Surat

સુરતમાં વરસાદી આફત વચ્ચે ભાજપના જ પૂર્વ મંત્રીએ તંત્ર સામે ખોલ્યો મોરચો, કહ્યું-'બેઠકો ઘણી, આયોજન શૂન્ય'

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતમાં ભારે વરસાદથી પલસાણા, કામરેજ સહિતના વિસ્તારો જળમગ્ન બન્યા છે. આ આફત વચ્ચે ભાજપના પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ તંત્ર સામે મોરચો ખોલ્યો છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "બેઠકો ઘણી, પણ આયોજન શૂન્ય છે." લાખો લોકોના ઘરોમાં પાણી ઘૂસવા છતાં કાયમી ઉકેલ લાવવામાં વહીવટી તંત્ર નિષ્ફળ રહ્યું છે. ટેક્નિકલ સર્વે કરીને પાણી ડાયવર્ટ કરવાની માગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં વરસાદી આફત વચ્ચે ભાજપના જ પૂર્વ મંત્રીએ તંત્ર સામે ખોલ્યો મોરચો, કહ્યું-'બેઠકો ઘણી, આયોજન શૂન્ય'

MLA Kumar Kanani Slams On Surat Administration Over Flood: સુરતના પલસાણા, કામરેજ, સુરત સિટી સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. આમ, સુરતમાં વરસાદી આફત વચ્ચે ભાજપના જ પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ તંત્ર સામે ખોલ્યો મોરચો છે. વરસાદી પૂરની સ્થિતિ વચ્ચે કાનાણીએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં ગંભીર સવાલો કરી કહ્યું કે, 'બેઠકો ઘણી, પણ આયોજન શૂન્ય છે. લાખો લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, ત્યારે ગયા વર્ષની સમીક્ષા માત્ર કાગળ પર રહી છે. આમ, લાખો લોકોની હાલાકી માટે વહીવટી તંત્ર જવાબદાર છે. જેમાં ટેક્નિકલ સર્વે કરીને વરસાદી પાણી ડાયવર્ટ કરવાની જરૂર છે, પરંતુ આયોજનના અભાવે લાખો લોકો મુશ્કેલીમાં મૂકાયા છે, ત્યારે કાયમી ઉકેલ લાવવામાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.'

સુરતમાં વરસાદી આફત વચ્ચે ભાજપના જ પૂર્વ મંત્રીએ તંત્ર સામે ખોલ્યો મોરચો

ભારે વરસાદ બાદ સુરતની અનેક ખાડીઓ ઓવરફ્લો થતાં શહેરના વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. વરસાદ બંધ થયાના બીજા દિવસે પણ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નહોતા, જેના કારણે હજારો પરિવારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, 'ગયા વર્ષે પણ ખાડી પૂર બાદ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમાં કાયમી ઉકેલ માટે અનેક દાવા અને આયોજનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ એક વર્ષ બાદ પણ કોઈ નક્કર કામગીરી જોવા મળી નથી. પરિણામે આ વર્ષે ફરી એ જ દ્રશ્યો સર્જાયા છે. જો બેઠકના નિર્ણયનો અમલ થયો હોત તો આજે લાખો લોકોને પાણીમાં જીવવાની ફરજ પડી ન હોત.'

તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'ખાડી પૂર હવે માત્ર કુદરતી સમસ્યા રહી નથી, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાનું પરિણામ બની ગયું છે. ખાડીઓનું વૈજ્ઞાનિક અને ટેક્નિકલ સર્વેક્ષણ કરીને જ્યાં જરૂરી હોય ત્યાં પાણી ડાયવર્ટ કરવાની વ્યવસ્થા ઊભી કરવી, ડ્રેનેજ વ્યવસ્થામાં સુધારો લાવવો અને લાંબા ગાળાનો માસ્ટર પ્લાન અમલમાં મૂકવો સમયની માગ છે.'

આ પણ વાંચો: VIDEO| સુરત: કૃષ્ણનગર અને ગઢા નગરમાં ગળાડૂબ પાણી, ફસાયેલા 193થી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ

વહીવટી તંત્રની નિષ્ફળ અંગે કાનાણીએ કહ્યું કે, 'ખાડીપૂરની સમસ્યાના કાયમી ઉકેલમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. દર વર્ષે સમીક્ષા બેઠકો યોજાય છે, મોટા મોટા દાવા થાય છે, પરંતુ વરસાદ પડતાં જ સમગ્ર વ્યવસ્થાની પોલ ખુલી પડી જાય છે. હવે માત્ર બેઠકો અને આશ્વાસનો નહીં, પરંતુ જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી અને કાયમી ઉકેલ લાવવાનો સમય આવી ગયો છે, નહીં તો સુરતીઓને દર વર્ષે આવી જ દુર્દશા ભોગવવી પડશે.'