સુરત: ભટાર એસટીપી ખાતે બનશે ગુજરાતનું બીજું ગેસ આધારિત પેટ ડોગ ક્રિમેટોરિયમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: સુરત મહાનગર પાલિકાની આરોગ્ય સમિતિએ શહેરમાં મૃત રખડતા અને પાલતુ શ્વાનના વૈજ્ઞાનિક તથા સન્માનજનક અંતિમ સંસ્કાર માટે મહત્વનો નિર્ણય લીધો છે. ભટાર સ્થિત એસટીપી ખાતે 100 કિલોગ્રામ પ્રતિ કલાક ક્ષમતા વાળું ગેસ આધારિત પેટ ડોગ ક્રિમેટોરિયમ સ્થાપવા માટે રૂપિયા 44.30 લાખના નેટ અને રૂપિયા 46.96 લાખના ગ્રોસ અંદાજને મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધા શરૂ થયા બાદ મૃત પ્રાણીઓના સ્વચ્છ અને ઝડપી નિકાલ સાથે દુર્ગંધ, જમીન પ્રદૂષણ અને ચેપજન્ય રોગોના જોખમમાં ઘટાડો થશે. અમદાવાદ બાદ આવી આધુનિક સુવિધા ધરાવતું સુરત ગુજરાતનું બીજું મહાનગર બનશે.
શહેરમાં મૃત રખડતા અને પાલતુ શ્વાનના નિકાલ માટે અત્યાર સુધી દફનવિધિ નો જ મુખ્યત્વે ઉપયોગ થતો હતો. બદલાતી જરૂરિયાત અને જાહેર આરોગ્યના મુદ્દાને ધ્યાનમાં રાખીને પાલિકાએ હવે આધુનિક ગેસ આધારિત ક્રિમેટોરિયમ ઊભું કરવાનો નિર્ણય લીધો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની દરખાસ્ત મુજબ શહેરમાં રસ્તા પર મૃત્યુ પામતા રખડતા શ્વાન, પાલિકા સંચાલિત કતલખાના, માંસ-મચ્છી બજાર તેમજ અન્ય નાના પ્રાણીઓના મૃતદેહોના નિકાલ માટે હાલની વ્યવસ્થા પૂરતી નથી. હાલમાં મોટાભાગે મૃતદેહોને દફનાવીને નિકાલ કરવામાં આવે છે, જેના કારણે જમીનની જરૂરિયાત ઊભી થાય છે તેમજ દુર્ગંધ, ભૂગર્ભ જળ પ્રદૂષિત થવા ની શક્યતા અને ચેપ જન્ય રોગ ફેલાવવાનો ભય રહે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકાએ ગેસ આધારિત આધુનિક ક્રિમેટોરિયમ સ્થાપવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે માહિતી આપતા આરોગ્ય. સમિતિના અધ્યક્ષ અશોક રાંદેરીયાએ જણાવ્યું હતું કે, ક્રિમેટોરિયમમાં ગેસ આધારિત આધુનિક ઇન્સિનરેટર દ્વારા મૃત શ્વાન અને અન્ય નાના પ્રાણીઓના મૃતદેહોનું ઊંચા તાપમાને સંપૂર્ણ દહન કરવામાં આવશે. જેના કારણે મૃતદેહોનો ઝડપી, સ્વચ્છ અને વૈજ્ઞાનિક નિકાલ શક્ય બનશે. CPHEEO અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ની માર્ગદર્શિકા મુજબ મૃત પ્રાણીઓના નિકાલ માટે ઇન્સિનરેશન પદ્ધતિ સૌથી સુરક્ષિત અને વૈજ્ઞાનિક વિકલ્પ ગણાય છે. તે જ ધોરણોને આધારે ભટાર એસટીપી ખાતે આ સુવિધા ઉભી કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટનો એક મહત્વનો હેતુ પાલતુ શ્વાનના માલિકોને તેમના પ્રિય શ્વાનના સન્માનજનક અંતિમ સંસ્કાર માટે અલગ સુવિધા પૂરી પાડવાનો પણ છે. સાથે જ શહેરમાં જાહેર સ્વચ્છતા, આરોગ્ય સુરક્ષા અને પર્યાવરણના સંરક્ષણને વધુ મજબૂત બનાવવાનો પાલિકાનો પ્રયાસ છે. અમદાવાદમાં પહેલેથી જ આવી સુવિધા કાર્યરત છે અને હવે સુરત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે.
ભવિષ્યમાં મોટા પ્રાણીઓ માટે પણ બનશે આધુનિક અંતિમ સંસ્કારની સુવિધા
આરોગ્ય સમિતિના અધ્યક્ષ અશોક રાંદેરીયાએ જણાવ્યું હતું કે, હાલ પ્રથમ તબક્કામાં શ્વાન અને અન્ય નાના પ્રાણીઓ માટે ગેસ આધારિત ક્રિમેટોરિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આગામી સમયમાં જરૂરિયાત અને અનુભવના આધારે મોટા પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે પણ અલગ વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં વિચારણા કરવામાં આવશે.તેમણે જણાવ્યું કે શહેરમાં પશુઓના મૃતદેહોના યોગ્ય નિકાલની વ્યવસ્થા જાહેર આરોગ્ય અને સ્વચ્છતા માટે અત્યંત જરૂરી છે. હાલ નાના પ્રાણીઓ માટે આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી રહી છે, પરંતુ ભવિષ્યમાં શહેરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોટા પ્રાણીઓ માટે પણ વૈજ્ઞાનિક અને સ્વચ્છ નિકાલની વ્યવસ્થા વિકસાવવાની દિશામાં પાલિકા આગળ વધી શકે છે.રાંદેરીયાએ ઉમેર્યું કે ગેસ આધારિત ક્રિમેટોરિયમ માત્ર પાલતુ શ્વાનના માલિકોની લાગણીને માન આપતું પગલું નથી, પરંતુ શહેરમાં સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને પર્યાવરણના સંરક્ષણ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. ભવિષ્યમાં જરૂરિયાત મુજબ આ પ્રકારની સુવિધાનો વ્યાપ વધારવા અંગે પણ વિચાર કરવામાં આવશે.









