Surat

દોઢથી બે કલાકના વરસાદમાં જ સુરત પાણી-પાણી: બપોર બાદના ભારે વરસાદની આગાહીથી ચિંતા વધી

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતમાં રેડ એલર્ટ વચ્ચે શનિવારે સવારે માત્ર દોઢ કલાકના ધોધમાર વરસાદે શહેરને પાણી-પાણી કરી દીધું. વેસુના VIP રોડ, કતારગામ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા. સૂર્યપુર ગરનાળામાં વાહનો અટવાયા, જ્યારે BRTS સેવા પણ ખોરવાઈ. હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરતા તંત્ર સતર્ક બન્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દોઢથી બે કલાકના વરસાદમાં જ સુરત પાણી-પાણી: બપોર બાદના ભારે વરસાદની આગાહીથી ચિંતા વધી

Surat Rain Update : સુરતમાં રેડ એલર્ટ વચ્ચે શનિવારે સવારે માત્ર દોઢ કલાકમાં પડેલા ધોધમાર વરસાદે શહેરને પાણી-પાણી કરી દીધું. વેસુના વીઆઈપી રોડ, ખાટું શ્યામ મંદિર વિસ્તાર, અશ્વિનીકુમાર સ્મશાન રોડ, સૂર્યપુર ગરનાળું, કતારગામ, પંડોળ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. સૂર્યપુર ગરનાળામાં પાણી ભરાતા વાહનો અટવાયા હતા, જ્યારે પોદાર આર્કેડ સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બીજી તરફ અનેક BRTS રૂટ પર પાણી ભરાવાને કારણે બસ સેવા ખોરવાઈ હતી અને કેટલાક રૂટ તાત્કાલિક સ્થગિત કરવાની ફરજ પડી હતી. રસ્તા પર લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગે બપોર બાદ વધુ ભારે વરસાદની આગાહી કરતા નાગરિકોમાં ચિંતા વધી છે અને તંત્ર પણ સતર્ક બન્યું છે.

image.png

હવામાન ખાતાની આગાહી મુજબ સુરતમાં વરસાદ શરુ થયો છે બપોર બાદ ભારે પવન સાથે વધુ વરસાદ પડી શકે છે પરંતુ શરૂઆતના એકથી દોઢ કલાકના વરસાદમાં સુરતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં તંત્રની ચિંતા વધી રહી છે. વરસાદના પગલે વેસુના VIP રોડ, ખાટું શ્યામ મંદિર વિસ્તાર, અશ્વિની કુમાર સ્મશાન ભૂમિ નજીકનો માર્ગ, કતારગામ, પંડોળ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક સ્થળોએ કાર અને બાઇક ચાલક ધીમે ધીમે પસાર થતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી જતાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હતી.

image.png

શહેરનું સૂર્યપુર ગરનાળું પણ વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું. ગરનાળામાં પાણીનો સ્તર વધી જતાં વાહનચાલકોને અટકી જવાનો વારો આવ્યો હતો. ગરનાળાથી પોદાર આર્કેડ સુધીનો સમગ્ર માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો. સલામતીના કારણોસર ઘણા વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગો અપનાવ્યા હતા. વરસાદને કારણે શહેરના અનેક મુખ્ય માર્ગો પર લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

image.png

ઓફિસ અને અન્ય કામકાજ માટે નીકળેલા લોકોને સમયસર ગંતવ્ય સ્થાને પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ BRTS સેવા પ્રભાવિત થતાં મુસાફરોને પણ અગવડતા ભોગવવી પડી હતી. હવામાન વિભાગ દ્વારા સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને બપોર બાદ વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે નાગરિકોમાં ચિંતા વધી છે. જો આગામી કલાકોમાં વધુ વરસાદ વરસશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

image.png
image.png
image.png