Surat

'સુરત મનપા કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કર્યા?': નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે હાઈકોર્ટ સરકાર પર લાલઘૂમ

By GS Team
20 Jul 20265 mins read
TukuTouch Logo
સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત ડિમોલિશન મામલે 26 પીડિતોએ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સુનાવણીમાં હાઈકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી, સુરત મ્યુનિસિપલ કમિશનર હજુ હોદ્દા પર કેમ છે તેવો વેધક સવાલ કર્યો. કોર્ટે નાના અધિકારીઓને બલિનો બકરો બનાવી મોટા અધિકારીઓને છાવરવા સામે નારાજગી વ્યક્ત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

'સુરત મનપા કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કર્યા?': નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે હાઈકોર્ટ સરકાર પર લાલઘૂમ
ફાઈલ તસવીર

Surat Nasirnagar Demolition Controversy: સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત અને ભૂતિયા ડિમોલિશનના વિરોધમાં 26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ત્યારે આજે સોમવારે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે જવાબદાર અધિકારીઓ પર કેમ પગલાં લેવાયા નથી તેવો વેધક સવાલ કરતાં કહ્યું હતું કે સુરતના મ્યુનિસિપલ કમિશનર હજુ હોદ્દા પર કેમ છે? તેમણે સસ્પેન્ડ કેમ નથી કર્યા?

'નાના અધિકારીઓને બલિનો બકરો બનાવી મોટા અધિકારી છૂટી જાય છે'

જેની સામે સરકારે સુરત મનપા કમિશનરનો બચાવ કર્યો હતો, જેના જવાબમાં હાઈકોર્ટે કહ્યું, તમે કોર્ટની આંખો બંધ નહીં કરવી શકો. અમને બધું દેખાય છે કે કાયમની જેમ નાના અધિકારીઓને બલિનો બકરો બનાવી મુખ્ય જવાબદાર અધિકારીઓ છટકી જાય છે. સુરતના નાસીરનગરમાં કોર્પોરેશન દ્વારા કરાયેલા મેગા ડિમોલિશન મામલે સરકારે સોગંદનામા પર એવી રજૂઆત કરી હતી કે જવાબદાર અધિકારી સામે ખાતાકીય તપાસ સોંપી દેવામાં આવી છે. આ અંગે કોર્ટે મ્યુનિસિપલ કમિશનર સામે સીધો સવાલ કર્યો હતો કે-

જો એક ઉચ્ચ અધિકારી સામે ખાતાકીય તપાસ શરૂ કરી હોય, તો મ્યુનિસિપલ કમિશનર હજુ સુધી પોતાના હોદ્દા પર કેમ છે? તમે કોર્ટને જે બતાવવા માગો છો તે આંખમાં ધૂળ નાખવા સમાન છે. સરકાર માત્ર દર્શાવવા પૂરતી કામગીરી કરી રહી છે અને ઇન્ક્વાયરીના નામે રમત રમી રહી છે. આખરે આ તપાસનો અર્થ શું? સરકાર કમિશનરને બચાવીને શું સાબિત કરવા માગે છે? સરકાર પોતે એવું સ્વીકારે છે કે આ ગંભીર બાબત છે, છતાં કમિશનરનો વાંક નથી એવું વલણ કેમ? જો કમિશનરને તમામ કામગીરી માટે સર્વોચ્ચ હોદ્દા પર રાખવામાં આવ્યા હોય, તો આટલી મોટી ઘટનાની જવાબદારી પણ તેમની જ બને છે. શું આ દેશમાં કોઈ કાયદો જ નથી? કમિશનરને હોદ્દા પરથી હટાવવા જ પડશે અને તેમની સામે તેનાથી પણ વધુ સખત સજા થઈ શકે છે.

'સરકાર સમય પસાર કરીને કોર્ટને ગેરમાર્ગે દોરવા માગે છે': હાઈકોર્ટ

જસ્ટિસ જસ્ટિસ નિખિલ કારેલિયા એવી ટકોર કરી હતી કે, સરકાર સમય પસાર કરીને કોર્ટને ગેરમાર્ગે દોરવા માગે છે. મ્યુનિસિપલ કમિશનર 'ફોરવર્ડ મેસેજ'નું બહાનું કાઢે તે વાત કોર્ટના ગળે ઊતરે તેવી નથી. કમિશનર પોતે વિશિષ્ટ સત્તા ધરાવે છે; તેમના હાથ નીચેના અધિકારીઓ પૂછ્યા વગર કામ કરી જાય અને કમિશનર કોર્ટને એવું કહે કે તેમને કંઈ ખબર નથી, આ બહાનું સ્વીકારી શકાય તેમ નથી. એક મહિના સુધી તો આ મામલે ફરિયાદ પણ નોંધાતી નથી, તો આ આખા મહિના દરમિયાન કમિશનરે શું કર્યું?

'સરકારના પૈસાથી નહીં, જવાબદાર સરકારી અધિકારીઓના અંગત ખિસ્સામાંથી વૈકલ્પિક વ્યવસ્થા કરો'

હાઇકોર્ટે સરકારને આડે હાથ લેતાં ટકોર કરી હતી કે, પીડિતો માટે વૈકલ્પિક વ્યવસ્થા સરકારની તિજોરીમાંથી નહીં, પરંતુ જવાબદાર સરકારી અધિકારીઓના અંગત ખિસ્સામાંથી કરવાની રહેશે. સરકાર પાસે રહેલું ભંડોળ સામાન્ય નાગરિકોનું છે. 'તલસ્પર્શી અભ્યાસ' જેવા શબ્દો વાપરીને પ્રાથમિક તપાસના નામે નાટક કરવામાં આવી રહ્યું છે. સામાન્ય લોકોના ટેક્સના નાણાંમાંથી વૈકલ્પિક વ્યવસ્થા શું કામ કરવી? કમિશનરે આ ખર્ચ પોતાના ખિસ્સામાંથી ભોગવવો પડશે.

