Surat

સુરત પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓ બન્યા 'નાના ખેડૂત' : ઓર્ગેનિક ખેતીના પાઠ સાથે બીજની વાવણી

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમ પણ શીખવી રહી છે. કતારગામની સંત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક-114 માં વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું. રાસાયણિક ખાતરના બદલે પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવી, બાળકોના હાથે વિવિધ બીજની વાવણી કરાવી પ્રાયોગિક શિક્ષણ અપાયું. આ પહેલથી વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રત્યે જાગૃત બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓ બન્યા 'નાના ખેડૂત' : ઓર્ગેનિક ખેતીના પાઠ સાથે બીજની વાવણી

Surat : સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ માત્ર શિક્ષણ પૂરતી જ સીમિત નથી રહી, પરંતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી, સ્વસ્થ જીવનશૈલી અને પ્રકૃતિપ્રેમ જેવા જીવન મૂલ્યોનું પણ સિંચન કરી રહી છે. આ જ દિશામાં કતારગામની એક શાળામાં ઓર્ગેનિક ખેતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવાની સાથે તેમના હાથે વિવિધ બીજની વાવણી કરાવી પ્રયોગાત્મક શિક્ષણ આપવામાં આવ્યું હતું.

2.JPG


શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સંત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક-114 માં વિદ્યાર્થીઓને સરળ ભાષામાં પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને માહિતી આપતાં જાણકારોએ જણાવ્યું હતું કે, વધતા રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગથી જમીનની ફળદ્રુપતા, માનવ આરોગ્ય અને પર્યાવરણ પર ગંભીર અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક અને જૈવિક ખેતી માત્ર ખેડૂતો સાથે સમગ્ર સમાજ માટે લાભદાયી બની શકે છે.
વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, કુદરતી ખાતર બનાવવાની પદ્ધતિ, જમીનની જાળવવાના ઉપાયો તેમજ ઝેરી રસાયણોથી મુક્ત પાકના આરોગ્યલક્ષી ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકોના હાથે વિવિધ પ્રકારના બીજની વાવણી કરાવી તેમને ખેતીની પ્રક્રિયાનો પ્રાયોગિક અનુભવ કરાવવામાં આવ્યો હતો. શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે શિક્ષણનો સાચો હેતુ માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં જવાબદાર નાગરિક તરીકે ગુણો વિકસાવવાનો પણ છે. પ્રકૃતિ સાથે જોડાયેલી આવી પ્રવૃત્તિઓ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ, વૃક્ષો પ્રત્યે સંવેદના અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપે છે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વાવેલા બીજની નિયમિત સંભાળ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષો અને છોડ ઉછેરવા માટે પ્રેરિત કર્યા હતા. આમ શાળાના પ્રયોગાત્મક શિક્ષણના આવા પ્રયાસોથી વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકના જ્ઞાન પૂરતો સીમિત રહેતા નથી, પરંતુ તેઓ પ્રકૃતિ, પર્યાવરણ અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ પણ વ્યવહારિક રીતે સમજી રહ્યા છે.