થઈ, હવે ખાડી પૂરનું કાયમી નિવારણ કરો, નહીતર જંતર મંતર જેવા આંદોલન માટે તૈયાર રહો

By GS Team
29 Jul 20263 mins read
TukuTouch Logo
સુરતના પરવત પાટિયા વિસ્તારમાં લોકો ખાડીના પાણી ભરાવાથી રોષે ભરાયા છે. જુલાઈ-2026માં 2 વખત ખાડી પૂરથી ઘરોમાં પાણી ઘૂસી લાખોનું નુકસાન થયું હતું. સ્થાનિકોએ પાલિકા અને સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, પાકિસ્તાન જતું સિંધુ નદીનું પાણી રોકવાની વાત થાય છે, તો સુરતની ખાડીનું પાણી કેમ રોકી શકાતું નથી? કાયમી ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂરની સામે સુરતવાસીઓ આકરા પાણીએ : સમિતિઓ બહુ થઈ, હવે ખાડી પૂરનું કાયમી નિવારણ કરો, નહીતર જંતર મંતર જેવા આંદોલન માટે તૈયાર રહો

Surat Corporation : એક તરફ સરકાર પાકિસ્તાન જતું સિંધુ નદીનું પાણી રોકવાની વાતો કરીને પોતાની તાકાતનો દાવો કરી રહી છે, તો બીજી તરફ સુરતના પરવત પાટિયાના લોકો વર્ષોથી ચોમાસામાં પોતાની જ ખાડીના પાણી સામે ઝઝૂમી રહ્યા છે. સિંધુનું પાણી રોકી શકાય તો સુરતની ખાડીનું પાણી કેમ નહીં? આ સવાલ હવે પરવત પાટિયાથી સરકાર અને પાલિકા સુધી ગુંજી રહ્યો છે. દર વર્ષે ખાડી પૂર આવે, લોકોના ઘરોમાં પાણી ઘૂસે, લાખો રૂપિયાની ઘરવખરી અને મોંઘા વાહનો બરબાદ થાય, લોકો ત્રાહિમામ પોકારે અને તંત્ર માત્ર સમિતિ રચીને બેસી રહે આ સિલસિલો હવે સ્થાનિકોના આક્રોશનો મુદ્દો બની ગયો છે. તેવી ચીમકી અસરગ્રસ્તો આપી રહ્યા છે.
જુલાઈ-2026માં એક જ મહિનામાં બે વખત ખાડી પૂરે પરવત પાટિયા સહિતના વિસ્તારોમાં તબાહી મચાવી હતી. ઋષિ વિહાર, સત્યમ, શિવમ, સુંદરમ, માધવબાગ, નંદનવન, વૃંદાવન, શ્રીવર્ધન રોહાઉસ, રણછોડનગર, શાંતિનગર, ગણેશનગર અને એસ.કે.નગર સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસતાં લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. અનેક મકાનોના તળિયા પાણીમાં ગરકાવ થયા હતા, જ્યારે કાર સહિતના મોંઘા વાહનો પણ ખાડીના પાણીમાં ફસાઈ જતાં લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું.
દર વર્ષે એકસરખી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉપાય નહીં કરાતાં સ્થાનિકોમાં હવે ભારે રોષ છે. લોકોનો આક્રોશ છે કે “અમારું નુકસાન થાય ત્યારે તંત્રને માત્ર સર્વે અને સમિતિ યાદ આવે છે, પરંતુ પૂર પહેલાં ખાડીનું યોગ્ય આયોજન કેમ યાદ આવતું નથી?” આવી સ્થિતિ બાદ પરવત પાટીયા વિસ્તારમાં લોકો ભેગા થયા હતા અને પાલિકા તથઆ સરકારની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
એક અસરગ્રસ્તે આક્રોશપૂર્ણ રીતે કહ્યું હતું કે, સરકાર પાકિસ્તાન જતું સિંધુ નદીનું પાણી અટકાવવાની વાત કરે છે, પરંતુ સુરત જિલ્લાની આ નાની ખાડીનું પાણી રોકવામાં કેમ નિષ્ફળ જાય છે? સિંધુ નદીની સરખામણીમાં આ ખાડીનું પાણી એક ટકો પણ નથી, ત્યારે સિંધુનું પાણી ભલે અટકાવો, પરંતુ પહેલાં સુરતને દર વર્ષે ડૂબાડતું ખાડી પૂર તો અટકાવો.” ખાડી પૂર રોકવા માટે દર વર્ષે સમિતિઓ રચાય છે, પરંતુ કાયમી ઉકેલ આવતો નથી. ગાંધીનગરથી જાહેરાતો થાય છે, પરંતુ સુરત સુધી પહોંચતાં નાણાં અને કામગીરી ઘટી જાય છે તેવો આક્ષેપ કરતાં સ્થાનિકોએ સરકારને અપીલ કરી હતી કે પરવતના માધવબાગને દિલ્હીના જંતર-મંતર જેવું આંદોલન સ્થળ બનાવવાની ફરજ ન પડે. દિલ્હીમાં અને ગુજરાતમાં એક જ સરકાર હોવા છતાં ખાડી પૂરના કાયમી નિવારણ માટે નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, “અમારે જંતર-મંતર કરવું નથી, દંગા કરવા નથી, પરંતુ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન અને જરૂર પડે તો અન્ય લોકશાહી માર્ગો અપનાવવા અમે પણ મજબૂર થઈશું.”
હવે માત્ર હાય-હાય નહીં, તંત્ર સામે આરપારની લડાઈ
ખાડી પૂરના મુદ્દે સ્થાનિકોએ પાલિકા વિરુદ્ધ “હાય-હાય”ના નારા લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરંતુ હવે આ વિરોધ માત્ર સૂત્રોચ્ચાર પૂરતો સીમિત ન રહે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. અસરગ્રસ્તોનું કહેવું છે કે દર વર્ષે અમારું ઘર ડૂબે, માલસામાન બરબાદ થાય, વાહનો પાણીમાં જાય અને તંત્ર માત્ર આશ્વાસન આપે એ હવે નહીં ચાલે. જો તાત્કાલિક નક્કર કામગીરી શરૂ નહીં થાય તો રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ આપી છે.
ગાંધીનગરથી જાહેરાતો, સુરત પહોંચતા ઉકેલ ગાયબ
સ્થાનિકોએ સરકાર અને પાલિકા સામે કટાક્ષ કરતાં કહ્યું છે કે ગાંધીનગરથી મોટી-મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ સુરતમાં તેનો અમલ કરવાનો સમય આવે ત્યારે કામગીરીની ગતિ ધીમી પડી જાય છે. ખાડી પૂર માટે દર વર્ષે બજેટ, આયોજન અને સમિતિઓની ચર્ચા થાય છે, પરંતુ જમીન પર કાયમી પરિણામ દેખાતું નથી. લોકોની માંગ છે કે હવે માત્ર ખાડીની સફાઈ કે વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ પૂરતો નથી. ખાડીની ઊંડાઈ-પહોળાઈ, પાણીના કુદરતી વહેણ, દબાણો, ડાયવર્ઝન, ડ્રેનેજ નેટવર્ક અને પૂર નિયંત્રણની સમગ્ર વ્યવસ્થાનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીને સમયબદ્ધ કાયમી ઉકેલ લાવવામાં આવે.