હાઈકોર્ટના મુખ્ય સવાલો

  • સરકાર કેમ મ્યુનિસિપલ કમિશનરને હજુ સુધી હોદ્દા પર રાખી રહી છે?
  • તમે પ્રાથમિક તપાસ કેમ ન કરી? તમે કોર્ટની આંખમાં ધૂળ નાખી રહ્યા છો.
  • સૌથી સિનિયર અધિકારી કમિશનર હોવા છતાં તેમને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
  • સત્ય બહાર આવી ગયું હોવા છતાં સરકાર તેને છુપાવવા માગે છે.
  • 'તલસ્પર્શી અભ્યાસ' શબ્દના ઓઠા હેઠળ તપાસ પૂરી થયાનો દાવો કરશો?
  • પ્રિલિમિનરી તપાસનું બહાનું કાઢીને તમે માત્ર સમય પસાર કરવા માગો છો.
  • જેમના ઘર તૂટ્યા છે તેમને વળતર ચૂકવવાની જવાબદારી પણ અધિકારીઓની જ છે.

2 જુલાઇએ થયેલી સુનાવણીમાં શું કહ્યું?

2 જુલાઇએ થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કોર્પોરેશનના રિપોર્ટ સામે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે સરકારને પૂછ્યું કે, 'શું તમે નાગરિકો માટે પણ જવાબદાર નથી? કોર્પોરેશને જે રિપોર્ટ રજૂ કર્યો છે તેને ઇન્કવાયરી રિપોર્ટ જ ના કહેવાય. નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને તમે સંતોષ માની લો તેવું કોર્ટ માનવા તૈયાર નથી.' જેની સામે સરકારે એવી દલીલ કરી હતી કે આ ઘટનામાં સરકાર સીધી રીતે કોઈ જવાબદાર નથી, ત્યારે કોર્ટે વળતો પ્રહાર કરતા કહ્યું કે, 'આટલા મોટા પાયે ડિમોલિશન થયું અને તેની તમને ખબર ન હોય તેવું તો બને જ નહીં, પણ શું તમારી કોઈ જવાબદારી જ નથી? કેટલાક ઓફિસરો ભેગા થઈને આવું નક્કી કરે તેવી તમારી દલીલ ગળે ઉતરે તેવી નથી. હાઇકોર્ટમાં પિટિશન ના થાય ત્યાં સુધી કોર્પોરેશનના અધિકારીઓને ખબર જ નથી પડતી કે આ કોણે કર્યું?'

29 જૂને ડિમોલિશન કરવા બદલ કોર્પોરેશનને ખખડાવ્યું
હાઈકોર્ટે કોર્પોરેશનને આડે હાથ લેતા સવાલ કર્યો હતો કે, આટલું મોટું ડિમોલિશન થયું ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ શું કરતા હતા? તમારા કમિશનર ટોરેન્ટને ટેલિફોનિક સૂચના આપે છે! કાયદાકીય પ્રક્રિયા હાથ ધર્યા વગર તમે લોકોના મકાનો કેવી રીતે તોડી શકો? સરકારે પણ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, આ દબાણો ખોટી રીતે તોડી પડાયા છે અને તેના માટે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. સરકારે કબૂલ્યું કે જ્યારે 150 જેટલા મકાનો તોડાતા હતા ત્યારે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને ટોરેન્ટના અધિકારીઓ ત્યાં હાજર હતા અને તેઓ માત્ર તમાશો જોઈ રહ્યા હતા. કોર્પોરેશને કોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે, જે થયું તે ખોટું થયું છે પરંતુ રિપોર્ટ આવી જશે તેના પરથી સ્પષ્ટ થશે કે કોણે મંજૂરી આપી હતી. જે બાદ હાઈકોર્ટે કહ્યું કે-કોર્પોરેશન માત્ર ડિમાર્કેશન માટે ગયું હોય તો પોલીસ કમિશનરે તેમને કહી દેવું જોઇએ કે ડિમાર્કેશનની પ્રવુત્તિમાં અમારી કોઇ જરૂરિયાત નથી. પોલીસ કમિશનર ત્યાં શા માટે ગયા?

25 જૂને થયેલી સુનાવણીમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઈકોર્ટના વેધક સવાલો

  • જો SMCએ ડિમોલિશન નથી કર્યું તો ત્યાં તેના કર્મચારીઓ શું કરતા હતા?
  • તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા છે?
  • સુરત CPને ફરિયાદ અપાઈ તો લીધી કેમ નહીં?
  • કયા કયા અધિકારીઓ ડિમોલિશન સ્થળે હાજર હતા?
  • અરજદારે હાજર પોલીસ કર્મચારીઓના નામ-હોદ્દા કેમ નથી જણાવ્યા?
  • પોલીસ કમિશનર જવાબ આપે, ડિમોલિશન SMCએ કર્યું કે બીજા કોઈએ?
  • ટોરેન્ટ પાવર જણાવે કે કોના આદેશથી વીજ કનેક્શન કાપ્યા?
  • આટલા દિવસોમાં સંલગ્ન ઓથોરિટીએ કયા કયા પગલાં લીધા?

26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

મહત્વનું છે કે સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત અને ભૂતિયા ડિમોલિશનના વિરોધમાં 26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અરજદારોએ આ કાયદાકીય લડાઈમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશનર, એસ.ઓ.જી.ના ડી.સી.પી. રાજદીપસિંહ નકુમ તેમજ ટોરેન્ટ પાવર કંપની સહિતના પક્ષકારો સામે પિટીશન દાખલ કરી છે.